વડોદરા,પૂરમાં થયેલી નુકસાનીનું વળતર અપાવવાના બહાને ઠગ દ્વારા બે રિક્ષા ડ્રાઇવરની સાથે ઠગાઇ કરી હતી.એક રિક્ષા ડ્રાઇવરને નર્મદા ભવન અને બીજાને બદામડી બાગ બોલાવી રિક્ષાની ડીકીમાંથી દાગીના કાઢી લીધા હતા.
દંતેશ્વર ઘાઘરેટિયામાં રહેતા વિનુભાઇ હમીરભાઇ ભરવાડ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૧ મી એ સવારે ૧૧ થી ૧૨ ની વચ્ચે મારા મોબાઇલ પર એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, તમારા પૂરગ્રસ્તના રૃપિયા એકાઉન્ટમાં આવી જમા થયા છે કે કેમ ? તે ચેક કરીને જણાવો. મેં મોબાઇલમાં બેન્ક એકાઉન્ટ ચેક કરતા રૃપિયા જમા થયા નહતા. જેથી, મેં તેને કોલ કરીને જણાવ્યું હતું. તે વ્યક્તિએ મને કહ્યું કે, તમે નર્મદા ભવન આવી જાવ. હું સાહેબ સાથે બેઠો છું. તમને રૃપિયા અપાવી દઉં. તમે આધાર કાર્ડની ઝેરોક્ષ લેતા આવજો. મેં નર્મદા ભવન આવીને તેને કોલ કરતા મને પહેલા માળે બોલાવ્યો હતો. હું ત્યાં જતા કોઇ મળ્યું નહતું અને તેનો નંબર પણ બંધ આવતો હતો. મેં નીચે આવીને જોયું તો રિક્ષાની ડીકીમાં મૂકેલું ચાંદીનું ૫૦૦ ગ્રામ વજનનું કડું ગાયબ હતું.
આ જ રીતે નવાપુરા ખારવા વાડમાં રહેતા ૭૦ વર્ષના અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા જ્યંતિભાઇ કરશનભાઇ ખારવાને ફોન કરી બદામડી બાગ પાસે પૂર ગ્રસ્તની સહાયના રૃપિયા આપવા માટે બોલાવ્યા હતા. આરોપીએ તેઓને કહ્યું હતું કે, કિંમતી સામાન કેમેરામાં ના દેખાય એટલે તે સામાન રિક્ષાની ડીકીમાં મૂકીને આવજો. આરોપી સોનાની ચેન અને રોકડા ૧૨ હજાર મળી કુલ ૩૭ હજારની મતા ચોરી ગયો હતો.