43 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર સૈફ અલી ખાને માત્ર 21 વર્ષની વયે તેમનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે છાનામાના લગ્ન કરી લીધા હતા. સૈફે આ લગ્નની વાત પોતાના પરિવારથી પણ છુપાવી રાખી હતી.
તાજેતરમાં સૈફ કરન જોહરના ચેટ શો ‘કોફી વિથ કરન’માં માતા અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે જોવા મળ્યો હતો. આ ગુપ્ત લગ્ન વિશે વાત કરતી વખતે સૈફે જણાવ્યું કે, જ્યારે તેમણે તેમની માતાને લગ્ન વિશે જણાવ્યું તો તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવાં લાગ્યાં હતાં.

‘કોફી વિથ કરન’ના સેટ પર સૈફ અને શર્મિલાએ આ અંગે ચર્ચા કરી હતી
સમાચાર સાંભળીને શર્મિલા અને ટાઈગર ચૂપ રહ્યા
શર્મિલાએ કહ્યું- ‘હું ત્યારે મુંબઈમાં હતી. સૈફ મને મળવા આવ્યો અને મને તેમના લગ્નના સમાચાર આપ્યા, જે સાંભળીને હું સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી, હું સાવ ચૂપ જ રહી હતી. સૈફે મારી સામે જોયું અને કહ્યું, ‘અમ્મા, તમને શું થઈ ગયું છે, તમારો રંગ બદલાઈ રહ્યો છે.’
‘પછી મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને સૈફને કહ્યું કે તે ઠીક છે.. આપણે આ વિશે પછી વાત કરીશું અને સૈફ જતાની સાથે જ મેં ટાઈગર (સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડી)ને ફોન કર્યો અને તેને આખી વાત કહી. તેઓ પણ થોડીવાર મૌન રહ્યા હતા.’ શર્મિલાએ વધુમાં જણાવ્યું કે સૈફ અને અમૃતાના લગ્નના બીજા દિવસે તે અમૃતાને પણ મળી હતી. ચા પીતાં પીતાં તેમણે અમૃતા સાથે ચર્ચા કરી. તેમને પણ ગમ્યું પણ શર્મિલા આઘાતમાં હતી.

સૈફે જ્યારે અભિનેત્રી અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 21 વર્ષનો હતો. જ્યારે અમૃતા 33 વર્ષની હતી
‘મેં માતાને કહ્યું હતું કે, મારા લગ્ન ગઈકાલે જ થયા છે’
શોમાં તે દિવસને યાદ કરતાં સૈફે કહ્યું- ‘મા હંમેશા મને સપોર્ટ કરતી રહી છે, પરંતુ તે દિવસે જ્યારે મેં તેને મારા લગ્ન વિશે કહ્યું તો તેમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. માતાએ કહ્યું કે મને ખાતરી છે કે, તું કોઈની સાથે રહે છે પણ હજુ લગ્ન નથી કર્યા. અને મેં તેમને જવાબ આપ્યો કે મારા લગ્ન ગઈકાલે જ થયા છે. આ સાંભળીને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે રડવા લાગી હતી. માતાએ કહ્યું કે તેં મને કેમ કહ્યું નહીં… તેં મને ઘણું દુઃખ આપ્યું છે.’
‘સૈફે કહ્યું- મારા માટે તે ઘરેથી ભાગી જવા જેવું હતું’
જ્યારે કરને સૈફને આટલી નાની ઉંમરમાં લગ્ન કરવાનું કારણ પૂછ્યું તો અભિનેતાએ કહ્યું – ‘મારા માટે તે સમજદારીપૂર્વક ઘરેથી ભાગી જવા જેવું હતું. મારી પાસે એક પ્રકારની સુરક્ષા હતી અને હું આ વિચારથી સુરક્ષિત અનુભવું છું. મેં વિચાર્યું કે હું મારું ઘર આ રીતે બનાવી શકું.’

સૈફ અને અમૃતા લગ્નના 13 વર્ષ બાદ 2004માં એકબીજાથી અલગ થઈ ગયા હતા
સૈફ-અમૃતાના છૂટાછેડા બાદ ટાઈગર ખૂબ જ દુઃખી હતા : શર્મિલા
આ જ ઇન્ટરવ્યૂમાં સૈફ અને અમૃતાના છૂટાછેડા વિશે વાત કરતી વખતે શર્મિલાએ કહ્યું હતું કે, ‘ટાઈગર અને મને પણ આ બંનેના છૂટાછેડાથી ખૂબ જ દુઃખ થયું હતું. અમને ઈબ્રાહિમ માટે સૌથી ખરાબ લાગ્યું કારણ કે તે સમયે તે માત્ર 3 વર્ષનો હતો. ઈબ્રાહિમ ટાઈગરનો લાડકો હતો અને તેમના છૂટાછેડા પછી બંને બાળકો પણ અમારાથી દૂર થઈ ગયાં હતાં. ત્યારપછી ટાઈગર ખૂબ જ દુઃખી રહેતાં હતાં.’
આ વિશે વાત કરતાં સૈફે કહ્યું કે, ’20 વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા. જો કે, અમૃતા હંમેશા મને સપોર્ટ કરતી રહી છે અને આજે પણ અમારી વચ્ચે સારા અને આદરપૂર્ણ સંબંધ છે.’

સૈફના પિતા ટાઈગર પટૌડીની તેમના પૌત્ર ઈબ્રાહિમ સાથેની આ તસવીર સૈફની બહેન સબા અલી ખાન પટૌડીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે
સૈફ-અમૃતા લગ્નનાં 13 વર્ષ બાદ અલગ થઈ ગયા હતા
રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને અમૃતાએ 27 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સૈફ 21 વર્ષનો હતો અને અમૃતા 33 વર્ષની હતી. તેમની વચ્ચે ઉંમરમાં 12 વર્ષનો તફાવત હતો અને લગ્નના 13 વર્ષ બાદ બંને 2004માં અલગ થઈ ગયા હતા. અમૃતા અને સૈફ બે બાળકો (સારા અલી ખાન અને ઈબ્રાહીમ અલી ખાન)ના માતા-પિતા છે.

સૈફ પત્ની અમૃતા અને બાળકો સારા અને ઈબ્રાહિમ સાથે
બાદમાં સૈફે કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો તૈમૂર અને જેહ છે. જ્યારે અમૃતાએ બીજા લગ્ન કર્યા નથી.