ન્યૂયોર્કથી ભાસ્કર રિપોર્ટર મોહમ્મદ અલી6 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણ તાકાતની સાથે મેદાનમાં ઊતર્યા છે. પોતાના સ્પષ્ટ વક્તૃત્વના કારણે પ્રખ્યાત ટ્રમ્પ પોતાની જીતને લઇને સ્પષ્ટ છે. ટ્રમ્પે પોતાના વ્યસ્ત શિડ્યુલની વચ્ચે દિવ્ય ભાસ્કરના સવાલોના જવાબ આપ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતનાં હિતો માટે વ્હાઇટ હાઉસમાં મારાથી યોગ્ય અન્ય કોઇ અમેરિકન રાષ્ટ્રપતિ નહીં હોય. તે ભારત-અમેરિકાના સંબંધ નવી ઊંચાઇએ લઇ જશે. તો અહીં રજૂ છે તેમની સાથેના સવાલ-જવાબના અંશ …
અમેરિકન જનતા જાણી ગઈ છે કે કમલા હેરિસ ખૂબ જ ખરાબ રાષ્ટ્રપતિ સાબિત થશે. કોમરેડ કમલા હેરિસ અમેરિકન લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢશે, જ્યારે હું તેમના ખિસ્સામાં હજારો ડોલર મૂકવાનો છું.
કમલા પર ભારતીય ઇમિગ્રન્ટ્સ તરફથી પૂછવામાં આવેલા 5 પ્રશ્નો અને ટ્રમ્પના જવાબો…
પ્રશ્ન 1- જો તમને બીજી તક મળે તો ભારત માટે શું પ્લાન છે?
જવાબઃ ભારતીય-અમેરિકન મારા સમર્થક છે. ગત ચૂંટણીમાં પણ મને તેમનો ભરપૂર ટેકો મળ્યો હતો. અમેરિકામાં ભારતીયોની મજબૂત ઉપસ્થિતિ જોઇ શકાય છે. તેનું કારણ તેમની અતુલનીય ટેલેન્ટ છે. મારા ચૂંટણી કેમ્પેનમાં સામેલ ભારતવંશી ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારતયાત્રા દરમિયાન પણ મારું ભરપૂર સ્વાગત કરવામાં આવ્યું હતું, તે મને આજે પણ યાદ છે.
હું ગેરન્ટી આપું છું કે ભારતીયો વ્હાઇટ હાઉસમાં કોઇ મારાથી યોગ્ય મિત્ર પામી શકે નહીં. હું ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણા સમયથી જાણું છું. તેમના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે. હું મારા બીજા કાર્યકાળમાં પીએમ મોદીની સાથે કામ કરવા માટે ઘણો ઉત્સુક છું.
પ્રશ્ન 2- ઇમિગ્રેશનને લઇને તમારું વલણ ઘણું કડક રહ્યું છે, ભારતીયોને કેવી રીતે વિશ્વાસ અપાવશો?
જવાબઃ ગેરકાનૂની ઇમિગ્રેશન (પ્રવાસન)ને લઇને મારું વલણ કડક છે. રાષ્ટ્રપતિ તરીકે મેં ગેરકાનૂની પ્રવાસીઓ સામે કડકાઇ કરી હતી. પરંતુ હું સ્પષ્ટ કરવા માગું છું કે કાયદેસર પ્રવાસીઓમાં વિશેષ કરીને ભારતીયોનું હું સ્વાગત કરું છું. મેં હાલમાં જ કહ્યું છે કે અમેરિકામાં ગ્રેજ્યુએશન કરનારા ભારતીયો અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને ઓટોમેટિક રૂટથી ગ્રીનકાર્ડ મળવું જોઇએ. એટલે કે અભ્યાસ પૂરો થયા પછી તેમને અમેરિકામાં સ્થાયી રૂપે વસવા માટે દરેક સુવિધા મળવી જોઇએ.
હાર્વર્ડ અને એમઆઈટીના ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા પછી પોતાના દેશ પરત ફરી જાય છે. આ અમેરિકા માટે મોટું નુકસાન છે. આથી મેં ગ્રેજ્યુએશન કરનારાઓને ગ્રીનકાર્ડ આપવાની સ્કીમ શરૂ કરવાની જાહેરાત કરી છે. મારી સ્કીમ ડિગ્રીધારી અને સ્કિલ્ડ વર્કરો માટે ઓપન ડોર પૉલિસી રહેશે. જેનાથી અમેરિકાના અન્ય વર્કરોની નોકરી છીનવાશે નહીં.
પ્રશ્ન 3. ઇમિગ્રેશન પર તમે કમલા હેરિસથી કેવી રીતે અલગ છો?
જવાબઃ કૉમરેડ કમલા હેરિસની ઇમિગ્રેશન નીતિના કારણે વિશ્વભરના ગુનેગારો અને આતંકીઓ બૉર્ડર ઉપરથી અમેરિકા આવી રહ્યા છે. તેમને બહાર કાઢવાની કોઇ કાર્યવાહી કરાતી નથી. આ ઘૂસણખોરો અમેરિકામાં જંગલરાજ બનાવી રહ્યા છે. હું રાષ્ટ્રપતિ બનતાં જ 2 કરોડ ઘૂસણખોરોને બહાર તગેડી મૂકવાનો છું. કમલા આ ના તો કરી શકી છે કે ના તો કરી શકવાની છે.
ટ્રમ્પે કહ્યું કે હું રાષ્ટ્રપતિ બનતાની સાથે જ 20 મિલિયન ઘૂસણખોરોને બહાર કાઢવાનો છું.
પ્રશ્ન 4- કમલા હેરિસ રાષ્ટ્રપતિના રૂપમાં તમારા કાર્યકાળ ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે, તેના વિશે શું કહેશો?
જવાબઃ કમલા અને તેમના હેન્જવર્સ મારી ઉપર આરોપ લગાવી રહ્યા છે જેમ કે હું આઉટગોઇંગ રાષ્ટ્રપતિ હોઉં. જ્યારે ગત 4 વર્ષથી આ લોકો (ડેમોક્રેટ્સ) સત્તામાં છે. જવાબદારી તેમની છે. હું સત્તાથી બહાર છું, પરંતુ મારા ઉપર એવા આરોપો જોડી રહ્યા છે જેની સાથે મારે કોઇ સંબંધ નથી. કમલાને વહેમ છે કે જનતા તેમના અસત્યને પકડી શકશે નહીં. બાઇડેન-કમલા પ્રશાસને સત્યને દબાવવા અને અસત્યને વધારવા માટે કામ કર્યુ છે.
પ્રશ્ન 5- ઇઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ થવાનું છે, તમારી પાસે આ યુદ્ધ રોકવા માટે શું પ્લાન છે?
જવાબઃ કમલા હેરિસ યહૂદીઓને નફરત કરે છે. કમલા ચૂંટણી જીતશે તો ઇઝરાયલનો નાશ થવાનું નક્કી છે. વાસ્તવમાં ડેમોક્રેટસ હમાસના સમર્થક છે. તેમના મોટા નેતા પેલેસ્ટાઇનના નામ ઉપર હમાસને પ્રોત્સાહન આપે છે. વર્તમાનમાં અમેરિકાના નેતૃત્વમાં નબળાઈના કારણે હમાસ દ્વારા બંધક બનાવેલા એક વર્ષ પછી પણ મુક્ત થઇ શકતા નથી. આ બંધકોમાં કેટલાય અમેરિકાના નાગરિક છે.
આંતરાષ્ટ્રીય નીતિમાં ડેમોક્રેટ્સ વિફળ સાબિત થયા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધના રોકવા માટે અમેરિકાએ પોતાની તાકાતનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. રાષ્ટ્રપતિ જો બાઇડેને કોઇપણ વિચાર-વિમર્શ કર્યા વિના અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો હતો. કોઇપણ આંતરરાષ્ટ્રીય મુદ્દા ઉપર અમેરિકાનાં હિતોને સર્વોપરી રાખીને નિર્ણય લેવા જોઇએ.
ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને રોકવા માટે અમેરિકાએ પોતાની શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો…
ભારતીય મૂળની કમલા સાથે ટ્રમ્પ હવે વધુ ચર્ચા નહીં કરેઃ કહ્યું- હાર બાદ બીજી તક જોઈએ છે
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે તેઓ 5 નવેમ્બરની ચૂંટણી પહેલાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વધુ કોઈ ચર્ચામાં ભાગ લેશે નહીં. CNN અનુસાર તેણે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…