વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કંપનીમાં એપ્રેન્ટિસ તરીકેની ૧૬૦ જેટલી જગ્યાઓ માટે આજથી ત્રણ દિવસ માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
બેરોજગારીની વધી રહેલી સમસ્યા વચ્ચે પણ મળતી વિગતો પ્રમાણે આજે ઈન્ટરવ્યૂના પહેલા દિવસે ૧૫૦૦ જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે માંડ ૫૦ જેટલા ઉમેદવારો ઈન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા.બીજા બે દિવસ પણ ૩૦૦૦ જેટલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે.આ પૈકી કેટલા હાજર રહે છે તે જાવાનું રહે છે.
એપ્રેન્ટિસ તરીકે પસંદ થયેલા વિદ્યાર્થીને એક વર્ષ સુધી એમજીવીસીએલમાં કામ કરવાનો અનુભવ મળે છે અને તેને દર મહિને ૭૦૦૦ રુપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.ઉપરાંત ભવિષ્યમાં વિદ્યુત સહાયકની જગ્યાઓ પર નોકરી માટેની પરીક્ષામાં પણ પ્રાથમિકતા મળે છે.આમ છતા એપ્રેન્ટિસ તરીકે કામ કરવા માટે માંડ ૫૦ જ ઉમદેવારો ઈન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા.
સૂત્રોનું કહેવું છે કે, ઈન્ટરવ્યૂ યોજાય ત્યાં સુધીમાં ઘણા ઉમેદવારો બીજી જગ્યાએ નોકરી લાગી જતા હોય છે.કેટલાક ઉમેદવારો એક વર્ષ પછી કામ કરવા નહીં મળે તેવી અનિશ્ચિતતાના કારણે પણ ઈન્ટરવ્યૂ આપવાનું ટાળતા હોય છે.