ઋષિકેશ રામાણી ગાર્ડનમાં લોકોને ચાલવાની જગ્યામાં ગાડી પાર્ક કરી દેવાતા વિવાદ
Updated: Dec 20th, 2023
અમદાવાદ,મંગળવાર,19 ડિસેમ્બર,2023
નિકોલમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઋષિકેશ રામાણી
ગાર્ડનમાં ભાજપના મહિલા ધારાસભ્યની ગાડી લોકોને ચાલવાની જગ્યામાં પાર્ક કરી
દેવાતા લોકોએ સોશિયલ મિડિયામાં વિડિયો
બનાવી વાઈરલ કર્યો હતો.સાથે જ નિયમ બનાવનારા જ નિયમનુ ઉલ્લંઘન કરે છે એ પ્રકારની
કોમેન્ટ પણ કરવામાં આવી હતી.
નિકોલ વોર્ડના ઋષિકેશ રામાણી ગાર્ડનમાં સવારના સમયે સ્થાનિક
રહીશો મોટી સંખ્યામાં મોર્નિંગ વોક કરવા પહોંચતા હોય છે.સવારના સમયે લોકો જયાં
મોર્નિંગ વોક કરતા હોય છે એ રસ્તા ઉપર ભાજપના ઠકકરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય
કંચનબહેન રાદડીયાની ગાડી પાર્ક કરવામાં આવતા મોર્નિંગ વોક માટે પહોંચેલાઓ પૈકી જ
કોઈકે આ બાબતનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર વાયરલ કર્યો હતો.ગાર્ડનમાં ધારાસભ્યના
પતિ લોકોની ફરિયાદ સાંભળવા ગયા હતા એ સમયે ગાડી પાર્ક કરવામાં આવી હોવાનું
આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.ધારાસભ્યની ગાડી ગાર્ડનમાં લોકોને ચાલવાની
જગ્યા ઉપર પાર્ક કરાઈ હોવા બાબતને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રો તરફથી
પણ સમર્થન આપવામાં આવ્યુ છે.