અમરેલી અને રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા પરંતુ હવે તેમને ભૂલી ગયા છે. રાજકોટના હિરાસર એરપોર્ટને કેશુભાઇનું નામ આપો. બાપાને પદ્મભૂષણ એવોર્ડ આપ્યો એ ઓછું કહેવાય. આદર આપવાથી શું થવાનું છે? ખોડલધામ અને ઉમિયાધામે કેશુબાપાનો ભરપૂર ઉપયો
.
આ વેદના છે ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલના પુત્ર અને ભાજપના સભ્ય ભરત પટેલની.
29મી ઓક્ટોબરે કેશુભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમને સ્મરણાંજલિ આપવા માટે અને પાટીદારોને એક કરવા માટે 27મી ઓક્ટોબરે રાજકોટમાં એક કાર્યક્રમ યોજાવાનો છે. દિવ્ય ભાસ્કરની ટીમે કાર્યક્રમના આયોજકોની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. આ દરમિયાન અમે આયોજકોને પૂછ્યું કે કાર્યક્રમ કેશુબાપાને લગતો છે તો શું તમે તેમના પરિવારની સહમતી લીધી છે? આયોજકોએ હા, પાડતા અમે કેશુભાઇના પરિવારનો સંપર્ક કર્યો હતો.
દિવ્ય ભાસ્કરે કેશુબાપાના પુત્ર ભરત પટેલ સાથે વાત કરી હતી. અમારી સાથેની વાતચીતમાં તેમણે સહજ રીતે પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
કેશુબાપાને ભૂલી જવા એ મોટી અને ખોટી વાતઃ ભરત પટેલ ભરત પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ કાર્યક્રમ માટે મારે કુર્મી સેના સાથે ટેલિફોનિક વાતચીત થઇ છે અને મેં હા પણ પાડી છે. મને પણ આમંત્રણ આપવાના છે. મારો પ્રયાસ રહેશે કે હું એ કાર્યક્રમમાં હાજર રહું. કેશુબાપાનું ઘણું મોટું યોગદાન છે. તેમને વિસરી જવા એ પણ એક મોટી અને ખોટી વાત છે.
અમરેલી અને રાજકોટના ધૂરંધર નેતાઓ બાપાને ભૂલ્યાઃ ભરત પટેલ તેઓ આગળ કહે છે કે, અમરેલીના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા, રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇ અને ચીમનભાઇની નીચે તૈયાર થયા હતા પણ હવે તેઓ ભૂલી ગયા છે. કોઇ વટવૃક્ષ હોય તેના છાંયડાંમાં બેઠા હોઇએ તો તેને યાદ તો કરવું પડે ને કે અમે આ વટવૃક્ષના છાંયડાંમાં બેઠા હતા. સ્વાર્થનું રાજકારણ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મોટા મોટા એરપોર્ટ ખુલ્યા, બ્રિજ બન્યા પરંતુ કોઈને કેશુભાઈ પટેલનું નામ અપાયું નથી. સામે ચાલીને નામ આપવું જોઈએ જેથી નવી પેઢી અને જૂના લોકોને બાપા યાદ રહે પણ આવું કોઈએ કર્યું નથી.
કેશુબાપાને પદ્મભૂષણ આપ્યો એ ઓછું કહેવાયઃ ભરત પટેલ કેશુભાઇને મળેલા પદ્મભૂષણ એવોર્ડનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, પદ્મભૂષણ એવોર્ડ આપ્યો એ સારી વાત છે, કેશુભાઇનું સન્માન જાળવ્યું પણ એ ઓછું કહેવાય. તેમણે પોતાની જિંદગીના 75થી 80 વર્ષ રાજકારણ માટે ખર્ચી નાખ્યા હતા. તેમણે આજીવન યોગદાન આપ્યું હતું.
ખોડલધામ અને ઉમિયાધામે બાપાનો ભરપૂર ઉપયોગ કર્યોઃ ભરત પટેલ તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ખોડલધામ અને ઉમિયાધામ કેશુભાઇને આગળ નથી કરી રહ્યા તેવું લાગે છે. જ્યારે જરૂર હતી ત્યારે કેશુભાઇનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ખોડલધામનો વિચાર જ કેશુભાઇનો હતો.
હિરાસર એરપોર્ટને કેશુભાઇનું નામ આપવાની માંગ તેઓ જણાવે છે કે, રાજકોટના હિરાસર એરપોર્ટને કેશુભાઇ પટેલનું નામ આપવું જોઇએ. ગોકુળિયું ગામ, ચેક ડેમ જેવી યોજનાઓને હાઇલાઇટ કરીને લોકો સુધી પહોંચાડવી જોઇએ તો જ નવી પેઢીને કેશુબાપાના યોગદાન વિશે ખબર પડે.
કુર્મી સેનાના કાર્યક્રમને મારૂં સમર્થનઃ ભરત પટેલ તેમણે ઉમેર્યું કે, મારી કોઈ માંગ પણ નથી આ એક સામાન્ય વાત છે. બાપાનું ગુજરાત અને રાજકોટમાં બહુ મોટું યોગદાન છે. આજે કોઈ તેમને યાદ કરવા માંગતા હોય તો મારે સાથ આપવો જોઈએ. જે કાર્ય કુર્મી સેના કરે છે તેને મારું સમર્થન છે. એ લોકોનો કોઈ પોલિટિકલ એજન્ડા નથી.
જેની છત્રછાયામાં ગુજરાતમાં ભાજપનો પાયો નખાયો, ગામડાઓ ખૂંદીને જેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો તે કેશુભાઇ પટેલ સંઘના પ્રચારકથી ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા હતા.
હવે એ જાણી લો કે રાજકોટમાં કઇ જગ્યાએ અને કયા પ્રકારનો કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમના આયોજન માટે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના સભ્યોની બેઠક યોજાઇ હતી. ચિરાગ પટેલ અને જીજ્ઞેશ કાલાવડિયા સંગઠનના સંસ્થાપક છે. આ એ જ ચિરાગ પટેલ છે જે એક સમયે પાટીદાર આંદોલન કરનારા હાર્દિક પટેલના સાથી હતા. આંદોલન બાદ તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. હાલ તેઓ ભાજપમાં નથી. દિવ્ય ભાસ્કરે ચિરાગ પટેલ અને જીજ્ઞેશ કાલાવડિયા સાથે વાતચીત કરી હતી.
લેઉવા કે કડવા પટેલની વાત નથીઃ ચિરાગ પટેલ ચિરાગ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ ફક્ત પાટીદારોની વાત છે. આ લેઉવા પટેલનું નથી અને કડવા પટેલનું પણ નથી. આ આયોજન લેઉવા પટેલ-કડવા પટેલની વાતથી જ ગુજરાતને મુક્ત કરવા માટેનું આયોજન છે. ભારત બહારના 200 દેશમાં પાટીદારો વસે છે. એટલે જ આ સંગઠનનું નામ આંતરરાષ્ટ્રીય કુર્મી સેના રાખ્યું છે.
પાટીદારોને એક કરવા માટે કાર્યક્રમનું આયોજન તેઓ વધુમાં કહે છે કે, વિશ્વમાં વસતા દરેક પાટીદારને લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમે કોઈ રાજકીય વિષયને ધ્યાનમાં લઈને નથી ચાલતા. પટેલ સમાજના મોભીઓના વિચારને સામાજિક લોકો સાથે શેર કર્યા પછી અનુભવી લોકો સાથે બેસીને મિટીંગ કર્યા પછી એમના અનુભવોમાંથી શીખ લઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
કોઇ સમાજની વિરૂદ્ધમાં કાર્યક્રમ નથી યોજાઇ રહ્યો કોઈ સમાજની સામે આંદોલન નથી. આ સંગઠન કોઈ સમાજની વિરુદ્ધમાં કે સાથે નથી. ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના યુવાનો, પાટીદાર સમાજના વડીલો અને પાટીદાર સમાજની દરેક સંસ્થાઓને સાથે રાખીને પાટીદાર સમાજનું હિત કઈ રીતે થઈ શકે તે ઉદ્દેશ છે.
સામાજિક ચિંતન અને ઉત્થાન માટે સંગઠન બનાવ્યું લોકો આ વાત ને રાજકીય રીતે જોશે તો શું કહેશો? આ સવાલના જવાબમાં ચિરાગ પટેલે કહ્યું કે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જે લોકો જ્યારે જોશે ત્યારે તેને એવો જવાબ આપીશું પણ અત્યારે તો અમારો એવો કોઇ વિષય જ નથી. અમે તો ફક્ત સામાજિક ચિંતન કરી અને સમાજના ઉત્થાન માટે આ સંગઠન બનાવ્યું છે.
પાટીદાર સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ અપાશે તેઓ ઉમેરે છે કે, અમારે ઘણી બધી સંસ્થાના આગેવાનો સાથે વાત થઈ છે. હું એવું માનું છું કે જાહેર કાર્યક્રમ છે, પાટીદાર સમાજની સંસ્થાઓ તો આવશે જ પરંતુ અન્ય સમાજના લોકોને પણ કેશુબાપા માટે પ્રેમ હોય જ એમાં બેમત નથી. છતાં પણ અમે પાટીદારોની અન્ય સંસ્થાના આગેવાનોને રૂબરૂ મળવાનો પ્રયત્ન કરીશું અને બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે વાત થઈ છે. એમના પુત્ર સાથે પણ વાત થઈ છે. એમણે પણ આ કાર્યક્રમમાં આવવા માટે હા પાડી છે. તેમણે પણ કહ્યું કે આવું થવું જોઈએ.
કાર્યક્રમનો કોઇ મુખ્ય ચહેરો નથી કાર્યક્રમનો કોઇ મુખ્ય ચહેરો નથી તેવા દાવા સાથે તેઓ કહે છે કે, પાટીદાર સમાજનો નાનામાં નાનો વ્યક્તિ અમારા માટે મહત્વનો છે એટલે કોઈ મુખ્ય કે કોઈ નાના વ્યક્તિ નથી બધા જ મુખ્ય કહેવાય. નામ લઈ કોઈને મન દુઃખ થાય કે વિવાદ થાય તેવું કરવું નથી. લોકો માટે જાહેર કાર્યક્રમ કરવાના છીએ પછી એમાંથી કોઈ વિવાદ થાય એવું ઇચ્છતા નથી. જાહેર આમંત્રણ આપ્યું છે છતાં પણ રાજકોટની આજુબાજુ જેટલી પણ પાટીદાર સમાજની નાની મોટી સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાના દરેક આગેવાનોનો સંપર્ક કરવામાં આવશે અને અમે તેમને આમંત્રણ આપીશું.
તેઓ જણાવે છે કે, ગુજરાત બહારની વાત કરીએ તો બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કુર્મી છે, આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ કુર્મી છે. શરદ પવાર પણ કુર્મી સમાજના છે.
કેશુબાપાનું યોગદાન લોકો સુધી પહોંચાડીશું તેમણે વધુમાં કહ્યું કે, શક્ય હોય તો અમારે મર્યાદિત કાર્યક્રમ કરવો છે પરંતુ લોકો ઇચ્છતા હશે કે બહારથી મોટા આગેવાનોને બોલાવવા જોઈએ તો અમે તેમનો સંપર્ક કરીશું. કેશુ બાપાને સારામાં સારી રીતે શ્રદ્ધાંજલિ કેવી રીતે આપી શકાય તેવો કાર્યક્રમ હશે. અમે સાહિત્યકાર બોલાવીશું. કેશુ બાપાએ જે કામ કર્યા તેની માહિતી સમાજને અને યુવાનોને આપીશું. તેમના પુસ્તકનું પણ વિમોચન કરીશું એવું પણ પ્લાનિંગ છે. કેશુ બાપાએ કરેલા કામો અને તેમનું યોગદાન લોકો સુધી લઈ જઇશું.
ધન તેરસ હોવાથી 2 દિવસ વહેલો કાર્યક્રમ યોજાશે કાર્યક્રમની તારીખ અંગે તેમણે જણાવ્યું કે, આમ તો બાપાની તિથિ 29 ઓક્ટોબરે આવે છે પણ એ દિવસે ધનતેરસ હોવાથી અમે બે દિવસ પહેલા એટલે કે 27મી ઓક્ટોબરે કાર્યક્રમ કરીશું. રાજકોટ તો નિમિત્ત માત્ર છે. જે લોકો આ કાર્યક્રમમાં નહીં આવી શકે તેમનો પણ સંપર્ક કરીશું. ગામડે ગામડે ચાલતા અમારા પાટીદાર સંગઠનોને જાણ કરીશું કે તમે હાજર ન રહી શકો તો તમારા વિસ્તારમાં આવા કાર્યક્રમનું આયોજન કરો.
સત્તાના સિંહાસન પર બિરાજતાં લોકોએ બાપાને યાદ નથી કર્યાઃ ચિરાગ પટેલ કેશુભાઈ ફક્ત પાટીદાર સમાજના જ નહીં પરંતુ સર્વ સમાજના નેતા હતા. ગુજરાતના વિકાસનું કામ કેશુભાઈ સરકારથી ચાલુ થયું હતું એટલે દરેક લોકોની ફરજ બને છે કે તેમને શ્રદ્ધાંજલિ આપે. જે પણ લોકો કેશુ બાપાને માન સન્માન આપવા માંગે છે તે દરેકે કાર્યક્રમ કરવો જોઈએ. જે લોકો કેશુ બાપાની આંગળી પકડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના સિંહાસન પર બિરાજે છે તે લોકો કે બીજા રાજકીય લોકોએ કેશુ બાપાને યાદ નથી કર્યા. એટલે સમાજના મોભી તરીકે અમારી ફરજ બને છે કે કેશુ બાપાના યોગદાનને યાદ કરીએ. ભાજપ શું કરે છે, કોંગ્રેસ શું કરે છે એ અમારો વિષય નથી.
સમાજને એક છત નીચે લાવવા માટે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની સ્થાપના આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના અન્ય સંસ્થાપક જીજ્ઞેશ કાલાવડિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, આ ભારતમાં રહેતા સભ્યોનું વૈચારિક અને સામાજિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠન નીચે પાટીદાર, પટેલ, કમા, ખંડાયત આવા અલગ-અલગ નામથી અલગ-અલગ રાજ્યમાં ઓળખ છે. ખેતી સાથે જોડાયેલો બૃહદ સમાજ છે. જેની વસતી 35 કરોડથી વધુની છે. આ સમગ્ર સમાજને એક છત નીચે લાવવા માટે થઈને આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની સ્થાપના કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની રાજકોટમાં બેઠક મળી હતી ત્યારની તસવીર
તેઓ કહે છે કે,આઝાદી પહેલાંથી જ સરદાર પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ આ પ્રયત્નોમાં સામેલ હતા. અખિલ ભારતીય કુર્મી મહાસભ્યનું ત્રીજું અધિવેશન મળ્યું હતું જેના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ હતા.
આવનારી પેઢીને કેશુબાપા વિશે પરિચય મળે તે માટે સ્મરણાંજલિ સભાનું આયોજન તેમણે વધુમાં જણાવ્યું કે, અમે મજબૂત પ્રયાસ તરીકે હવે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. અમારા આયોજન પાછળનો એકમાત્ર હેતુ એ છે કે અમારા સમાજમાં જે પણ લોકોએ રાજકીય, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે મહત્વનું સ્થાન મેળવ્યું છે તેવા લોકોના જીવનની સફર અમારા યુવાનો સુધી પહોંચે. માત્ર અને માત્ર સમાજની આવતી પેઢીને કેશુ બાપા જેવા મોટા ગજાના નેતાના વ્યક્તિત્વનો પરિચય મળે એ હેતુથી આ સ્મરણાંજલિ સભાનું આયોજન કર્યું છે.
કોઇ વિશેષ માંગણી નથી તેમણે કહ્યું કે, જે સમાજ ઇતિહાસને ભૂલી જાય છે આગળ જતાં તે સમાજનું પતન થાય છે. એટલે ઇતિહાસને ફરી યાદ કરવા માટે અમે આ આયોજન કર્યું છે. આમાં કોઇની ભૂમિકા નથી અને કોઈ વિશેષ માંગણીઓ પણ નથી. અમે વિવિધ સમાજના પ્રમુખનો, જ્ઞાતિ મંડળના પ્રમુખનો સંપર્ક કરી રહ્યા છીએ અને એક ભવ્ય આયોજન થાય, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય અને પોતાના નેતાને શ્રદ્ધાંજલિ આપે તેવો અમારો પ્રયાસ છે.
કુર્મી સમાજ ખેતીપ્રધાન સમાજ છે. દેશના ઘણા રાજ્યોમાં કુર્મી સમાજને OBC અનામત મળેલી છે.