આજે દિવાળીનો મહાપર્વ છે. ત્યારે ઠેર ઠેર દિવાળી નિમિત્તે ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીનો દિવસ એ ધંધા-રોજગાર, વૃદ્ધિ માટે ચોપડા
.
2000 જેટલા વેપારીઓ જોડાયા રાજકોટના કાલાવડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુનિ સ્વામીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં અર્થ એટલે આર્થિક વૃદ્ધિ માનવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના પર્વ દરમિયાન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ધર્મની સાથે સાથે અર્થરૂપી આર્થિક વૃદ્ધિ થાય તે માટે પોતાના ધંધા-રોજગારનાં ચોપડાનું પૂજન, માતા લક્ષ્મી અને મા શારદાનું પૂજન કરતા હોય છે. રાજકોટમાં આજે સભાગૃહમાં 2000 જેટલા વેપારીઓ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજન કર્યું છે. ટેક્નોલોજીના યુગમાં હાથેથી લખાયેલ ચોપડા સાથે સાથે લેપટોપ અને ટેબ્લેટ જેવા ગેજેટની પણ પૂજા કરવામાં આવી છે.
બે દિવસ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના 55 કરતા વધુ દેશોમાં BAPSનાં 1800 મંદિરોમાં સામુહિક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં પણ પૂજ્ય સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોપડાપૂજન કરાવવામાં આવ્યું હતું. જેમાં 2000 જેટલા હરિભક્તોએ પોતાના ચોપડા, લેપટોપ અને ટેબ્લેટનું પૂજન કર્યું હતું. ચોપડા પૂજનનો હેતુ એ છે કે, હવે હું નિરાશ થયા વિના વધારે મહેનત કરીશ અને વધુમાં વધુ પામીશ. વિક્રમ સંવત 2080 પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આવનારા વર્ષમાં મંદીનું વાતાવરણ દૂર થાય અને દરેકના ધંધા-રોજગાર ખૂબ સારા ચાલે તો ગુજરાતની સાથે ભારત સમૃદ્ધ બને અને દેશનો જીડીપી વધવાની સાથે ભારત સર્વ પ્રકારે મહાસત્તા બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ માટે આજે સાંજે સમૂહ આરતીનું અને આવતીકાલથી તારીખ 2.11.2024થી બે દિવસ ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ચોપડા પૂજન કરવાથી વેપાર-ધંધામાં બરકત રહે છે ચોપડા પૂજન કરવા આવેલા હરિભક્ત ધર્મેન્દ્ર અદ્રોજાએ જણાવ્યું હતું કે, મારે મેડિકલ ઇક્યુપમેન્ટનો બિઝનેસ છે અને દર વર્ષે હું અહીં ચોપડાપૂજન કરવા માટે આવું છું. અહીં ખાસ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતો દ્વારા તમામ વેપારીઓને ચોપડા પૂજન કરાવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં ચોપડા પૂજનનું અનેરું મહત્વ સમાયેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ તેમના શિક્ષાપત્રીની અંદર સમગ્ર જનસમુદાયને આજ્ઞા કરી છે કે, પોતાનો વાર્ષિક હિસાબ આવક અને જાવક સારા અક્ષરમાં લખવો જોઈએ. જેથી આપણી આવક કેટલી અને જાવક કેટલી તેની આપણને ખબર પડે. આપણા જીવનની અંદર આપણા કર્મોના ચોપડા પણ આપણે લખવા જોઈએ. જેથી નવા વર્ષ દરમિયાન આપણા દુર્ગુણોને આપણે નવા વર્ષમાં દૂર કરી શકીએ. આ કરવાથી સદગુણોનો નફો વધારી શકીએ અને દુર્ગુણોની ખોટ દૂર કરી શકીએ. ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે, આજના દિવસે ચોપડા પૂજન કરવાથી વેપાર-ધંધામાં બરકત રહે છે.
શ્રેષ્ઠ ભારત બને તે માટે પ્રાર્થના કરવામાં આવી ઉલ્લેખનીય છે કે, આજની પુજા માટે ધરો, ગોઠીમડું, કપૂરનું પાન, પુષ્પ, ફળ અને પંચામૃતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારમાં ચોપડા પૂજન સાથે આજે લક્ષ્મીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. તો નવું વર્ષ મંગલમય, સુખદાયી થાય તે માટે વૈદિક પૂજન વિધિ કરી સંતોએ તમામ વેપારીઓના કપાળમાં ચાંદલા, નાડાસડી બાંધી આર્શીવાદ આપ્યા હતા. અને અંતમાં સામુહિક આરતી કરી આવનારા વર્ષમાં દરેકને તન મન ધનથી સુખ સમૃદ્ધિ મળે અને ધંધા-રોજગારમાં પ્રગતિ થાય સાથે જ શ્રેષ્ઠ ગુજરાત, શ્રેષ્ઠ ભારત બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.