કોર્પોરેશન સર્ટિફિકેટની ચકાસણી કરી પસંદગી અને પ્રતીક્ષા યાદી બહાર પાડશે
Updated: Dec 18th, 2023
વડોદરા,વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૮ ઓકટોબરે એમસીક્યુ-ઓએમઆર પધ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી યોજવામાં આવી હતી. મંડળ દ્વારા ગઇ તા.૪ના રોજ આખરી ફાઇનલ આન સર-કી પ્રસિધ્ધ કરી હતી અને ૪ પ્રશ્ન રદ કર્યા હતા. ૨૦૦ ગુણ ૧૯૬ પ્રશ્નો વચ્ચે વેચાતા પ્રોરેટા પધ્ધતિ મુજબ ૧ પ્રશ્નના કુલ-૧.૦૨૦ ગુણ નિયત કરવામાં આવ્યા છે.
પ્રત્યેક ખોટા જવાબદીઠ, ખાલી છોડેલ જવાબદીઠ, પ્રશ્નમાં એક કરતાં વધુ વિકલ્પ એન્કોડ કરેલ હોય તેવા તથા છેકછાક કરેલ હોય તેવા જવાબદીઠ ૦.૨૫૫ ગુણ કાપવામાં આવેલા છે. જો ઉમેદવારે વિકલ્પ ઇ ને એન્કોડ કરેલ હોય તો જવાબદીઠ ૦.૨૫૫ ગુણ કાપવામાં આવેલ નથી. સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર તમામ કેટેગરી માટે ૪૦ ટકા લઘુત્તમ લાયક ગુણના ધોરણને ધ્યાને લઇ સફળ થયેલ લાયક ગણવાપાત્ર ઉમેદવારોની મેરીટ્સ મુજબની યાદી જારી કરી છે. જો કે ઉમેદવારોનો યાદીમાં સમાવેશ થવા માત્રથી ઉમેદવારને તેઓનો નોકરીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી. આ ભરતી માટે લાયક ઉમેદવારો પૈકી પસંદગી અને પ્રતિક્ષા યાદીમાં સમાવવા પાત્ર ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની મહાનગરપાલિકા કક્ષાએથી જુનિયર કલાર્કની જાહેરાત તથા ભરતી નિયમોની જોગવાઇને આધીન રહીને ચકાસણી કરવામાં આવશે. આખરી પસંદગી અંગે ઉમેદવારનું મેરીટ તથા તેની સામે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ વગેરે બાબતો ધ્યાને લઇ ભરતીના નિયમો અને જોગવાઇઓ આધિન મહાનગરપાલિકા દ્વારા નિમણૂંક અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. પ્રમાણપત્રોની ચકાસણીને અંતે મહાનગરપાલિકા દ્વારા પસંદગી/પ્રતિક્ષા યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. આ પરીક્ષા ૫૫૨ જગ્યા માટે લેવાઇ હતી. જે ૪૧.૪૧ ટકા ઉમેદવારોએ એટલે કે ૪૫૨૬૯ એ જ આપી હતી.