નવી દિલ્હી1 કલાક પેહલા
- કૉપી લિંક
દેશની ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષમાં ક્ષમતાનું વિસ્તરણ કરવા તેમજ ટેક્નોલોજીને અપગ્રેડ કરવા માટે $6.5 થી 7 અબજનું રોકાણ કરશે. આ સમયગાળા દરમિયાન માંગ પણ મજબૂત રહેશે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા છ મહિના દરમિયાન ઇન્ડસ્ટ્રીની આવક 12.6%ની વૃદ્ધિ સાથે રૂ.2.98 લાખ કરોડ નોંધાઇ હતી. તે ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં તેમજ આગામી નાણાકીય વર્ષ દરમિયાન ડબલ ડિજિટ વેચાણ વૃદ્ધિની અપેક્ષા ધરાવે છે.
ઓટોમોટિ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ACMA)ના પ્રેસિડેન્ટ શ્રદ્વા સુરીએ જણાવ્યું હતું કે કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીએ મૂલ્ય-વૃદ્ધિ, ટેક્નોલોજી અપગ્રેડેશન તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે સ્થાનિકીકરણ માટે રોકાણ કરવાનું યથાવત્ રાખ્યું છે. ઇન્ડસ્ટ્રી છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં રોકેલા $3.5-4 અબજની તુલનાએ આગામી પાંચ વર્ષ દરમિયાન $6.5-7 અબજનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. ચાલુ નાણાકીય વર્ષે તહેવારોની સીઝન દરમિયાન વ્હિકલ ઇન્ડસ્ટ્રી માટે વેચાણના મજબૂત આંકડાઓ જોવા મળ્યા છે ત્યારે ઓટો કોમ્પોનન્ટ સેક્ટર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
દરેક સેગમેન્ટમાં વાહનોનું વેચાણ કોવિડ પૂર્વેના સ્તરે પહોંચતા તેમજ સપ્લાય ચેઇનની સમસ્યા દૂર થતા સેમનીકન્ડક્ટર્સની ઉપલબ્ધતા, ઉચ્ચ માંગ અને ઓછા ખર્ચે કાચા માલની ઉપલબ્ધતાને કારણે ઓટો કોમ્પોનન્ટ સેક્ટરે નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિના દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મજબૂત ગ્રોથ નોંધાવ્યો હતો. વેચાણ અને નિકાસમાં મજબૂત પરફોર્મન્સ જોવા મળ્યું છે, જેને કારણે ઓટો ઇન્ડસ્ટ્રીએ 12.6%ની વૃદ્ધિ સાથે રૂ.2.98 લાખ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે.
ઓટો કોમ્પોનન્ટની નિકાસ વધી $10.4 અબજ નોંધાઇ
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીની નિકાસ 2.7% વધી $10.4 અબજ (રૂ.85.87 લાખ કરોડ) નોંધાઇ હતી જ્યારે આયાત પણ 3.6% વધીને $10.6 અબજ (રૂ.87.42 લાખ કરોડ) રહી છે. કુલ આયાતમાં એશિયાનો હિસ્સો 63% રહ્યો હતો, જ્યારે ચીન પ્રમુખ આયાતાકાર દેશ રહ્યો હતો.