ગાંધીધામ-અંજાર રોડ પર બુધવારે બપોરે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મુંદ્રાથી મોરબી તરફ જઈ રહેલું પ્રોપેન ગેસ ભરેલું ટેન્કર અચાનક બેકાબૂ થઈને રસ્તા પર પલટી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ગાંધીધામ મહાનગરપાલિકાનો ફાયર સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો
.
ફાયર વિભાગે બે થી ત્રણ ફાયર ફાઈટર મશીન સાથે સતત પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી હતી. જો આગ લાગી હોત તો આસપાસના 10 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવાની નોબત આવી હોત, પરંતુ ફાયર વિભાગની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, ટેન્કરમાં રાંધણ ગેસ માટેનો કાચો પ્રોપેન ગેસ ભરેલો હતો, જે મુંદ્રાથી મોરબી લઈ જવામાં આવી રહ્યો હતો. અકસ્માતને કારણે ગાંધીધામ અને ભચાઉ તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાલમાં બે ક્રેન મશીન દ્વારા ટેન્કરને સુરક્ષિત રીતે ઊભું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.