મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની રંગત હવે વધી છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં 288 બેઠક માટે 7995 ઉમેદવાર મેદાનમાં છે. અર્થાત, અમુક કારણોસર કેટલીક અરજીઓ બાદબાકી થઈ છે. આ ઉમેદવારોમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીમાં અનેક ઠેકાણે બળવાખોરી કરનારા પણ છે. આથી તે
.
4 નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી લેવાનો છેલ્લો દિવસ છે. આથી બળવાખોરોને યેનકેન પ્રકારેણ અથવા સામદામદંડભેદ અપનાવીને સમજાવવા માટે મુખ્ય પક્ષો પાસે પૂરતો સમય છે. આમ છતાં બળવાખોરોને સમજાવવા માટે હમણાંથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
મહાઆઘાડી અને મહાયુતિમાં અનેક ઈચ્છુક ઉમેદવારોએ બળવાખોરી કરીને ઉમેદવારી નોંધાવી છે. આથી પક્ષના શ્રેષ્ઠીઓને રાજકીય ચાતુર્યને જોરે બળવાખોરોને મનાવી અરજી પાછી ખેંચાવવાની કવાયત કરવી પડશે. દિવાળીમાં બળવાખોરીના બળવાના રાજકીય બોમ્બ ફૂટે નહીં તે માટે બહુ કાળજી લેવામાં આવી રહી છે. એકનાથ શિંદેએ પોતાના સરકારી નિવાસસ્થાન વર્ષા બંગલો ખાતે મહાયુતિની એક મહત્ત્વની બેઠલ બોલાવી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહેશે. તેમાં બળવાખોરોનું મન વાળવાનો પ્રયાસ કરાશે. બળવાખોરી રોકવા માટે ખુદ એકનાથ શિંદે મેદાનમાં ઊતર્યા છે. તેઓ સર્વ બળવાખોરો સાથે સંવાદ સાધીને ઉકેલ લાવવા પ્રયાસ કરશે.
માહિમ વિધાનસભા મતવિસ્તારમાં શિંદે સેનાના સદા સરવણકર સામે મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત છે. અમિતને ભાજપે ટેકો આપ્યો છે, પરંતુ સરવણકર હઠ પકડીને બેઠા છે. શિંદે તેમને મનાવી રહ્યા છે. લોકસભામાં રાજે સાથ આપ્યો હતો તેના બદલામાં અમિતને આ બેઠક પરથી જિતાડવાનો ભાજપનો પ્રયાસ છે. સરણવકરને પછી વિદાન પરિષદ થકી ગૃહમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાશે એમ કહેવાય છે.
અજિત પવારની રાષ્ટ્રવાદીમાં બળવો ઉપ મુખ્ય મંત્રી અજિત પવારની રાષ્ટ્રવાદીના નેતા સમીર ભુજબળે બળવાખોરી કરીને નાંદગાવ- મનમાડ મતવિસ્તારમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. નવી મુંબઈ બેલાપુરમાં શિંદે જૂથના વિજય નાહટાએ ભાજપ વિરુદ્ધ બળવો કરયો છે. અલીબાગમાં ભાજપના દિલીપ ભોઈરે શિંદે જૂથના ઉમેદવાર વિરુદ્ધ અરજી દાખલ કરી છે. પુણેના કસબા મતવિસ્તારમાં કોંગ્રેસના કમલ વ્યવહારે અને પર્વતીમાં આબા બાગુલે બળવાખોરી કરી છે. તેમને સમજાવવા માટે હવે પક્ષના પ્રમુખો કવાયત કરી રહ્યા છે.
શિસ્તપ્રિય ભાજપ પણ અપવાદ નથી બીજી બાજુ શિસ્તપ્રિય ભાજપમાં પણ બળવાખોરી થઈ છે. ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા ગોપાલ શેટ્ટીએ ટિકિટ નહીં મળતાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મુંબાદેવીમાં શાયન એનસીને ટિકિટ આપતાં ભાજપના પીઢ નેતા અતુલ શાહ નારાજ થયા હતા. શિંદે જૂથના કુણાલ સરમળકર પણ ટિકિટ નહીં મળતાં નારાજ છે. ભાજપનાં માજી સાંસદ હિના ગાવિતે અક્કલકુવા મતવિસ્તારમાં બળવાખોરી કરી છે.