અમદાવાદ, બુધવાર
Navnirman Andolan : ગુજરાત અને ગુજરાતીઓના આંદલોન અને સંઘર્ષની ગાથા જ્યારે પણ કહેવામાં આવે છે ત્યારે તેમાં મહાગુજરાત આંદોલન અને નવનિર્માણ આંદોલનની વાત ચોક્કસ આવે છે. આઝાદ ભારતમાં આ બે આંદોલન એવા હતા જેમણી ગુજરાતી મિજાજનો અલગ જ પરચો સમગ્ર દેશને આપ્યો હતો. આ બંને આંદોલનો પ્રજા દ્વારા સ્વયંભૂ રીતે શરૂ કરાયા હતા અને તેની દેશવ્યાપી અસરો થઈ હતી. આવા જ એક આંદલોન એટલે કે નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થયા છે. 19 ડિસેમ્બર 1973માં શરૂ થયેલું વિદ્યાથીઓનું આંદોલન ગણતરીના દિવસોમાં જ રાજ્યવ્યાપી અને પાછલા તબક્કે દેશવ્યાપી આંદોલન બની ગયું હતું. નવલોહિયા યુવાનો દ્વારા મોંઘવારી મુદ્દે સરકાર અને સંસ્થાઓ સામે જંગ છેડવામાં આવ્યો જેના પગલે સમગ્ર ગુજરાત ભડકે બળવા લાગ્યું અને સત્તાના મદમાં મ્હાલી રહેલા નેતાઓની ખુરશીઓના પાયા હાલી ગયા.
ભોજનની કિંમત વધી અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા
મોરબી એન્જિનિયરિંગ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ભોજન બિલમાં 20 ટકાનો વધારો કરવામાં આવતા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિરોધનો તણખો અમદાવાદમાં અગ્નિ બનવા જઈ રહ્યો હતો. 19 ડિસેમ્બર 1973ના રોજ અમદાવાદની જાણીતી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં પણ ભોજન બિલમાં 20 ટકાનો તોતિંગ વધારો ઝિંકાયાના વિરોધમાં વિદ્યાર્થીઓ ટોળે વળવા લાગ્યા. સત્તાધિશો દ્વારા જ્યારે વિદ્યાર્થીઓને ગણકારવામાં ન આવ્યા ત્યારા આંદોલન હિંસક બનવા લાગ્યું. પીડબ્લ્યૂડીના સ્ટોરને આંગ ચાંપી દેવાઈ. ત્યારબાદ કેન્ટિન પણ આ વિરોધનો ભોગ બની અને તેને પણ આગના હવાલે કરાઈ. વિદ્યાર્થીઓનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો. તેઓ હોસ્ટેલના રેક્ટરને પણ મારવા દોડયા. રેક્ટર ત્યારે પરિવાર સાથે જીવ બચાવીને નાસી ગયા પણ રેક્ટરના ઘર અને માલસામાનને તોડફોડ કરીને આગ ચાંપી દેવાઈ. ત્યારબાદ પોલીસ આવી અને વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો. કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી.
ધરપકડના વિરોધમાં રેલી કાઢવામાં આવી
આ વિરોધની અસર અમદાવાદની અન્ય કોલેજોમાં પણ જોવા મળી. ગુજરાત યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવાની શરૂઆત કરાઈ. તેના પગલે ફરીથી પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસના આવા વલણનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા મોટા રેલીનું આયોજન કરવામાં આવ્યું. 1500થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા મોંઘવારી મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે રેલી કઢાઈ. તેઓ ગુજરાત યુનિવર્સિટથી રેલી કાઢીને નવરંગપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા. પોલીસ સ્ટેશન પણ વિદ્યાર્થીઓએ માથે લીધું. 22 કલાકના સંઘર્ષ અને વિરોધ બાદ આખરે પોલીસે વિદ્યાર્થીઓને છોડી મૂક્યા હતા. વિદ્યાર્થીઓના રોષની સાથે પ્રોફેસર્સ, વકીલો અને શિક્ષકોના મનમાં ઘરબાઈ રહેલો વિરોધનો ચરુ પણ ફાટી પડયો. તેઓ પણ વિદ્યાર્થીઓ સાથે વિરોધપ્રદર્શનોમાં જોડાવા લાગ્યા.
સામાન્ય પ્રજાએ પણ મોંઘવારી સામે જંગ છેડી દીધો
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી હોસ્ટેલોના ભોજન બિલમાં મોંઘવારી સામે જ સંઘર્ષ શરૂ કર્યો હતો પણ સામાન્ય લોકો તેમની સાથે જોડાયા અને સ્થિતિ બદલાવા લાગી. 10 જાન્યુઆરીના રોજ અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું જે સફળ રહ્યું અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળતા વિદ્યાર્થીઓ અને પ્રજા જુસ્સામાં આવી ગયા. ત્યારબાદ વડોદરા અને અન્ય શહેરોમાં પણ આ પ્રકારના વિરોધ વંટોળ શરૂ થવા લાગ્યા. ત્યારબાદ અમદાવાદ ખાતે મનીષી જાનીના પ્રમુખ પદે નવનિર્માણ સમિતિની રચના થઈ અને સમગ્ર આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવી. 25 જાન્યુઆરીના રોજ ફરીથી અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું. તે વખતે વિદ્યાર્થીઓને અટકાવવા માટે મિસા કાયદા હેઠળ તેમની ધરપકડ શરૂ કરવામાં આવી. આ મુદ્દે ગુસ્સે થયેલા લોકો દ્વારા 68 બસો હાઈજેક કરવામાં આવી અને બસોમાં રેલીઓ કાઢવામાં આવી. આ રેલીઓમાં માનવમહેરામણ ઉમટી પડયો અને આંદલોનની ઉગ્રતા વધવા લાગી.
28 જાન્યુઆરીએ અમદાવાદમાં લશ્કર સાબદું કરાયું
અમદાવાદમાં આંદોલન એ હદે ઉગ્ર બની ગયું હતું કે, સમગ્ર રાજ્યમાં તેના પડઘાં પડી રહ્યા હતા. 25 જાન્યુઆરીના આંદોલનમાં 33 શહેરોમાં પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું. તેના કારણે પોલીસ અને સરકાર વધારે એક્શનમાં આવ્યા. 44 શહેરો અને નગરોમાં સંચારબંદી લાગુ કરવામાં આવી. ત્યારબાદ પણ સ્થિતિ થાળે ન પડતાં 28 જાન્યુઆરી 1974ના રોજ અમદાવાદ ખાતે લશ્કરની ટુકડીઓ ઉતારવામાં આવી અને વિવિધ વિસ્તારોમાં સાબદી કરવામાં આવી. પ્રજાનો રોષ તેના કારણે દેશવ્યાપી થવા લાગ્યો.
આંદોલનને પગલે ચીમનભાઇને જવું પડેલું
આ ગતિનું પરિણામ એ આવ્યું કે, આંદોલનને પગલે 9 ફેબુ્રઆરીના રોજ ચીમનભાઈ પટેલ પાસેથી રાજીનામુ માગી લેવાયું. ત્યારબાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. વિધાનસભા પણ વિખેરી નાખવામાં આવી. 16 માર્ચના રોજ વિધાનસભા વિખેરી નાખવામાં આવતા આ આંદોલનનો અંત આવ્યો હતો.
ભાવવધારાનો આવો વિરોધ ક્યારેય થયો નથી
મહત્ત્વની વાત એ છે કે ગુજરાતની વેપારી, સહનશિલ અને શાંત પ્રજાએ જ્યારે વિરોધ અને વિદ્રોહનો માર્ગ અપનાવ્યો ત્યારે કોઈને પણ કલ્પના નહોતી કે તેના લાંબાગાળાના પરિણામો આવી શકે છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભોજન બિલમાં 20 ટકાના વધારાના વિરોધમાં કે પછી તેલના ભાવ 3.10 પૈસાથી વધીને 6.80 પૈસા પહોંચી જતાં પ્રજાએ જે હિંસક માર્ગ અપનાવ્યો તે સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી ગયો હતો. મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ભાવવધારથી દેશની પ્રજા આઝાદી પહેલાં અને આઝાદી પછી ત્રસ્ત જ રહી છે. આવી સ્થિતિનો આટલો મોટાપાયે ગુજરાતી પ્રજા દ્વારા વિરોધ કરવામાં આવશે તેની કોઈને કલ્પના નહોતી. રાજકીય જાણકારો પણ કહે છે કે, ગુજરાતી વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો દ્વારા ન્યાય મેળવવા માટે આંદોલનની જે મશાલ પ્રગટાવવામાં આવી હતી તે ન ભૂતો ન ભવિષ્યતી સાબિત થઈ હતી. ત્યારબાદ ગુજરાતે ક્યારેય આવા આંદોલન જોયા નથી જેમાં પ્રજા એકજૂથ થઈને સત્તાના વિરોધમાં આવી હોય અને સત્તાના મૂળીયા હલાવી દીધા હોય.