વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકેના કાર્યકાળ દરમિયાન ડો.વિજય શ્રીવાસ્તવે હેડ ઓફિસની સુરક્ષાના નામે આડેધડ રીતે લાગુ કરેલા નિયંત્રણો તેમણે રાજીનામુ આપ્યા બાદ હવે હળવા કરી દેવામાં આવ્યા છે.
ડો.શ્રીવાસ્તવે વિરોધ કરનારા વિદ્યાર્થી સંગઠનોને દૂર રાખવા માટે હેડ ઓફિસને જેલમાં ફેરવી નાખી હતી.જેમ કે હેડ ઓફિસના દરવાજા પર એકની જગ્યાએ હજારો કિલો વજનના લોખંડના બે દરવાજા નાખવામાં આવ્યા હતા.વાઈસ ચાન્સેલર અને રજિસ્ટ્રારની ઓફિસની વિંગમાં જવા માટેના રસ્તા પર એક ગ્રિલ ફિટ કરવામાં આવી હતી.આ ગ્રિલની પાછળ એક કાચનો દરવાજો પણ નાંખવામાં આવ્યો હતો.
ડો.શ્રીવાસ્તવના આદેશ અનુસાર હેડ ઓફિસના કમ્પાઉન્ડનો ગેટ પણ બંધ રાખવામાં આવતો હતો.હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં પાર્કિંગ માટે પાસ સિસ્ટમ શરુ કરવામાં આવી હતી.જોકે ડો.શ્રીવાસ્તવની વિદાય સાથે જ હવે યુનિવર્સિટી હેડ ઓફિસની સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ શરુ કરી દેવાયા છે.પાર્કિંગ માટે પાસ સિસ્ટમને વિદાય આપી દેવાઈ છે.વીસી અને રજિસ્ટ્રાર ઓફિસની વિંગની ગ્રીલ પણ ખોલી નાંખવામાં આવી છે અને હેડ ઓફિસના કમ્પાઉન્ડનો દરવાજો પણ દિવસ દરમિયાન મોટાભાગે ખુલ્લો રાખવાનો આદેશ આપી દેવાયો છે.આમ ડો.શ્રીવાસ્તવની વિદાય બાદ તેમના એકહથ્થુ શાસનનો અંત લાવવાની પણ શરુઆત થઈ ગઈ છે.ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાના નામે લોકોને થતી હેરાનગતિ બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.વિદ્યાર્થીઓ માટે જ યુનિવર્સિટી છે અને તેમની રજૂઆત સાંભળવા માટે હું તૈયાર છું.
કાર્યક્રમમાં ફોટોગ્રાફરે અચૂક જવું તેવી તાકીદ હતી
પૂર્વ વીસીના કાર્યક્રમોની ૫૦૦૦૦ કરતા વધારે તસવીરો ખેેચાઈ
ડો.શ્રીવાસ્તવના ફોટોગ્રાફ પ્રેમની સર્વત્ર ચર્ચા, ફોટોગ્રાફ સ્ટોરેજનો કુલ ડેટા ૨ ટેરાબાઈટ જેટલો
હાઈકોર્ટની લાલ આંખ બાદ વાઈસ ચાન્સેલર તરીકે રાજીનામુ આપનાર ડો.શ્રીવાસ્તવનો ફોટોગ્રાફ પ્રેમની સમગ્ર યુનિવર્સિટીમાં ચર્ચા થઈ રહી છે.
તેમણે વીસી તરીકે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે યુનિવર્સિટીના ફોટોગ્રાફરને સૂચના આપવામાં આવી હતી કે, વીસી જ્યાં જાય અને જે પણ કાર્યક્રમમાં હાજરી આપે ત્યાં હાજર રહેવું અને ફોટોગ્રાફ અચૂક લેવા.
ડો.શ્રીવાસ્તવે ૨ વર્ષ અને ૧૧ મહિના સુધી વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી હતી અને હવે એવુ જાણવા મળ્યું છે કે, આ દરમિયાન તેમના ઓછામાં ઓછા ૫૦૦૦૦ ફોટોગ્રાફ ખેંચવામાં આવ્યા હતા.સૂત્રોનું કહેવું છે કે, યુનિવર્સિટીના કોઈ પણ કાર્યક્રમમાં ફોટોગ્રાફર ૨૦૦ કરતા વધારે ફોટો લેતા હતા અને આ ફોટો હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરાતા હતા.આ હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલા ફોટાની કુલ સ્ટોરેજ ૨ ટેરાબાઈટ જેટલી થવા જાય છે.
ડો.શ્રીવાસ્તવે વીસીની ઓફિસમાં પણ એક ફોટોવોલ બનાવડાવી હતી અને તેના પર અલગ અલગ મહાનુભાવો જોડે તેમણે પડાવેલા સેંકડો ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે.આ ફોટા હજી પણ ઓફિસમાં જ છે.ગત વર્ષે યુનિવર્સિટી કેલેન્ડરમાં પણ દરેક પેજ પર તેમના ફોટા હતા અને તેને લઈને પણ ભારે ઉહાપોહ થયો હતો.