તિરુવનંતપુરમ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુધવારે વાયનાડમાં લગભગ એક કલાક સુધી ચાલેલા રોડ શો બાદ રાહુલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.
કેરળના વાયનાડમાં બુધવારે (3 એપ્રિલ) ના રોજ ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધીએ રોડ શો યોજ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના સહયોગી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના ઝંડા દેખાતા ન હતા. રેલીમાં ભાગ લેનાર લોકોએ માત્ર ત્રિરંગો જ રાખ્યો હતો. આને લઈને ડાબેરીઓ અને ભાજપ બંને કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે.
ડાબેરી નેતા અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે કોંગ્રેસમાં બધાની સામે મુસ્લિમ લીગના ઝંડા લહેરાવવાની હિંમત નથી. કોંગ્રેસ એ સ્તરે આવી ગઈ છે કે તે હવે સાંપ્રદાયિક શક્તિઓથી ડરે છે. કોંગ્રેસ મુસ્લિમ લીગના વોટ ઇચ્છે છે પરંતુ તેમના ઝંડાને મહત્વ આપવા માંગતી નથી.
આ સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડા છુપાવવામાં આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થાય છે કે કાં તો રાહુલ મુસ્લિમ લીગનું સમર્થન મેળવીને શરમ અનુભવે છે અથવા તો તેમને એ વાતની ચિંતા છે કે જ્યારે તેઓ ઉત્તર ભારતની મુલાકાતે જશે અને મંદિરોની મુલાકાત લેશે ત્યારે તેઓ મુસ્લિમ લીગ સાથેના સંબંધોને છુપાવી શકશે નહીં.
વાયનાડથી ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રને આજે (4 એપ્રિલ) રોડ શો યોજ્યો હતો. જેમાં સ્મૃતિ ઈરાની સામેલ હતી.
સ્મૃતિએ કહ્યું- કોંગ્રેસે PFIની રાજકીય શાખાનો સહારો લીધો
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મને એ વાતનું પણ આશ્ચર્ય છે કે કોંગ્રેસ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની રાજકીય પાર્ટી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)નું સમર્થન સ્વીકારી રહી છે. આમ કરીને રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે લીધેલા બંધારણના શપથનું ઉલ્લંઘન કર્યું છે.
આવો જ વિવાદ 2019માં પણ થયો હતો
2019માં પણ વાયનાડમાં મુસ્લિમ લીગના ઝંડાને લઈને વિવાદ થયો હતો. ત્યારે ભાજપે મુસ્લિમ લીગના ઝંડાને પાકિસ્તાની ઝંડા ગણાવ્યા હતા. ભાજપે રાહુલ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું કે રાહુલને પાકિસ્તાની ઝંડા લઈને આવેલા જેહાદીઓ સાથે નિકટતા છે.
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો ધ્વજ પાકિસ્તાની ધ્વજ જેવો જ દેખાય છે.
2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલને 7 લાખથી વધુ વોટ મળ્યા હતા
વર્ષ 2019માં વાયનાડમાં કુલ 13 લાખ 59 હજાર 679 મતદારો હતા. રાહુલને 7 લાખ 6 હજાર 367 વોટ મળ્યા હતા. રાહુલ 4.31 લાખ મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને લોકસભા સીટ પર હાજર કુલ મતદારોના 51.95 ટકાનું સમર્થન મળ્યું હતું, જ્યારે આ સીટ પર પડેલા મતોના 64.64 ટકા વોટ તેમને મળ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટી દ્વારા જાહેર કરાયેલ 39 ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલનું નામ હતું. તેઓ વાયનાડથી ઉમેદવાર છે, પરંતુ અમેઠીના ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.