School Bag Weight Rule: અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. પછી થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર મહિલાઓ અને વિદ્યાર્થિઓ દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર થયા છે. તેમાં ધો.3માં ભણતી વિદ્યાર્થિની સ્કૂલ બેગ લઈને જતી જોવા મળી રહી છે. ત્યારે હવે આ ઘટના બાદથી સ્કૂલ બેગના ભારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આજથી 7 વર્ષ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્કૂલ બેગ અને અભ્યાસક્રમ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમ છતાં હજુ તેનો કડકાઈથી અમલ થતો જોવા મળી રહ્યો નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસે હજુ પણ સ્કૂલ બેગનો ભાર ઘટાડવાની વાતો સાંભળવા મળે છે.
સ્કૂલ બેગના વજન અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતા ધો.1 થી 10ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નક્કી કરાયેલું છે. આ અંગેનો પરિપત્ર વર્ષ 2018માં તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ કરાયો હતો.
જે મુજબ સ્કૂલોએ એ રીતે વિષયવાર પુસ્તકોની પદ્ધતિ ગોઠવવાની હોય છે કે ધો.૧થી૭મા ૧.૫થી ૪ કિલો સુધીનું જ અને ધો.૮થી૧૦ના બાળકો માટે ૪થી૫ કિલો સુધીનું જ સ્કૂલ બેગનું વજન રહે. પુસ્તકો સાથેની સ્કૂલ બેગનુ વજન આ નક્કી કર્યા પ્રમાણેના વજન કરતા વધવુ ન જોઈએ.
- પ્રી પ્રાઈમરીમાં કોઈ બેગ નહીં
- ધો. 1 અને 2માં 1.6 થી 2.2 kg
- ધો. 3 થી 5માં 1.7 થી 2.5 kg
- ધો. 6 થી 7માં 2 થી 3 kg
- ધો. 8 થી 10માં 2.5 થી 4.5 kg
- ધો. 11 અને 12માં 3.5 થી 5 kg
કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા સ્કૂલોમાં બાળકોને ભણાવાતા કોર્સ તેમજ વિષયો અને આપવામા આવતા લેશન તથા સ્કૂલ બેગના વજનને લઈને એક ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ગાઈડલાઈન સાથે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરિપત્ર પણ કર્યો હતો. રાજ્ય સરકારના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટરને આ પરિપત્ર સાથે સૂચના આપવામા આવી હતી કે શિક્ષણ વિભાગ હેઠળ આવતી તમામ સ્કૂલોમાં ધો.1 થી 2માં બાળકોને લેશન એટલે કે હોમવર્ક આપવમા ન આવે તેમજ સ્કૂલોએ ધો.1 થી 2માં ભાષા અને ગણિત સિવાયના વિષયોની પુસ્તકો લાવવા માટે દબાણ ન કરવુ.
જ્યારે ધો.3 થી 4માં NCERTની જ ગણિત અને વિજ્ઞાનની પુસ્તકો સ્કૂલોએ ભણાવવી. આ ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને વધારાના કોઈપણ પુસ્તક કે મીટિરયલ લાવવા માટે દબાણ ન કરવુ. કેન્દ્ર સરકારે ધો.1 થી 10માં પુસ્તકો સાથેની સ્કૂલબેગનું નિશ્ચિત વજન કર્યુ છે. આ નક્કી કર્યા પ્રમાણેના વજનથી વધારે વજન સ્કૂલ બેગનું ન હોવુ જોઇએ. દરેક રાજ્યના શિક્ષણ વિભાગે કેન્દ્રની આ સૂચનાઓનો કડક અમલ કરવાનો આદેશ કરાયો હતો.
કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ ગુજરાત સરકારે પણ કર્યો હતો આદેશ
શાળામાં ભણતા બાળકોના દફતરનું વજન ઓછુ કરવા માટે કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ ગુજરાત સરકારે પણ તેનો અમલ કરાવવાનો આદેશ કર્યો હતો. તત્કાલિન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્કુલ બેગના અને વાલીઓ માટે ઘડી કાઢી છે જેનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે. જોકે હજુ સુધી આ આદેશનો અમલ થતો નજરે નથી પડી રહ્યો.
બાળકના વજન કરતાં દફતરનું વજન 10 ટકાથી વધુ ના હોવું જોઇએ
સ્કુલ બેગના વધુ પડતા વજનને કારણે ઘણા બાળકોને પીઠનો દુખાવો સ્નાયુ જકડાઈ જવા મણકાનો ઘસારો ડોકનો દુખાવો વગેરે જેવી બીમારીઓ થઈ જતી હોય છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારે નક્કી કર્યું હતું કે વિદ્યાર્થીઓના દફતરનું વજન તેના વજનના 10 ટકા કરતા કોઈ પણ સંજોગોમાં વધારે હોવું જોઈએ નહીં, જે શાળા આ નિયમનું પાલન નહીં કરે અને વિદ્યાર્થીઓને વધુ વજનની સ્કુલ બેગ લાવવાની ફરજ પાડશે તેમની સામે સ્કૂલની માન્યતા રદ કરવા સહિતના પગલા ભરાશે.
આદેશનો અમલ ન કરનાર શાળા સામે કાર્યવાહી નહીં?
જોકે, હજુ સુધી રાજ્યમાં એવો એક પણ કિસ્સો સામે નથી આવ્યો કે, સ્કૂલ બેગનું વજન વધુ હોવાના કારણે સ્કૂલની માન્યતા રદ કરાઈ હોય. એવું પણ નથી કે સ્કૂલો નિયમ પ્રમાણે જ ચાલી રહી હોય. જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓ માટે આ આદેશનો તાત્કાલિક અસરથી કડક અમલ કરવા જણાવાયું હતું.
ઉપરાંત ધોરણ 1 અને 2માં ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું લેસન આપું નહીં. જ્યારે ધોરણ 3 થી ધોરણ 5 ના વિદ્યાર્થીઓને અડધો કલાક તથા ધોરણ 6,7 અને 8 ના વિદ્યાર્થીઓને એક કલાકનો હોમ વર્ક આપવાનું રહેશે.
બીજું શિક્ષણ મંત્રી એવી સ્પષ્ટતા પણ કરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા અધિકૃત પુસ્તકો અને સાહિત્યનો જ ઉપયોગ કરવો પડશે. શાળાઓએ સમયપત્રક એવી રીતે ગોઠવવું કે જેથી વિદ્યાર્થીઓએ તમામ વિષયના પુસ્તક અને નોટબુક લઈને આવું પડે નહીં રોજ 3 થી 4 વિષયને ગોઠવવાના રહેશે.
ગુજરાત સરકારની ગાઈડલાઈન અનુસાર, ધોરણ પ્રમાણે સ્કૂલબેગનુ વજન
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના દફતર-સ્કૂલ બેગના વજનને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ હતી. જેમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન દોઢ કીલો, ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો રહેશે. જ્યારે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ માટે 4 કિલો વજન નક્કી કરાયું છે. આ સિવાય ધોરણ 8 અને 9ના વિદ્યાર્થીઓ માટે સાડા ચાર કિલો અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 5 કિલો સુધી સ્કૂલ બેગનું વજન નક્કી કરાયું છે.
રાજ્યમાં સરકારી હોય કે ખાનગી શાળાઓ, આ તમામ સ્કૂલોમાં 6થી 7 વિષયો હોય છે. જેમાં લગભગ દરેક સ્કૂલમાં 6 થી 8 જેટલા પિરીયડ પણ હોય છે. જેમાં દરેક સ્કૂલમાં તમામ વિષયનો એક પિરીયડ દરરોજ આવતો હોય છે. આથી દરેક વિષયના પુસ્તકો અને નોટ સહિત કંપાસ તેમજ લંચબોક્ષ સહિત અન્ય વસ્તુઓ લઇ જવામાં અધધ..વજન થઇ જતું હોય છે. જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી હતી.
જે હેઠળ સ્કૂલો દ્વારા બાળકોની સ્કૂલ બેગનું વજન ઓછું કરવાનું આયોજન કરવાની પણ વાત કરાઈ હતી. જેમાં દરેક સ્કૂલોને પોતાની પોલિસી પ્રમાણે વિદ્યાર્થીઓની નોટબુક્સ કે પુસ્તકોમાં ઘટાડો કરવા સિવાય જુદા જુદા વિષયો પૈકી કોઈ વિષયોના પિરીયડ ઓછા કરવાનો વિકલ્પ રહે છે. આ ઉપરાંત કેટલીક સ્કૂલો ડિજિટલ બની શકે છે તો કેટલીક સ્કુલોમાં જ કબાટ જેવી સુવિધા આપી પુસ્તકો-નોટબુકનો ભાર ઓછો કરી શકે તેમ છે.
વિદ્યાર્થીઓ-વાલીઓની વ્યથા
સરકાર ફક્ત જાહેરનામું-ઠરાવ બહાર પાડી પોતાની ફરજ પૂર્ણ થઈ ગઈ હોવાનું સમજી લે છે, પરંતુ સરકાર તેનો શાળાઓમાં અમલ થાય છે કે નહીં તેની ચકાસણી કરાતી નથી. ગેરકાયદે દબાણો, હોટલો, લારીઓ પર ફૂડ સેફ્ટીનું ચેકિંગ જેવી કવાયતો કરવામાં આવે છે. આવી રીતે સમયાંતરે જિલ્લા શિક્ષણ વિભાગે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવું જોઈએ. બાળકોની સ્કૂલ બેગનું વજન કરવું જોઈએ. નિયમનું પાલન ન કરાવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
ભાર વગરનું ભણતર જાણે કે એક જુમલો જ બની ગયો છે. પરંતુ હકિકતમાં શાળાએ જતા બાળકો પર માનસિક અને શારિરિક બન્ને ભારણ છે. ભારે અઘરાં કોર્ષ, દરેક સબ્જેક્ટનું હોમ વર્ક, શાળાએથી ઘરે ગયા પછી બાળક ફરી ટ્યુશન જાય, ત્યાં પણ બાળકોને હોમવર્ક આપવામાં આવે. બાળક ઘરે આવીને યોગ્ય રીતે જમે ન જમે તરત શાળા અને ટ્યુશનનું હોમવર્ક કરવા બેસવું પડે. દિવસના અંતે બાળક થાકીને ઠૂસ થઈ જાય છે. ઘરની બહાર રમવા પણ જઈ નથી શકતો.
વજનદાર સ્કૂલ બેગો ઉચકી ઉચકીને બાળકોની કેડ પણ વળી જાય છે. જો શાળાઓ બાળકોની બૂક્સ સ્કૂલમાં જ રાખવાની વ્યવસ્થા રાખે, તેમને એક ખાનું આપે તો બાળકોને રોજ વજનદાર બેગ ઉચકીને આવવું ન પડે. પરંતુ થાય છે એવું કે શાળાના એક બિલ્ડિંગમાં બે કે ત્રણ પાળી શાળાઓ ચાલતી હોય છે. આ એક ધિકતો ધંધો બની ગયો છે. દરેક બાળકને જો એક કબાટ આપવામાં આવે તો પછી ત્રણ સ્કૂલના તમામ છોકરાઓના કેટલા કબાટ બૂક મુકવા બનાવવા પડે.
શાળાઓમાં ઈતર પ્રવત્તિ જેવું પણ ખાસ કંઈ હોતું નથી. જો હોય છે તો તે ખુબ ખર્ચાળ હોય છે. જાત જાતના ક્રાફ્ટ વર્ક કરાવે છે પરંતુ નવી નવી રમતો, માઈન્ડ ગેમ કે શારીરિક કસરત થાય તેવી રમતો ભાગ્યે જ રમાડવામાં આવે છે. ચોંકાવનારી વાત એ પણ છે કે અનેક શાળાઓ પાસે તો પોતાનુ ગ્રાઉન્ડ પણ નથી હોતું. શોપિંગ કોમ્પલેક્સ કે દુકાનોમાં શાળાઓ ધમધમે છે. તો બાળકોને રમવા માટે ગ્રાઉન્ડ તો ક્યાંથી હોવાનું.
ભણતરના ભારથી વાલીઓ જાણે પોતાના બાળકોને રેસના ઘોડાની જેમ ટ્રીટ કરતા થઈ ગયા છે. કેમ્પિટિશન એટલી કે દેખાદેખીમાં છોકરાને નંબર વંન બનાવવા હદ વગરનું ભારણ આપવામાં આવે ચે. તેમાં બાળકનું બાળપણ વેડફાઈ જાય છે.
નેતાઓ કે શિક્ષણવિદો અનેક દેશોમાં વિદેશ પ્રવાસ કરે છે. પરંતુ ત્યાંના જેવી એજ્યુકેશન સિસ્ટમ ભારતમાં અમલમાં મુકવા અંગે વિચાર નથી કરતા. ફિનલેન્ડમાં એજ્યુકેશન સિસ્ટમ દુનિયાભરમાં વખણાય છે. ત્યાં ખરા અર્થમાં ભાર વગરનું ભણતર છે. દેખા દેખી કરવી હોય તો તેવા દેશની કરવી જોઈએ.