17 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાની એક્ટ્રેસ નાદિયા ખાને હાલમાં ઇન્ટરવ્યૂમાં ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ અંગે ખુલ્લીને વાત કરી છે. તેમનું કહેવું છે કે ‘રાજનેતાઓ સિવાય ભારતના મોટા સુપરસ્ટાર્સે પાકિસ્તાની એક્ટરોને ભારતમાં પ્રતિબંધિત કરવાનું કાવતરું ઘડ્યું છે.’
નાદિયાએ કહ્યું કે આ ષડયંત્રમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ સામેલ હતા. તેઓ ફવાદ ખાન જેવા પાકિસ્તાની કલાકારોથી અસુરક્ષિત બની ગયા હતા. કારણ એ હતું કે ભારતીય લોકોમાં આ કલાકારોની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી હતી.
પાકિસ્તાની એક્ટ્રેસ નાદિયા ખાન
નાદિયાનો દાવો- પાકિસ્તાની એક્ટર આંખોથી એક્ટિંગ કરે
નાદિયાએ એક ઉર્દૂ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, જ્યારે ફવાદ ખાન જેવા કલાકારોએ ભારતમાં કામ કરવાનું શરૂ કર્યું અને મોટા પાયે લોકપ્રિયતા મેળવી, ત્યારે ભારતના કેટલાક મોટા એક્ટર અસુરક્ષિત બની ગયા હતા. તેઓએ તેમને મુદ્દો બનાવ્યો અને આ કલાકારો પર પ્રતિબંધ મૂક્યો. એવું નહોતું કે રાજકારણીઓને આપણા કલાકારોથી વાંધો હતો. તે ભારતીય કલાકારો હતા જેમને જોખમ હતું. તેઓ જાણતા હતા કે ભારતના લોકો અમારા સ્ટાર્સના પ્રેમમાં પડી જશે કારણ કે તેઓ ખરેખર સારા એક્ટર છે. તેમને તેમનું શરીર બતાવવાની જરૂર નથી, તેઓ આંખોથી એક્ટિંગ કરે છે.
નાદિયાએ કહ્યું હતું કે ફવાદ ખાન અને અલી અબ્બાસ જેવા કલાકારોની ભારતમાં ઘણી લોકપ્રિયતા છે
નાદિયાએ કહ્યું- ખાન પાકિસ્તાની એક્ટરોથી અસુરક્ષિત છે
નાદિયાએ વધુમાં કહ્યું, મુદ્દો એ છે કે ભારતના લોકો ખરેખર અમારા એક્ટરોને પ્રેમ કરે છે. તમને ખ્યાલ નથી કે આ લોકો કેટલા પ્રખ્યાત છે. પાકિસ્તાની શો ભારતીય શો કરતા અડધી કિંમતે બને છે. આપણા કલાકારો કામના ભૂખ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમનું કામ ઈન્ટરનેશનલ લેવલ પર જોવા મળે. તમને ખબર નથી કે અમારા સ્ટાર્સના ફેન ફોલોઈંગ કેવા છે. આ કારણે ખાન (શાહરુખ, સલમાન અને આમિર) અસુરક્ષિત છે કારણ કે તેમની પાસે અમારા જેવા કલાકારો નથી.