લોકકલાકાર રાજભા ગઢવી સાથે જોડાયેલો એક વિવાદ શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. રાજભાએ વીડિયો જાહેર કરીને માફી તો માંગી લીધી છે તેમ છતાં આદિવાસી સમાજમાં રાજભા ગઢવી સામે રોષ છે.
.
દિવ્ય ભાસ્કરે આ રોષનું મૂળ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ માટે અમે ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ અને ડાંગના રાજવી સાથે વાતચીત કરી હતી. રાજભાના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓમાં આક્રોશ છે. ડાંગના રાજવીએ તો રાજભાને ડાંગમાં ઘૂસવા નહીં દઇએ તેવો હુંકાર કર્યો છે.
આખો વિવાદ શું હતો? ગુરૂવારે રાજભા ગઢવીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ ડાયરામાં બોલી રહ્યા હતા. તેમની સામે મોટી સંખ્યામાં લોકો બેઠા હતા. આ સમયે રાજભા કેન્યામાં રાત્રે એરપોર્ટ જવાની વાત કરતા હતા. તેઓ કહી રહ્યા હતા કે કેન્યામાં રાત્રે અમારી કારની આગળ પાછળ પોલીસની કાર હતી કારણ કે જો પોલીસ ન હોય તો જંગલી લૂંટી લે.
કેન્યા અને ભારતની વાત કર્યા બાદ ડાંગ-આહવા વિશે બોલ્યા વાઇરલ વીડિયોમાં કેન્યાની વાત કર્યા બાદ રાજભા ભારતની વાત કરે છે. તેઓ આગળ કહે છે ભારતના બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજ્યનાં અમુક જંગલોમાં રાત્રે તમને અધિકારીઓ કહી દે કે આ જંગલમાંથી પસાર ન થતાં, ફરીને જાવ, આ જંગલમાંથી પસાર ન થવું, કારણ કે ત્યાં તમને લૂંટી લેશે. ગુજરાતમાં ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે, કપડાં પણ ન રહેવા દે. આ ગુજરાતની વાત છે, પણ મને ગૌરવ થાય છે કે આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાત્રે દોઢ વાગે પણ તમે ભૂલા પડો તો નેહડાવાળા તમને જમાડવા માટે લઈ જાય એ પોતે લૂંટાઈ જાય, પણ તમને જમાડે.
આ કાર્યક્રમનો વીડિયો વાઇરલ થતાં વિવાદ થયો છે
આ વીડિયો વાઇરલ થયા બાદ આદિવાસી સમાજ અને ભાજપ-આપના આદિવાસી નેતાઓએ રાજભાની ટિપ્પણીને આદિવાસી સમાજના અપમાનસમાન ગણાવી હતી. વીડિયો વાઇરલ થયાના બીજા જ દિવસે રાજભાએ એક નવો વીડિયો જાહેર કર્યો જેમાં તેમણે દિલગીરી વ્યક્ત કરી. અમે માફીવાળા વીડિયો મામલે રાજભા ગઢવીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ આવતા આ અંગે કોઇ વાતચીત થઇ શકી નહોતી.
માફી માંગતા રાજભાએ શું કહ્યું? વિવાદ બાદ રાજભા ગઢવીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી હતી. તેમણે વીડિયોમાં કહ્યું કે, 2 દિવસથી જે કંઇ વાત ચાલે છે તે આપ બધા જાણો છો. આદિવાસીભાઇઓને એવું લાગ્યું છે કે હું આદિવાસીઓ વિશે આવું બોલ્યો છું કે લૂંટી લે છે. દુનિયાના દેશોની વાત કરતા કરતા મેં ડાંગનું નામ લીધું હતું. ક્યારેક એવી ઘટના બની હોય તે મગજમાં આવી જતી હોય. હું આદિવાસી કે વનવાસી શબ્દ ક્યાંય નથી બોલ્યો. હું પણ વનબંધુ છુ. હું પણ ગીરમાંથી આવું છું. વનબંધુઓની લાગણીને વંદન છે.
હું આદિવાસી શબ્દ નથી બોલ્યોઃ રાજભા માફી માગતા વીડિયોમાં રાજભાએ આગળ જણાવ્યું કે, મને ઘણાએ એવું પણ કહ્યું કે અમે પણ મહેમાનગતિ કરીએ છીએ, રોટલા ખવડાવ્યા છે. જે લોકો મહેમાનગતિ કરે છે અને આપણી સંસ્કૃતિ સાચવે છે તેને વંદન છે. હું તો જે લોકો લૂંટી લે છે તેમનું બોલ્યો છું. એ જંગલમાં બીજા કોઇ લૂંટારા ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય. હું આદિવાસી એવો શબ્દ નથી બોલ્યો.
મેં આદિવાસી સમાજની સારી વાતો કરી છેઃ રાજભા દરેક સમાજની સારી વાતો કરી હોવાના દાવા સાથે રાજભાએ ઉમેર્યું કે, હું લોકસાહિત્યનો માણસ છું. મેં દરેક જ્ઞાતિની સારી વાતો કરી છે. કોઇ સમાજને દુઃખ થાય તેવી વાત મેં આજ સુધી કરી નથી. આજે પણ મેં સમાજના નામથી વાત નથી કરી. એક પ્રાંતનું નામ લેતા-લેતા દાખલામાં આવ્યું હોય તો એ પ્રાંતમાં તો કોઇપણ આવીને કંઇપણ કરી શકે. ઘણા વર્ષો પહેલાં બીજા રાજ્યમાંથી આવીને ગીરમાં સિંહ મારી ગયા હતા એ દાખલો આપણે જોયો છે. ડાંગવાળા જ આ કરે છે એવું નહીં પણ ત્યાં લૂંટી લે છે એવું છે. મેં આદિવાસીભાઇઓની ખૂબ સારી વાતો કરી છે. ભગવાન બિરસા મુંડાથી લઇને ફાંસિયા વડની વાતો કરે છે. મેં કહ્યું છે કે આદિવાસીઓ અંગ્રેજો સામે કાળઝાળ થઇને લડ્યા હતા તેનો ઇતિહાસ બહાર આવ્યો જ નથી. મારે એની વાતો બહાર લાવવી છે. આવું હું ઘણી જગ્યાએ બોલ્યો છું.
રાજભાએ દિલગીરી વ્યક્ત કરી પોતાના નિવેદનને અન્ય કોઇ અર્થમાં ન જોવાની અપીલ કરતાં તેઓ કહે છે કે, આદિવાસીબંધુઓ મારા નિવેદનને સાચી રીતે જુએ, ગેરસમજ ન કરે. મારા બોલવાથી કોઇને દુઃખ થયું છે તે ખબર પડતાં મને પણ બહુ દુઃખ થયું છે. હું બહુ દિલગીરી વ્યક્ત કરૂં છું. હું કોઇ જ્ઞાતિ-જાતિનો શબ્દ જ નથી બોલ્યો. હું પણ વનબંધુ છું, તમો છો તેમ હું પણ ST સમાજમાંથી આવું છું. બધા જે વડીલો આદિવાસી વિસ્તારોમાંથી બોલ્યા છે તેમની લાગણીને પણ હું માન આપું છું પણ એવી કોઇ જ્ઞાતિ-જાતિની વાત જ મેં નથી કરી. આ પુરૂં કરીને એક ભાઇ તરીકે આપ બધા સાચી રીતે જુઓ.
મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાતો કરી છેઃ રાજભા તેમણે જણાવ્યું કે, મેં આદિવાસી સમાજના ઇતિહાસની ખૂબ વાત કરી છે એટલે એ સારો પોઇન્ટ છે એ પણ તમે જોજો. કોઇ પ્રાંતમાં તો કોઇ ઘટના બને એ તો કોણ આવીને કરી ગયું, એ ઘટના ક્યાંક બની હોય એ મારા મગજમાં આવી ગઇ એટલે હું બોલ્યો છું.
રાજભાએ માફી માંગતો વીડિયો જાહેર કર્યા બાદ અમે આદિવાસી સમાજમાંથી આવતા ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને ડાંગના રાજવીનો મત જાણ્યો હતો. ભાજપના સાંસદ ધવલ પટેલે રાજભાએ આયોજનપૂર્વક આ ટિપ્પણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
ડાંગમાં સૌથી ઓછો ક્રાઇમ રેટ હોવાનો સાંસદનો દાવો લોકસભાના દંડક અને વલસાડ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મને એમનો માફીવાળો વીડિયો કોઈએ હમણાં જ સોશ્યલ મીડિયાથી મોકલ્યો હતો તે મેં આખો જોયો. એમણે જે કહ્યું છે તે મારા મતે તો માન્ય નથી જ. સમગ્ર ગુજરાતના ક્રાઈમ રેટની સરખામણીએ ડાંગમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ છે. અહીં સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાંથી ડાંગમાં અને સાપુતારામાં લોકો આવે છે. જો આવું લો એન્ડ ઓર્ડરનું હોત તો દર વર્ષે અહીં આવતા લોકોની સંખ્યામાં વધારો ન થતો હોત. છતાં પણ રાજભા ગઢવીએ દિલગીરી વ્યક્ત કરી છે કે મારું આ ખોટું નિવેદન છે.
જો રાજભા ગઢવી ભવિષ્યમાં આદિવાસી સમાજ વિશે કશું બોલશે તો સાંખી નહીં લેવાય તેવી ચીમકી આપતાં તેમણે કહ્યું કે, મંત્રી અને ડાંગના પ્રભારી કુંવરજી હળપતિએ પણ કહ્યું છે કે, જો આવનારા સમયમાં આવા કોઈ પણ નિવેદન આપવામાં આવશે તો ઉમરગામથી લઈને અંબાજીનો જે પટ્ટો છે ત્યાં તેમનો પ્રોગ્રામ નહીં થવા દઈએ. કુંવરજીભાઈ હળપતિની વાતથી હું સહમત છું.
આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ કહ્યું હતું કે…..
રાજભાએ જાહેરમાં માફી માંગવી પડશે, નહીંતર તેમના ડાયરા નહીં થવા દઇએ.
રાજભા આયોજનપૂર્વક બોલ્યા હતાઃ ધવલ પટેલ સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, અમારા માટે તો આ યોગ્ય નથી જ કેમ કે એમનું આ સ્ટેટમેન્ટ આવેશમાં આવીને કહેલું હોય એવું નથી પણ આ તો એકદમ આયોજનપૂર્વક તેમણે કહ્યું હતું. કોઈ વિસ્તારને સારો બતાવવા માટે અમારા વિસ્તારને ખરાબ બતાવવાની જરૂર નહોતી કેમ કે તેમના નિવેદનથી બિલકુલ વિપરીત છે. અમારું ડાંગ સુરક્ષિત અને શાંત છે. આદિવાસી લોકો સેવાભાવી અને આવકારવાવાળા લોકો છે એટલા માટે જ અમે તેમની પાસેથી માફી મંગાવી છે.
સાંસદે રાજભાને ચેતવણી આપી તેમણે ઉમેર્યું કે, ડાયરામાં રાજભા જે બોલ્યા હતા તે બાબતે અત્યારે દરેક પાર્ટીના લોકો એક થઈ ગયા છે. અમારા આદિવાસી સમાજના દરેક લોકો પછી ભલે તે ગામિત સમાજ હોય કે, ધોડિયા પટેલ સમાજ હોય, કુકડા સમાજ હોય કે પછી ભીલ કે ચૌધરી સમાજ હોય આ બધા જ મારી પાસે આવ્યાં હતા. તેમણે તેમની વેદના રજૂ કરી હતી કે રાજભાએ આ ખૂબ જ ખોટું કહ્યું છે એટલે આ બાબતે બધાને બહું જ આક્રોશ છે. હવે રાજભાને એક જ ચેતવણી આપું છું કે આવનારા દિવસમાં અમારા આદિવાસી સમાજ કે ડાંગ વિશે કોઈ પણ ટિપ્પણી ન કરે.
આદિવાસી સમાજ રણનીતિ બનાવશે રાજભા ગઢવીની માફી સામે સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે અમારી નારાજગી હજી પણ યથાવત છે. તેમણે જણાવ્યું કે, આ સ્ટેટમેન્ટને લઈને આવનારા દિવસોમાં હું અમારા આદિવાસી સમાજના લોકોને મળવાનો છું. તેમણે જે માફી માંગી છે એ અંગે અમારા સમાજના લોકો શું માને છે એ અંગે ચર્ચા કરીશું એ પછી આગળની આખી રણનીતિ નક્કી કરીશું.
બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ કહ્યું કે…..
રાજભા સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો ખુલાસો કરે. આદિવાસી સમાજમાં તેમની ટિપ્પણીથી ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.
વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ રાજ્યના વિકાસ માટે અંદરોઅંદર લડવાનું બંધ કરવાનું કહ્યું હતું.
કલાકારોએ ધ્યાન રાખવું જોઇએઃ સુખરામ રાઠવા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા સુખરામ રાઠવાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સમાજ માટે ખરાબ બોલવું એ સારૂં નથી. કોઇ કલાકાર જ્યારે કોઇ જગ્યાએ પ્રોગ્રામ કરતો હોય અને લોકો સામે તેના મોંઢામાંથી કોઇ શબ્દો નીકળી ગયા હોય તો તે પણ યોગ્ય નથી. કલાકારો જ્યારે કાર્યક્રમમાં બેસેને ત્યારે સજાવીને બધી વાતો કરતા હોય છે.
હવે આદિવાસીઓ સુધરી ગયા છેઃ સુખરામ રાઠવા તેમણે વધુમાં કહ્યું કે, આ જમાનામાં આદિવાસીઓ પણ સુધરી ગયા છે. આદિવાસીઓ હવે પહેલાં જેવા નથી રહ્યા. અત્યારે આવા કોઇ બનાવ બનતા નથી. વર્ષો પહેલાં કદાચ બન્યા હોઇ શકે. જેમ રૂપાલા રાજપૂતો માટે બોલી ગયા અને આખો રાજપૂત સમાજ ઊભો થયો તેમ આદિવાસી સમાજ પણ ઊભો થયો છે.
આપણે અંદરોઅંદર નથી લડવુંઃ સુખરામ રાઠવા તેમણે ઉમેર્યું કે, રાજભાએ માફી માંગી લીધી તે સારૂં થયું. ઘી ઉકળતું હતું અને હવે શાંત થયું તેમ કહી શકાય. આ પ્રશ્ન હવે હલ થયેલો ગણી શકાય. ગુજરાતમાં આપણે અંદરોઅંદર નથી લડવું. રાજ્યનો વિકાસ કરવો હશે તો અંદરોઅંદર લડવાનું બંધ કરવું પડશે. આદિવાસીઓનો વિકાસ થાય, અન્ય સમાજનો વિકાસ થાય તેવું ઇચ્છીએ.
ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજભાના નિવેદન સામે સવાલો ઉઠાવ્યા હતા.
‘રાજભાએ કયા આધારે આ નિવેદન આપ્યું?’ ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પોલીસ રેકોર્ડમાં તો દરેક પ્રકારના ગુન્હા નોંધાતા હોય છે. રાજભા ક્યારે ડાંગ ગયા હતા અને ક્યારે કોના કપડાં ઉતાર્યા એ તો કહે. માત્ર બદનામ કરવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નિવેદન આપવાનો કોઈને અધિકાર નથી. રાજભા પ્રૂફ સાથે આપે કે આટલા ગુન્હા નોંધાયેલા છે કે આટલા લોકોના કપડાં ઉતાર્યા છે કે આટલા લોકોને લૂંટી લીધા છે.
આ અમારૂં અપમાન છેઃ તુષાર ચૌધરી રાજભાએ માફી માંગી છે એ જેને કઈ રીતે જુઓ છો એ અંગે પૂછતાં ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, કોઈને તમાચો મારીએ અને પછી માફી માંગી લઇએ પણ એ તમાચો તો પડી જ ગયો હોય ને. રાજભાને જે બાબતે કોઈ લેવા દેવા નથી એ નિવેદન તેમણે આપવાની ક્યાં જરૂર હતી? હાલમાં ડાંગના લોકો FIR નોંધાવવાની વાત કરી રહ્યાં છે અમે તેને સપોર્ટ કરીશું. અમે લડીશું કેમ કે આ તો અમારા બધાનું અપમાન છે.
‘અપમાન કર્યા પછીની માફી શું કામની?’ તેઓ ઉમેરે છે કે, માફી તો પરશોત્તમ રૂપાલાએ પણ માંગી હતી ને તોય ક્ષત્રિય સમાજે માફી નહોતી સ્વીકારી. જે અપમાન થવાનું હતું તે તો થઈ ગયું ને પછી રાજભા માફી માંગી લે એમ ન ચાલે. આજે તો સોશ્યલ મીડિયાનો જમાનો છે એમાં તમે શું બોલો છો તે આખી દુનિયામાં ફેલાઈ જાય છે. એટલે રાજભા આટલું બોલ્યા એટલામાં તો અમે બદનામ થઈ જ ગયા ને? માફીને કોણ જુએ છે? રાજભા ગઢવીનો આ નિવેદન પાછળનો આશય શું હતો તે મારી સમજની બહાર છે. એ કોઈ રાજકીય માણસ નથી. તેમણે આ રીતે બોલવાની પણ જરૂર નહોતી.
સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છેઃ તુષાર ચૌધરી સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોવાનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે, હાલની તારીખમાં શનિવાર-રવિવારે સુરતથી લઈને ગુજરાત અને બહારના લોકોથી સાપુતારા ઉભરાય છે. લોકો રાત્રે 12-12 વાગ્યે અને મોડી રાત સુધીમાં ત્યાં પહોંચતા હોય છે. જો આવું જ થતું હોત તો પ્રવાસીઓનો ધસારો કેમ રહે છે સાપુતારામાં?
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે….
આવી ટિપ્પણી આદિવાસી સમાજને નીચું બતાવવા માટે કરી છે. જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
રાજભા ગઢવીએ ભલે માફી માગી લીધી હોય પરંતુ ડાંગના રાજામાં હજુ પણ તેમની વિરૂદ્ધ રોષ છે. દિવ્ય ભાસ્કરે જ્યારે ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે ભલે રાજભાએ માફી માંગી લીધી હોય પરંતુ ભવિષ્યમાં અમે તેમને ડાયરા કે કોઇ કાર્યક્રમ માટે ડાંગમાં પ્રવેશવા નહીં દઇએ.
ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આવું બોલાય જાય, વાંધો નહીં પણ રાજભા જાહેર જનતાની માફી માંગે તો સારામાં સારી વાત છે. કોઇ માણસ ભૂલ સ્વીકારી લે તો પછી તેમની સમક્ષ બીજી શું માંગ મુકવી? હવે પછી તેઓ કોઇ દિવસ આવી ટિકા-ટિપ્પણી ન કરે બસ એટલું જ જોઇએ.
રાજભાને ડાંગમાં નો એન્ટ્રી રાજભાને ડાંગમાં નહીં આવવા દઇએ તેવો હુંકાર કરતાં તેમણે કહ્યું કે, અમે તેમને ડાંગ જિલ્લામાં ડાયરો કરવા માટે એન્ટ્રી નહીં કરવા દઇએ. અમારા રાજવી સમાજના લોકો ખૂબ નારાજ છે. 5 રાજાઓ, 9 નાયકમાં નારાજગી છે. અમને અમારી પ્રજા બહુ વહાલી છે. અમે પ્રજાને સાથે રાખીને ચાલીએ છીએ. અમારી પ્રજાનું કોઇ અપમાન કરે તે યોગ્ય નથી.
જાહેરમાં માફીની માંગ તેઓ જણાવે છે કે, ડાંગ જિલ્લામાં આવા કોઇ લોકો હોતા નથી, આવી કોઇ ચોરી થઇ નથી. રાજભાએ કહેવું જોઇએ કે મેં તો હવામાં જે સાંભળ્યું તેના પરથી કહ્યું હતું એટલે હું ડાંગના આદિવાસી લોકોની માફી માંગુ છું. રાજભા જાહેરમાં આદિવાસીઓની માફી માંગે.
‘આ નિવેદનથી પ્રવાસીઓ અચકાશે’ રાજભાની નિવેદનની ટિકા કરતાં તેઓ કહે છે કે, રાજભાએ જે નિવેદન આપ્યું હતું તે બહુ નિંદનીય છે. આ નિવેદનથી ડાંગના લોકોની જે ઇજ્જત ગઇ છે તે પાછી આવવાની નથી. આટલા બધા પ્રવાસીઓ આવે છે, હરે ફરે છે, ડાંગના લોકો તેમનું સ્વાગત કરે છે, પ્રવાસીઓને આવકારે છે. જો કોઇ આવી ટિકા-ટિપ્પણી કરે તો પ્રવાસીઓ આવતા અચકાય જ ને?
સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે કહ્યું હતું કે….
ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે.