મુસ્લિમોમાં જે રીતે વકફ બોર્ડ છે તેવું બોર્ડ હિન્દુ ધર્મમાં પણ હોવું જોઈએ, એવી માગણી લાંબા સમયથી ચાલી આવે છે અને કથાકાર અને ઉપદેશક દેવકીનંદન ઠાકુર આ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે. અંતે પ્રયાગરાજના આંગણે, મહાકુંભમાં 27 જાન્યુઆરીએ શંકરાચાર્ય, ધર્માચાર્યો,
.
નમસ્કાર,
મહાકુંભમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડની માંગ વધુ સ્પષ્ટ બની છે. 27 જાન્યુઆરીના દિવસે પ્રયાગરાજમાં સંતોની એક વિશાળ ધાર્મિક સંસદ યોજાઈ હતી. આમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડ બનાવવાની અને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ નાબૂદ કરવાની માંગ જોરશોરથી ઉઠાવવામાં આવી હતી. સનાતન બોર્ડ મંદિરોને સરકારી કબજામાંથી મુક્ત કરશે.
મહાકુંભની ધર્મસંસદમાં કોણે શું કહ્યું? સનાતન ધર્મ સંસદના અધ્યક્ષ નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્યામ શરણ દેવચાર્યએ જણાવ્યું હતું કે સનાતન બોર્ડ ફક્ત સનાતન ધર્મનું રક્ષણ જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું, તિરુપતિ બાલાજી જેવા મંદિરોમાં બહારના લોકોની ઘૂસણખોરી અને આપણી શ્રદ્ધાને દૂષિત કરતી અટકાવવા માટે બોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક સમયે ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂતાન જેવા દેશો સાંસ્કૃતિક રીતે ભારત સાથે જોડાયેલા હતા. જો આપણે પગલાં નહીં લઈએ તો તો ભારત પણ હિન્દુઓના હાથમાંથી સરકી શકે છે. ઇસ્કોન જૂથ સાથે સંકળાયેલા ગૌરાંગ દાસજી મહારાજે કહ્યું હતું કે, ઉદ્યોગો માટે CII અને ફિક્કી જેવા સંગઠનો અને મેડિકલ માટે IMA જેવા સંગઠનો છે, તો ‘સનાતનીઓ’નું રક્ષણ કરવા અને તેમને એક કરવા માટે એક મજબૂત સંસ્થા હોવી જોઈએ. શાંતિ, સુરક્ષા અને ન્યાય માટે બધા સનાતનીઓએ સનાતન બોર્ડના નેજા હેઠળ એક બનવું જોઈએ.
કેવા પ્રકારના સનાતન બોર્ડની માંગ કરવામાં આવી છે?
- સનાતન હિન્દુ બોર્ડ એક્ટની રચના થશે અને તેની નીચે સનાતન બોર્ડ બનશે. એક્ટને કેન્દ્ર સરકાર તેને સંસદમાંથી પસાર કરશે.
- સનાતન હિન્દુ બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા તરીકે સ્થાપિત કરવામાં આવશે.
- તેનું કામ હિન્દુ મંદિરો, તેમની મિલકતો અને તેમની સંપત્તિની દેખરેખ રાખવાનું રહેશે.
- સનાતન બોર્ડ વૈદિક સનાતન પૂજા પ્રણાલી, સનાતન પરંપરા, મંદિરોમાં સનાતન હિન્દુઓના ધાર્મિક અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરશે.
- આ બોર્ડના સભ્યો ફક્ત એવા લોકો હશે જેઓ હિન્દુત્વમાં માને છે અને સનાતન પરંપરાની સેવા કરવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે.
સનાતન બોર્ડના મુખ્ય પ્રસ્તાવો શું છે?
- સનાતન બોર્ડ લાગુ કરવું જોઈએ.
- દેશભરના મંદિરોમાંથી સરકારી નિયંત્રણ દૂર થવું જોઈએ.
- દરેક મોટા મંદિરમાં ગૌશાળાની સ્થાપના થવી જોઈએ.
- ધર્માંતરણ અટકાવવા માટે ગરીબ હિન્દુ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવી.
- સનાતન હિન્દુઓના અન્ય ધર્મો સાથેના લગ્નોને રોકવાનો પ્રયાસ કરવો.
આવું હશે સનાતન બોર્ડનું માળખું
- બોર્ડના ચાર પ્રમુખો હશે, જે ચારેય શંકરાચાર્ય હશે
- કેન્દ્રીય અધ્યક્ષ મંડલમાં 11 સદસ્યો હશે. જેમાં 4 શંકરાચાર્ય, 3 સભ્યો અલગ અલગ અખાડાના વડા, ટ્રસ્ટી મંડળ દ્વારા 1 સભ્યની નિમણૂક કરવામાં આવશે. 3 સભ્યો અગ્રણી સંતો/કથાકારો અથવા ધર્માચાર્યો હશે.
- સહયોગી પ્રતિનિધિ મંડળમાં પણ 11 સભ્યો હશે. આમાં બે સૌથી મોટા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ, 4 અગ્રણી કથાકાર અથવા ધર્માચાર્ય, 3 સભ્ય મુખ્ય મંદિરોના મુખ્ય વ્યક્તિઓ, 1 સદસ્ય ગૌશાળા અને ગૌસેવા સાથે સંકળાયેલા અગ્રણી તથા 1 સદસ્ય ગુરૂકૂળ શિક્ષા પદ્ધતિ સાથે જોડાયેલા હશે.
- આ ઉપરાંત સનાતન બોર્ડનું એક સલાહકાર મંડળ પણ હશે. આમાં 2 ન્યાયાધીશો, 2 નિવૃત્ત IAS, 2 મીડિયાકર્મીઓ, 1 શિક્ષણવિદો, 2 સામાજિક સંસ્થા સાથે જોડાયેલા લોકો અને 2 સદસ્ય સામાજિક અથવા ધાર્મિક કાર્યકર્તા હશે.
સનાતન બોર્ડ શું કામ કરશે?
- સનાતન બોર્ડ મંદિરોની મિલકતનું સંચાલન કરશે.
- દરેક મોટા મંદિરમાંથી એક હોસ્પિટલ ચલાવવામાં આવશે.
- આર્થિક રીતે નબળા હિન્દુ પરિવારોને મદદ કરવામાં આવશે જેથી પૈસાના અભાવે ધર્મ પરિવર્તન અટકાવી શકાય.
- નાના મંદિરોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
- સનાતન બોર્ડ પુજારીઓની નિમણૂક કરશે. જેમાં પરંપરાગત લાયકાત અને ધાર્મિક જ્ઞાનના ધોરણોનું પાલન કરવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિ કોઈપણ મંદિરની મિલકત પર ગેરકાયદેસર રીતે કબજો કરે છે, તો જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક કબજો દૂર કરવાનો આદેશ આપવાનો અધિકાર રહેશે.
- મંદિરોમાં પ્રવેશનો અધિકાર સનાતન નક્કી કરશે અને પ્રસાદનું સંચાલન પણ બોર્ડની દેખરેખ હેઠળ કરવામાં આવશે. જેથી તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ અંગે જે ગરબડ થઈ હતી તે ફરી ન થાય.
- વક્ફ બોર્ડે બળજબરીથી કબજે લીધેલી જમીનને મુક્ત કરાવવા અને ગેરબંધારણીય અધિકારોનો અંત લાવવા માટે સનાતન બોર્ડ પ્રયત્નશીલ રહેશે.
- સનાતન બોર્ડ સનાતન વિરોધી ફિલ્મો/નિવેદનો/કોમેડી શો કરનારાઓને સજા કરવા માટે કાનૂની કાર્યવાહી કરશે.
ભારતમાં જ કેમ વક્ફ બોર્ડ છે? : દેવકીનંદન ઠાકુરનો સવાલ સનાતન બોર્ડના મુદ્દે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલા કથાકાર અને ઉપદેશક દેવકીનંદન ઠાકુરે સનાતન સંસ્કૃતિના પતનને મેકાલેની શિક્ષણ નીતિઓ સાથે જોડ્યું. તેમણે કહ્યું કે આ વ્યવસ્થાને કારણે ભારતીય પરંપરાઓનું સ્થાન અંગ્રેજી ભાષાએ લીધું. દેવકીનંદન ઠાકુરે ચેતવણી આપી હતી કે વક્ફ બોર્ડના માધ્યમથી ભારત પર કબજો મેળવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. દેવકીનંદન ઠાકુરે પ્રશ્ન કર્યો કે ભાગવા વખતે પાકિસ્તાન જતા રહેલા લોકોની ખાલી કરાયેલી જમીન વક્ફ બોર્ડના નિયંત્રણમાં છે, પણ પાકિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુઓની જમીનોનું શું થયું? પાકિસ્તાનમાં હિન્દુ બોર્ડ કેમ નથી? તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવા કોઈ બોર્ડ નથી ત્યારે ભારતમાં વક્ફ બોર્ડ કેમ છે? તેમણે દાવો કર્યો કે તિરુપતિ બાલાજી જેવા મંદિરો સરકારને વાર્ષિક 500 કરોડ રૂપિયાનું યોગદાન આપે છે ત્યારે સરકારે સનાતન ધર્મ માટે પહેલ કરવી જોઈએ.જો સનાતન બોર્ડની રચના થાય છે, તો દરેક મંદિરની પોતાની ગૌશાળા, ગુરુકુળ અને હોસ્પિટલ હશે અને બધા દાન સનાતન ધર્મમાં જ રહેશે.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ રદ્દ કરવા પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી જગદગુરુ વિદ્યા ભાસ્કરજી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ રદ કરવા વિનંતી કરી, અને કહ્યું કે હિન્દુ મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદોને સુરક્ષિત રાખવા માટે કોઈપણ પરામર્શ વગર આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાની બહુમતીનો ઉપયોગ કરીને પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ રદ કરવો જોઈએ. તે સમયની સરકારે કોઈપણ ચર્ચા વિના આ કાયદો પસાર કર્યો અને તેને દેશ પર લાદી દીધો. તેમણે વધુમાં કહ્યું કે તમામ જીવોનું અસ્તિત્વ સનાતન ધર્મના સંરક્ષણ પર આધારિત છે. સનાતનીઓના રક્ષણ માટે સનાતન બોર્ડની સ્થાપના એ સમયની માંગ છે.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ-1991 શું છે? 15 ઓગસ્ટ 1947 પહેલાં અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને કોઈપણ બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે ઉપાસના સ્થળ માટેનો કાયદો બનાવ્યો હતો. કાયદો લાવવાનો અર્થ અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનની વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારે કાયદામાં એ જોગવાઈ કરી દીધી કે અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય જગ્યા પર કોઈપણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકાર કરવામાં આવશે નહીં. આમાં કહેવામાં આવ્યું છે કે દેશની આઝાદીના દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1947એ કોઈ ધાર્મિક માળખું કે પૂજા સ્થળ જ્યાં જે રૂપમાં પણ હતું તેના પર બીજા ધર્મના લોકો દાવો કરી શકશે નહીં. આ કાયદાથી અયોધ્યાની બાબરી મસ્જિદને અલગ કરી દેવાઈ અને આને અપવાદ બનાવી દેવાઈય કારણ કે આ વિવાદ આઝાદી પહેલાથી કોર્ટમાં વિચારાધીન હતો. અયોધ્યા કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો ત્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ પર 1,045 પાનાના પોતાના નિર્ણયમાં 1991ના આ કાયદાનો હવાલો આપતાં કહ્યું હતું કે, આ કાયદો 15 ઓગસ્ટ 1947એ સાર્વજનિક પૂજા સ્થળોના રહેલા ધાર્મિક ચરિત્રને અકબંધ રાખવા અને તેમાં પરિવર્તન ન કરવાની ગેરંટી આપે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કાયદો દરેક ધાર્મિક સમુદાયને એ આશ્વાસન આપે છે કે તેમના ધાર્મિક સ્થળોનું સંરક્ષણ થશે અને તેનું ચરિત્ર બદલવામાં આવશે નહીં. હવે સનાતન બોર્ડ હેઠળ આ કાયદો રદ્દ કરવાની માગણી ઉઠી છે.
છેલ્લે, મહાકુંભમાં દેશભરના સાધુ-સંતો જ્યારે સનાતન બોર્ડની માગણી કરી રહ્યા છે ત્યારે પ્રજ્ઞાચક્ષુ રામભદ્રાચાર્યજી મહારાજે કહ્યું કે,સનાતન બોર્ડની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ તો અનાદિકાળથી પોતાની રીતે કામ કરે જ છે. સનાતન ધર્મને કોઈ બોર્ડની નીચે લાવીને કામ કરવાની આવશ્યકતા નથી કારણ કે આ આત્મનિર્ભર અને સાર્વભૌમિકરૂપ કામ કરે છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ – યશપાલ બક્ષી)