વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર પરીક્ષાનું પરિણામ આજે દિવાળી વેકેશન વચ્ચે જાહેર થયું હતું.
સીએ ઈન્ટરમાં ૪૫૪ વિદ્યાર્થીઓએ પહેલા ગુ્રપની પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૫૨ વિદ્યાર્થીઓ પાસ થતા પહેલા ગુ્રપનું પરિણામ ૧૧.૪૫ ટકા આવ્યું છે.બીજા ગુ્રપની પરીક્ષા આપનારા ૨૪૦ પૈકીના ૪૭ વિદ્યાર્થીઓ પાસ થતા આ પરિણામ ૧૯ ટકા જાહેર થયું છે.૨૦૧ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે બંને ગુ્રપની પરીક્ષા એક સાથે આપી હતી અને તેમાંથી માત્ર પાંચ જ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવામાં સફળ થયા છે.
ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની વડોદરા બ્રાન્ચના કહેવા પ્રમાણે વડોદરામાં છાયા રણછોડ ચોટલિયાએ ૩૦૩ માર્ક સાથે પહેલો, નંદ ઘનશ્યામભાઈ પટેલે ૩૦૧ માર્ક સાથે બીજો અને સાગર પ્રદીપકુમાર જોષીએ ૩૦૦ માર્ક સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
વડોદરામાંથી કુલ ૫૧૧ વિદ્યાર્થીઓએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી અને આ પૈકીના ૧૨૫ વિદ્યાર્થીઓ પાસ થતા ફાઉન્ડેશનનું પરિણામ ૨૪ ટકા જેટલું આવ્યું છે.સીએ ઈન્ટરમાં વડોદરાનો એક પણ વિદ્યાર્થી દેશના ટોપ-૫૦માં સ્થાન મેળવવામાં સફળ થયો નથી.ઉલટાનું સીએ ઈન્ટરના બંને ગુ્રપનું સૌથી ઓછુ પરિણામ આ વર્ષે જાહેર થયું છે.સૂત્રોનું કહેવું છે કે, સિલેબસમાં ફેરફાર થયા બાદ બે થી ત્રણ પરીક્ષાઓનુ પરિણામ ઓછું આવતું હોય તેવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે.આ વર્ષે મે-૨૦૨૪માં સિલેબસ બદલાયો છે.