Image: Facebook
ફરજ મોકુફ કરાયેલા પાલિકાના કાર્યપાલક ઇજનેર પ્રમોદ સી. વસાવા સામે મુકેલા આક્ષેપોની કરવામાં આવેલ ખાતાકીય તપાસના રજુ થયેલ તપાસ અહેવાલ પરત્વે આગળની શિસ્ત વિષયક કાર્યવાહી અંગે નિર્ણય કરવા બાબતે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
પાલિકાની એફોર્ડેબલ હાઉસીંગ શાખામાં કાર્યપાલક ઇજનેર તરીકેની ફરજો બજાવતા પ્રમોદ સી. વસાવા તેમની ફરજો દરમ્યાન તા.૭-૮-૨૧ના રોજ વિકાસ દિવસની ઉજવણી પેટે રાજય કક્ષાએ રાખેલ કાર્યક્રમ પૈકી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના કામો પૈકી પાલિકા દ્વારા વિવિધ હાઉસીંગ યુનિટ માટેનો કુલ ૩૮૨ હાઉસીંગ યુનિટ માટેનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો રાખવામાં આવેલ હતો. સદર જાહેર કાર્યક્રમમાં થયેલ ડ્રો પ્રકરણે થયેલ ગેરરીતીમાં પ્રમોદ સી. વસાવાની જવાબદારી સ્પષ્ટ જણાતાં સદર બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવેલ છે. સ્થાયી સમિતિ દ્વારા તેઓને ઠરાવથી તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકવાનું ઠરાવતા સામાન્ય સભાએ તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મુકવામાં આવેલ અને ત્યારબાદ સ્થાયી સમિતિના સદર ઠરાવને સામાન્ય સભા દ્વારા ઠરાવથી બહાલી આપવામાં આવેલ. વસાવા સામેની ફોજદારી કાર્યવાહીની સાથોસાથ શિસ્તવિષયક કાર્યવાહીના ભાગરૂપે અત્રેથી તેઓ સામે મુકવામાં આવેલ આક્ષેપોની પૂર્ણકક્ષાની ખાતાકીય તપાસ નિવૃત્ત નાયબ સચિવ સી.એમ. ગોહિલને સોંપવામાં આવેલ. જે તપાસ ખાતાકીય તપાસ અધિકારીએ વસાવાની હાજરીમાં પૂર્ણ કરી તેનો તપાસ અહેવાલ અત્રે રજુ કરેલ છે.
પ્રસ્તુત પ્રકરણે કાર્યપાલક ઇજનેર પ્રમોદ સી. વસાવા સામે નોંધાયેલ પોલીસ કેસ પરત્વેના નામ. કોર્ટના પડતર ચુકાદા દરમ્યાન અત્રેથી તેઓ સામે મુકવામાં આવેલ આક્ષેપોની કરવામાં આવેલ ખાતાકીય તપાસના રજુ થયેલ અહેવાલમાં વસાવા સામે મુકવામાં આવેલ કુલ બે આક્ષેપો પૈકી એક આક્ષેપ સંપૂર્ણપણે સાબિત થયેલ છે, જયારે બીજો આક્ષેપ અંશતઃ સાબિત થયેલ હોવાની નજરે તેઓ સામે આગળની શિસ્તવિષયક કાર્યવાહી સારૂ યોગ્ય તે નિર્ણય થવા આ કામને સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભામાં રજુ કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે
ભાજપના આંતરિક ડખાના કારણે ગુનો દાખલ થયો હતો
લાંબા સમયથી આવેલી દરખાસ્ત એજન્ડામાં ચઢાવવા માટે કોણ રોકી રહ્યું હતું?
પ્રમોદ વસાવાએ ડ્રોના જાહેર થયેલ નામમાં ફેરફાર કર્યો હોવા મામલે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર પ્રકરણમાં ભાજપના જ આંતરિક રાજકારણે એક અધિકારીનો ભોગ લેવાયો હોવાની ખૂબ ચર્ચા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે, ડ્રોમાં જે નામ જાહેર થયા હતા તેમાં ફેરફાર કરવાની ભાજપના જ એક અગ્રણીની સીધે સીધી પ્રમોદ વસાવાને સુચના આપી હતી. સમગ્ર મામલે, ડ્રોમાં નામ ફેરફાર થયા હોવા અંગે, એક નાગરિક દ્વારા તત્કાલીન મેયર કયુર રોકડીયાને રજૂઆત કરાઈ હતી અને તેના આધારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. જે બાદ પ્રમોદ વસાવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ જે દરખાસ્ત આવી છે તેમાં એક ગુનામાં પ્રમોદ વસાવા આંશિક અને અન્યમાં દોષિત હોવાનું જણાવ્યું છે. પરંતુ કઈ બાબતમાં તેઓ આંશિક અને કઈ બાબતમાં તે સંપૂર્ણ દોષિત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. વળી, ઘણા સમયથી આ દરખાસ્ત કમિશનર દ્વારા ચૂંટાયેલી પાખ સમક્ષ રજૂ કરાઈ હતી પરંતુ ચોક્કસ કારણોસર તેને ટાળવામાં આવતી હતી આખરે હવે દરખાસ્ત રજૂ થઈ છે.