- Gujarati News
- Business
- Retail Loan Growth Of 18 Per Cent Despite High Interest inflation, Will Increase Further As Interest Rates Fall
નવી દિલ્હી6 કલાક પેહલા
- કૉપી લિંક
- બેન્ક બાજારના વાર્ષિક રિપોર્ટમાં નવો ટ્રેન્ડ
દેશમાં છેલ્લા એક વર્ષમાં રિટેલ લોનમાં 18%ની વૃદ્ધિ જોવા મળી છે. આ સેગમેન્ટમાં 47% હિસ્સો ધરાવતા હાઉસિંગ સેક્ટરના લોનનો ગ્રોથ 14% રહ્યો છે. ખાસ વાત એ છે કે છેલ્લા એક વર્ષથી વ્યાજદરો વધુ છે, મોંઘવારી પણ નિર્ધારિત મર્યાદા કરતા વધુ રહી છે. એટલે જાણકારો અનુસાર લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થઇ છે. બેન્ક બાજારના વાર્ષિક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર મોંઘવારી દર હવે ઘટ્યો છે. બીજી તરફ, વ્યાજદરોમાં પણ ઘટાડો થશે. તેનાથી નાણાં વર્ષ 2024-25માં લોનની માંગ વધુ તેજ થશે. બેન્ક અત્યારથી પ્રીમિયમ ગ્રાહકોને ઓછા દર ઓફર કરી રહી છે. પરંતુ, નાના અને મધ્યમ વર્ગના લોકો વધુ વ્યાજદર ચૂકવી રહ્યાં છે. કેટલાક મહિનામાં આ દરો ઘટવાથી અસમાનતા પણ ઘટશે. આ તમામ કેટેગરીમાં કુલ દેવું 41.97 લાખ કરોડ થઇ ચૂક્યું છે.
હોમલોન- ઑટો લોન: હાઉસિંગ સેક્ટરમાં ઝડપ આવશે
વાર્ષિક આધારે હાઉસિંગ લોન 14.46% વધી છે. હોમલોનની કુલ રકમ 18.73 લાખ કરોડ રૂ.થી વધીને 21.44 લાખ કરોડ રૂ. થઇ ચૂકી છે. વર્ષ 2021માં કુલ બાકી હાઉસિંગ લોન 16.05 લાખ કરોડ રૂ. હતી. એટલે કે બે વર્ષમાં હાઉસિંગ લોનની રકમ 33.58% વધી છે. ઑટો લોનની વાત કરીએ તો તે એક વર્ષમાં 20.02%ની વૃદ્ધિની સાથે 4.60 લાખ કરોડ રૂ.થી 5.53 લાખ કરોડ થઇ ચૂકી છે. જ્યારે, બે વર્ષમાં કુલ 46.29%ની વૃદ્ધિ થઇ છે. હવે શું: રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી છે. મોંઘવારી પણ ઘટી રહી છે. આગળ વ્યાજદરોમાં કાપની આશા છે. તેને લઇને હાઉસિંગ સેક્ટર નવી ઊંચાઇઓ સ્પર્શી શકે છે.
પર્સનલ લોન- ક્રેડિટ કાર્ડ: આકરા નિયમોથી ગ્રોથ ઘટશે
2022 થી 2023ની વચ્ચે ક્રેડિટ કાર્ડ લેણાં 27.99% વધીને 2.40 લાખ કરોડ રૂ. થયા છે. જ્યારે, 2021માં ક્રેડિટ કાર્ડના કુલ લેણાં 1.45 લાખ કરોડ રૂ. હતા. એટલે કે બે વર્ષમાં ક્રેડિટ કાર્ડ લોન 65.51% વધી છે. અન્ય પર્સનલ લોનમાં તે વાર્ષિક આધાર પર 22.28%ની વૃદ્ધિની સાથે 10.29 લાખ કરોડ રૂ.થી 12.60 લાખ કરોડ રૂ. થઇ ચૂકી છે. 2021માં 8.24 લાખ કરોડ રૂ. હતી. એટલે કે બે વર્ષમાં પર્સનલ લોનમાં 52.91%ની વૃદ્ધિ થઇ છે. હવે શું: જોખમ વધવાની આશંકાને કારણે RBIએ ક્રેડિટ-પર્સનલ લોન પર અનેક અંકુશ લગાવ્યા છે. તેની અસરથી આગામી વર્ષમાં ક્રેડિટ કાર્ડ લોનનો ગ્રોથ ઘટી શકે છે.
ગોલ્ડ-એજ્યુકેશન લોન: તેમાં ભવિષ્યમાં પણ તેજી યથાવત્ રહેશે
ગોલ્ડ લોન બે વર્ષમાં 73.02 હજાર કરોડ રૂ.થી 36.93% વધીને 1 લાખ કરોડ રૂ. થઇ ચૂકી છે. એજ્યુકેશન લોનનો ટ્રેન્ડ પણ કોરોનાકાળ બાદ વધ્યો છે. તે 35.70% વધી છે. જો કે લોન લઇને જરૂરિયાતનો સામાન ખરીદનારા લોકોની સંખ્યામાં વૃદ્ધિ મર્યાદિત રહી છે. છેલ્લા એક વર્ષમાં કન્ઝ્યુમર લોન 7.68% ઘટી છે. પરંતુ બે વર્ષમાં તે 52.26% વધી છે. શેરને બદલે લોન છેલ્લા એક વર્ષમાં વધવાને બદલે 4.85% ઘટી છે.
હવે શું: એજ્યુકેશન લોનમાં ઝડપી ગ્રોથની સંભાવના છે. સોનામાં પણ આગળ તેજીની સંભાવના છે. તેને કારણે તેની અવેજીમાં મળતી લોન વધશે. કન્ઝ્યુમર ડ્યૂરેબલના ગ્રોથને લઇને જાણકારો એકમત નથી.