Surat : દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો લ્હાવો માણવા સુરતવાસીઓ ડાંગ, વલસાડ સહિતની દક્ષિણ ગુજરાતમાં આવેલી ઈકો ટુરિઝમ સાઇટ પર જવાનું પસંદ કરે છે. વન વિભાગની ઈકો ટુરિઝમ સાઇટ પર રજાના દિવસોમાં પણ ભીડ ઉમટે છે. જોકે, હવે સુરતવાસીઓને પોતાની ઈકો ટુરિઝમ સાઇટ મળશે. હવે વેકેશનમાં લોકોને શહેર બહાર જવાની નોબત આવશે નહીં. ડુમ્મસમાં જ વન વિભાગે અનોખી અને આકર્ષક સાઇટ બનાવી છે, જે કુદરતી સૌંદર્ય સાથે યુવાનોને હેંગ આઉટ પ્લેસ જેવો રોમાંચ પણ આપશે.
સુરતીઓ ખાવા પીવાની સાથે હરવા ફરવાના પણ શોખીન હોય છે. રજા હોય કે વિકેન્ડ હોય તેઓ સુરત કે આજુબાજુના સ્થળોએ ફરવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને નેચર સાથે રહેવાનું ગમતું હોય છે. પરંતુ તેમને આ માટે સુરતથી ઘણા કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હાલમાં જ વન વિભાગ દ્વારા ડુમ્મસ દરિયા કિનારે નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટરમાં ઈકો ટુરિઝમ સાઇટ ઊભી કરવામાં આવી છે.
આ અંગે સુરત ડી.સી.એફ આનંદ કુમારે કહ્યું કે જે રીતે ડુમ્મસ સી ફેસ બની રહ્યો છે તે જ રીતે ડુમ્મસના દરિયા કિનારે સુરતવાસીઓને ઈકો ટુરિઝમ જેવી અનુભૂતિ થાય અને દરિયા કિનારાનો પણ લાહવો મળે તે માટે આ સાઇટ બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી દરિયા કિનારે ચોપાટી પાસે નગરવનની કામગીરી ચાલી રહી છે. આ નગરવન સુરતીઓ માટે એક અનોખી ભેટ રહેશે, જેમાં તેઓને નેચરની સાથે રહેવાનો મોકો તો મળશે જ, પરંતુ સાથે સાથે તેઓને અહીં જંગલમાં ફરતાં હોય તેવો અનુભવ થશે. સાથે જ અહીં એક રૂરલ મોલ બનાવવામાં આવ્યો છે, જેમાં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ સહિત વાંસની વિવિધ વેરાયટી અને મધની વેરાયટી પણ અહીં મળી રહેશે. સાથે જે લોકોએ આદિવાસી ફૂડ લેવા માટે જિલ્લાઓમાં જવું પડતું હતું તે લોકો માટે અહીં એક વન શ્રી રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે જ્યાં તમામ આદિવાસી ભોજન તેઓ મેળવી શકશે. અને અહીં કામ કરતી તમામ મહિલાઓ પણ આદિવાસી જ હશે જેથી તેઓને રોજીરોટી મળી રહે.
આર.એફ.ઓ નીતિન વરમોરાએ કહ્યું કે આ નગરવનમાં 20,000 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ અહીં એક એક્ઝોટિક બર્ડ પાર્કની સાથે સાથે એક્વેરિયમની મજા પણ લોકો માણી શકશે બીજી મહત્ત્વની વાત એ છે કે અહીં આખો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર બનાવવામાં આવ્યો છે જેના કારણે અહીં લોકો પ્લાસ્ટિક લઈને અંદર નહીં આવી શકે. લોકો અહીં આ વનની જાળવણી જાતે જ કરે અને તેનું મહત્ત્વ સમજે તે માટે અહીં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. લોકોને ગામડાની અનુભૂતિ થાય તે માટે અહીં બળદગાડા મૂકવામાં આવ્યા છે. જેમાં સુરતીઓ ફરી શકશે. અહીં નાના નાના લાકડાના ગજેબો પણ બનાવવામાં આવ્યા છે જ્યાં બેસીને લોકો દરિયા કિનારાની મજા લઈ શકશે, આગામી દિવસમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આ નગરવન લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.