21 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે જ્યારથી લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ત્યારબાદથી જ ચર્ચામાં છે. જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ હવે એક્ટ્રેસે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. આ સાથે જ એમ પણ કહ્યું છે કે રાજકારણમાં રહીને તે આત્મનિર્ભર ભારતના સ્વપ્ન માટે દિવસ-રાત કામ કરશે.
કંગનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શપથ ગ્રહણ કરવાનો એક વીડિયો શેર કર્યો છે. કંગના રનૌત સફેદ સાડીમાં સંસદ ભવન પહોંચી હતી. વીડિયો શેર કરતી વખતે લખ્યું, ‘હું, કંગના રનૌત, ભગવાનના શપથ… આજે સંસદભવનમાં 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. જનતાની સેવા કરવાની મને જે પણ તક મળશે તે હું પૂરી નિષ્ઠાથી કરીશ.

કંગનાએ આગળ લખ્યું, ‘વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે અમે બધા દિવસ-રાત સાથે મળીને કામ કરીશું.’
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી શહેરથી લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે વિપક્ષમાં રહેલા કોંગ્રેસ પાર્ટીના નેતા વિક્રમાદિત્ય સિંહને 72 હજાર મતોથી હરાવ્યા.
કંગનાની ફિલ્મી કરિયર પર સવાલ
આ દરમિયાન કંગનાનું નિવેદન પણ ચર્ચામાં રહ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તે ચૂંટણી જીત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેશે. હવે જ્યારે કંગનાએ ચૂંટણી જીતી લીધી છે, ત્યારે બધાની નજર તેના ફિલ્મી કરિયર પર છે. કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ઘણા સમયથી રિલીઝમાં અટકી રહી છે. આ ફિલ્મ 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી, જો કે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી છે.
આ સિવાય કંગના ‘સીતાઃ ધ ઈન્કારનેશન’, ‘તનુ વેડ્સ મનુ 3’ અને ‘અનટાઈટલ્ડ થ્રિલર’ ફિલ્મનો ભાગ છે. કંગનાના રાજકીય કરિયરની તેની ફિલ્મી કરિયર પર શું અસર પડશે તે જોવું રહ્યું.