ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યના ત્રણ મોટા શહેર અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર CID ક્રાઈમની 17 ટીમો દ્વારા એક સાથે મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે. નકલી ડોક્યુમેન્ટના આધારે લોકોને વિદેશ મોકલવામાં આવતા હોવાની આશંકાએ CID ક્રાઈમની ટીમ દ્વારા વિવિધ શહેરોમાં આ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. CID ક્રાઈમની કાર્યવાહીથી કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે CIDની તપાસમાં મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
CID ક્રાઈમ દ્વારા 17 ટીમો એક સાથે વિઝા કન્સલ્ટન્સીને ત્યાં ત્રાટકી
નકલી ડોક્યુમેન્ટના આધારે વિઝા કન્સલ્ટન્સીની મારફતે લોકોને વિદેશ મોકલવામાં આવતા હોય છે. ત્યારે હવે CID ક્રાઈમ શાખા દ્વારા 17 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા એકસાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત રાજ્યની કેટલીક જગ્યાઓ પર આવેલી વિઝા કન્સલ્ટન્સી પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 50થી વધુ પોલીસ કર્મચારીઓ અને કોમ્પ્યુટર નિષ્ણાંતોને સાથે રખાયા હતા. આ ટીમો દ્વારા અમદાવાદના સીજી રોડ પર અને વડોદરાના માઈગ્રેશન ઓવરસીસ સેન્ટરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
તપાસમાં શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ તમામનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ખોટા સાબિત થશે તો તે વિઝા કન્સલ્ટન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમની ઓફિસના કોમ્પ્યુટરમાંથી પણ કેટલીક મહત્વની વિગતો મળી છે. દરોડામાં 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની નકલ, 79 માર્કશીટ કબજે કરાઈ છે. આ ઉપરાંત 52 ઈલેક્ટ્રોનિક ગેજેટ અને 9 અન્ય સર્ટિફિકેટ પણ કબજે કરાયા છે. હવે વધુ તપાસ બાદ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. જોકે, CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને જણાવ્યું છે કે, હજુ તપાસ ચાલી રહી છે.
નકલી વિઝા પર લોકોને વિદેશ મોકલાતા, બાદમાં તેમને ત્યાંથી પાછા મોકલવામાં આવતા હતા : CID
સીઆઈડી દ્વારા જણાવાયું હતું કે, નકલી ડોક્યુમેન્ટના આધારે લોકોને નકલી વિઝા આપવામાં આવતા હોવાની ફરિયાદો મળી હતી. જેમાં મોટી રકમ લઈને આ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવામાં આવતા હતા. જેમાં મોટાભાગે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. પરંતુ નકલી દસ્તાવેજો અને વિઝા હોવાના કારણે તેમને ત્યાંથી પાછા મોકલવામાં આવતા હતા. આવી અનેક ફરિયાદો મળ્યા બાદ અમારી ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરાયું હતું. તમામ ટીમોએ એક સાથે 17 જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. દરોડા પાડવા ગયેલી ટીમોને પહેલાથી જાણ ન હતી કે તેમને ક્યાં અને શા માટે જવાનું છે. તેમને તે જ વખતે માહિતી આપવામાં આવી હતી જેના કારણે અમને સફળતા મળી છે.
મહત્વનું છે કે, રાજ્યભરમાં વિઝા એજન્ટોને ત્યાં CID દ્વારા ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ માટે છેલ્લા એક મહિનાથી ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં 10થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. CID દ્વારા ડમી વ્યક્તિને મોકલીને વિઝાની પૂછપરછ અંગે ચકાસણી કરાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ગેરકાયદે વિદેશ જનારા લોકોના મોતની ઘટનાઓ બની ચૂકી છે. આ તમામ લોકો વિદેશ જવાની લહાયમાં નકલી ડોક્યુમેન્ટના આધારે ઘુષણખોરી કરતા હોય છે. તો કેટલીક વખત વિદેશમાં નોકરીની લાલચ આપીને ઠગાઈ કરાતી હોવાના પણ બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે હવે CID ક્રાઈમની ટીમ સમગ્ર રાજ્યમાં એક્શનમાં આવી છે.