જુબા7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથ સુદાનના યુનિટી સ્ટેટમાં બુધવારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 20 લોકોના મોત થયા હતા. CNNના અહેવાલ મુજબ, આ એક નાનું વિમાન હતું જેમાં બે પાઇલટ સહિત 21 લોકો સવાર હતા. આ પ્લેન ચીનની ઓઈલ કંપની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપની દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું.
યુનિટી રાજ્યના માહિતી પ્રધાન ગેટવેચ બિપલે જણાવ્યું હતું કે અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે થયો હતો. વિમાન રાજધાની જુબા જઈ રહ્યું હતું. બિપલે કહ્યું કે પ્લેનમાં બેઠેલા તમામ લોકો ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપનીના ઓઈલ કર્મચારી હતા. બિપલે કહ્યું કે મૃતકોમાં બે ચીની અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે.
નકશા પર પ્લેન ક્રેશ સ્થાન…
સાઉથ સુદાન પ્લેન ક્રેશ સંબંધિત 5 ફોટોઝ…
વિમાન રાજધાની જુબા જઈ રહ્યું હતું. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
ચીનની ઓઈલ કંપની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપનીએ આ ચાર્ટર્ડ પ્લેન ભાડે રાખ્યું હતું.
વિમાનના કાટમાળમાં પાઇલટનો મૃતદેહ દેખાઈ રહ્યો છે.
પ્લેનનો કાટમાળ ખેતરમાં ઊંધો પડેલો જોવા મળે છે અને ચારેબાજુ કાટમાળ પથરાયેલો છે.
વિમાન દુર્ઘટના બાદ મૃતદેહો ઉપાડી રહેલા બચાવ કાર્યકરો.
પ્લેન ક્રેશ થવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે યુનાઈટેડ નેશન્સ રેડિયો મિરાયાના રિપોર્ટ અનુસાર, આ પ્લેન દક્ષિણી સુદાનના એક ઓઈલફિલ્ડથી ઉડી રહ્યું હતું. પ્લેનમાં ઓઈલ કંપની સાથે સંકળાયેલા સ્ટાફને લઈ જવામાં આવ્યો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટનાનું કારણ શું હતું? હાલ તેની તપાસ ચાલી રહી છે. તે જ સમયે, અધિકારીઓએ હજુ સુધી પીડિતોની ઓળખ જાહેર કરી નથી.
સાઉથ સુદાનને વર્ષ 2011માં સુદાનથી આઝાદી મળી હતી. ત્યારથી અહીંયા અનેક વિમાન અકસ્માતો થયા છે. સપ્ટેમ્બર 2018માં રાજધાની જુબાથી રિઓલ જઈ રહેલું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 19 લોકોના મોત થયા હતા.
2015માં રાજધાની જુબાથી ટેકઓફ કરતી વખતે રશિયન બનાવટનું કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થતા 36 લોકોના મોત થયા હતા. તેનું કારણ એરક્રાફ્ટની ક્ષમતા કરતાં વધુ લોકોને સમાવવાનું હતું.