નવી દિલ્હી30 મિનિટ પેહલા
- કૉપી લિંક
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ BRS નેતા કે. કવિતાએ જામીન પર આપેલા નિવેદન માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે. રેવંતે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે મારા નિવેદનને લઈને પ્રકાશિત થયેલા સમાચારમાં ટિપ્પણીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
રેવંતે લખ્યું- 29 ઓગસ્ટના કેટલાક સમાચારોમાં મારા નામે કોમેન્ટ્સ કરવામાં આવી હતી, જેના કારણે એવું માનવામાં આવે છે કે હું માનનીય કોર્ટના ડહાપણ પર સવાલ ઉઠાવી રહ્યો છું. તે અહેવાલોમાં આપેલા નિવેદનો માટે હું મારી બિનશરતી માફી માગું છું. હું ન્યાયતંત્રનું સન્માન કરું છું અને કરતો રહીશ.
CM રેવન્ત રેડ્ડીની પોસ્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું- કોર્ટને રાજકીય લડાઈમાં ન ખેંચો
જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે 29 ઓગસ્ટે કેશ ફોર વોટ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન તેમણે રેવંત રેડ્ડીના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું – ‘શું તમે અખબારમાં વાંચ્યું કે તેમણે (રેવંત) શું કહ્યું? વાંચો.’ કોર્ટે કહ્યું- કોર્ટને રાજકીય લડાઈમાં ઘસડવું યોગ્ય નથી. કોર્ટ નેતાઓની સલાહ લીધા બાદ નિર્ણય આપતી નથી. આવા નિવેદનો લોકોના મનમાં આશંકા પેદા કરે છે.
સીએમ રેડ્ડીએ કહ્યું- BRSએ લોકસભામાં ભાજપની જીત માટે કામ કર્યું
તેલંગાણાના સીએમએ 28 ઓગસ્ટ, મંગળવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કવિતાને 5 મહિનામાં જામીન મળશે કે કેમ તે અંગે શંકા છે. મનીષ સિસોદિયાને 15 મહિના બાદ જામીન મળ્યા છે. જ્યારે સીએમ કેજરીવાલને હજુ સુધી જામીન મળ્યા નથી.
રેવન્ત રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે BRSએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે કામ કર્યું હતું. બીઆરએસ અને ભાજપ વચ્ચે થયેલી સમજૂતીને કારણે કવિતાને જામીન મળ્યા હોવાની પણ ચર્ચા છે.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં 5 મહિનાથી જેલમાં રહેલી કવિતાને 27 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.