એજન્સી, નવી દિલ્હી
શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિત મલિંગાએ એક નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેમણે માત્ર 24 કલાકમાં બે દેશોમાં બે જુદી-જુદી ટુર્નામેન્ટ્સમાં બે મેચ- એક ટી-20 અને એક વન-ડે રમી હતી. એટલું જ નહીં તેમણે આ બન્ને મેચમાં કુલ 10 વિકેટ પણ ઝડપી હતી. મલિંગા બુધવારે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ રમ્યા હતા ત્યાર બાદ તેઓ પોતાના દેશ પરત ફર્યા અને ઘરેલૂ ટુર્નામેન્ટમાં એક વન-ડે મેચ રમી હતી.
બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં મલિંગાએ મુબંઇ તરફથી 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેના બળે રોહિત શર્મીના નેતૃત્વ વાળી મુંબઇની ટીમે ચેન્નાઇને 37 રનોથી માત આપી મેચ પોતાના નામે કરી લીધી હતી. આઇપીએલની 12મી સિઝનમાં મુંબઇનો આ બીજો વિજય હતો અને ચેન્નાઇની પ્રથમ હાર.
ત્યાંજ મલિંગાએ શ્રીલંકામાં સુપર ફોર ટુર્નામેન્ટ પણ રમી હતી. મલિંગાએ મેચમાં અદ્ભૂત બોલિંગ કરી હતી. તેણે કુલ 49 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. તેમની બોલિંગને કારણે તેમની ટીમે વિરોધી ટીમને 156 રનથી હરાવી હતી. મલિંગાએ માત્ર 24 કલાકમાં 83 રન આપીને કુલ 10 વિકેટ ઝડપી એક નવી જ સિદ્ધિ હાંસલ કરી લીધી છે.