અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બુધવારના દિવસે 4 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન બંધ રહેતું હોય છે. જો કે, દરરોજ અમદાવાદ એરપોર્ટ પર 200થી 250 ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે પરંતુ, મેઈન્ટેનન્સ કાર્યને લઇને બુધવારના દિવસે ફ્લાઇટ ઓપરેશન બંધ હોય છ
.
સાડા 8 કલાક જેટલી ફ્લાઇટ વિલંબિત થઇ હતી
આજે સાંજે 4.35 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થનારી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટ એન્જિનમાં આંતરિક ખામી સર્જાતા સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ છે. આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડીરાત્રે 1.05 કલાકે ઉડાન ભરે એવી શક્યતાઓ છે. આ ફ્લાઇટમાં જે મુસાફરો પ્રવાસ કરવાના હતા, તે ફ્લાઇટમાં ખામી સર્જાવાને કારણે રઝળી પડ્યા હતા અને તેમણે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-ટૂ પર લગભગ 9-10 કલાક જેટલો સમય વીતાવવો પડ્યો હતો કારણ કે, સાડા 8 કલાક જેટલી ફ્લાઇટ વિલંબિત થઇ હતી અને તે પહેલા ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટી 2 કલાક અગાઉ જ મુસાફરો એરપોર્ટ પહોચી જતા હોય છે. ત્યારે 170 મુસાફરો 10 કલાક જેટલા સમય માટે રઝળી પડ્યા હતા.
1થી 3 કલાકના સમયગાળામાં ફ્લાઈટો મોડી પડી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દિલ્હીમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે અને વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હોવાથી અમદાવાદથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ વિલંબિત થઇ હતી તથા દિલ્હીથી આવતી અને દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ હતી. આ ઉપરાંત મુંબઈમાં પણ હવામાનની પ્રતિકૂળ અસરોને કારણે ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ રદ્દ થઈ હતી જ્યારે સ્પાઇસ જેટ એરલાઇન્સની અમદાવાદથી ગોવા જતી અને ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટ પણ રદ થઈ હતી. તદુપરાંત દિલ્હી અને મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને એર ટ્રાફિક કન્ટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ તેના નિશ્ચિત સમયના વિલંબ પછી તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસમાં દિલ્હી-મુંબઈ સહિત ભોપાલ, લખનૌ, પૂણેની ફ્લાઇટ પણ 1 કલાકથી લઇને 3 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી.