2 કલાક પેહલા
- કૉપી લિંક
દેઓલ પરિવાર માટે વર્ષ 2023 ખૂબ જ યાદગાર વર્ષ હતું. ગયા વર્ષે સની દેઓલે ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. આ સાથે જ બોબી દેઓલે ‘એનિમલ’ જેવી ફિલ્મોથી જબરદસ્ત કમબેક કર્યું હતું. ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ’ શોમાં સની દેઓલ અને બોબી દેઓલ ગેસ્ટ તરીકે જોવા મળશે. નિર્માતાઓએ આજે આગામી એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેમાં સની દેઓલ તેના પરિવાર વિશે વાત કરતો જોવા મળે છે. ટ્રેલરમાં બોબી દેઓલ ઈમોશનલ જોવા મળી રહ્યો છે.
સની દેઓલે કહ્યું, ‘અમે 1960થી લાઈમ લાઈટમાં છીએ. અમે ઘણા વર્ષોથી સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ સમજી શકાતું ન હતું કે, કેટલીક વસ્તુઓ કેમ થતી નહોતી? મારા દીકરાના લગ્ન થઈ ગયા. ‘ગદર 2’ પહેલા પપ્પાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ આવી હતી. વિશ્વાસ નથી કરી શકતો કે અમે આટલા નસીબદાર કેવી રીતે થઈ ગયા?
જ્યારે સની દેઓલે બોબી દેઓલની ફિલ્મ ‘એનિમલ’નો ઉલ્લેખ કર્યો ત્યારે બોબી દેઓલ ભાવુક થઈ ગયો હતો. બોબી દેઓલે કહ્યું,’મારા જીવનમાં જો કોઈ મજબૂત અને સુપરમેન છે તો તે ભાઈ છે.’ બોબીની વાત સાંભળ્યા બાદ સની દેઓલે પોતાને બાહુબલી કહ્યો હતો.
દેઓલ્સ પરિવાર માટે વર્ષ 2023 ખૂબ જ સફળ વર્ષ રહ્યું છે. કરન જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીની જોડીને દર્શકોએ પસંદ કરી હતી. આ પછી સની દેઓલની ‘ગદર 2’ સિનેમાઘરોમાં આવી. ‘એનિમલ’માં બોબી દેઓલના નકારાત્મક પાત્ર અબરાર હકની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
સની દેઓલના મોટા પુત્ર કરન દેઓલે 18 જૂનના રોજ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. સનીના નાના પુત્ર રાજવીર દેઓલે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘દોનો’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.