પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા બે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નીલમ ટ્રેડર્સ અને એક બેનામી અનાજની પેઢીમાંથી કુલ ₹36.36 લાખની કિંમતનો બિનહિસાબી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
.
તપાસ દરમિયાન પ્રથમ એક શંકાસ્પદ લોડિંગ રિક્ષામાંથી 22 કટ્ટા ફોર્ટીફાઈડ ચોખા મળી આવ્યા હતા. આ મામલે આગળની તપાસ કરતા બંને પેઢીઓમાંથી ચોખા, ઘઉં, ડાંગર, તુવેર, ચણા, બાજરી, મકાઈ, બંટી અને કોદરા સહિત કુલ 1689 કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું કે બંને પેઢીઓએ ભારત સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું અને કોઈ હિસાબી રેકોર્ડ પણ નિભાવ્યા ન હતા. આ ઉપરાંત ગુજરાત આવશ્યક ચીજવસ્તુ વેપારીઓના નિયમન હુકમ 1977ની જોગવાઈઓનો પણ ભંગ કર્યો હતો.
નીલમ ટ્રેડર્સના પ્રોપરાઈટર પરેશભાઈ ઈસ્મતરાય સોનૈયા અને બેનામી અનાજની પેઢીના માલિક તુલસીદાસ ગિરધરદાસ સોનૈયા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.