1 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મોર્ડન માસ્ટર્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રાજામૌલી સાથે કામ કરી ચૂકેલા અભિનેતા પ્રભાસ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત કરન જોહર અને જેમ્સ કેમરન જેવા ફિલ્મ નિર્માતાઓ પણ આ ટ્રેલરમાં જોવા મળ્યા છે.
2 ઓગસ્ટથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે
આ ડોક્યુમેન્ટરીમાં રાજામૌલીના વિઝન અને તેમની કામ કરવાની રીત વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ સાથે તેમની સાથે કામ કરનારા ઘણા મોટા કલાકારો સાથે વાત કરીને દિગ્દર્શક પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરી 2 ઓગસ્ટના રોજ Netflix પર પ્રીમિયર થશે.
તેનો જન્મ ફિલ્મો બનાવવા માટે થયો છે: NTR
વીડિયોની શરૂઆત રાજામૌલીના સંવાદથી થાય છે જેમાં તે કહે છે કે, ‘હું એક ઝટ માન્યામાં ન આવે તેવી વાર્તા કહેવા માગુ છું. હું ઈચ્છું છું કે લોકો તે સાંભળે. આ પછી જુનિયર એનટીઆર કહે છે કે ‘રાજામૌલીનો જન્મ એવી ફિલ્મો બનાવવા અને વાર્તાઓ કહેવા માટે થયો છે જે ક્યારેય કહેવામાં આવી નથી.’
પ્રભાસ કહે છે કે, ‘આજ સુધી મને તેના જેવું બીજું કોઈ મળ્યું નથી. તે સંપૂર્ણપણે પાગલ છે.’
કેમરૂને કહ્યું, ‘તે કંઈપણ કરી શકે છે’
કેનેડિયન ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરૂને કહ્યું, ‘તે ચોક્કસપણે કંઈપણ કરવાની અને કોઈપણ સાથે કામ કરવાની ક્ષમતા ધરાવે છે.’ આ સિવાય જ્યારે એનટીઆરને પૂછવામાં આવ્યું કે રાજામૌલી સાથે કામ કરવાનો સૌથી મોટો પડકાર શું છે? તો અભિનેતાએ કહ્યું કે, ‘તેની સાથે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. તે પાગલ માણસ છે, તેણે જે કહ્યું તે કરો અને ત્યાંથી નીકળી જાઓ.’
આ વીડિયોના અંતમાં રાજામૌલી પોતે કહે છે – ‘એક જ વસ્તુ જેનો હું ગુલામ છું તે મારી વાર્તા છે.’
વીડિયોમાં દર્શાવવામાં આવ્યા છે પડદા પાછળના ઘણા સીન
બે મિનિટના આ ટ્રેલરમાં રાજામૌલીની ફિલ્મો અને તેમના જીવનની પડદા પાછળની ઘણી બાબતો રજૂ કરવામાં આવી છે. આને શેર કરતાં નેટફ્લિક્સે લખ્યું કે, ‘જુઓ પોતાની કળાના માસ્ટર રાજા મૌલીની સ્ટુડન્ટ નંબર 1થી RRR સુધીની સફર. નેટફ્લિક્સ પર 2જી ઓગસ્ટથી..’
વર્ક ફ્રન્ટ પર, રાજામૌલીની આગામી ફિલ્મ ‘SSMB29’ છે જેમાં મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 2001માં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર રાજામૌલીએ અત્યાર સુધીમાં 13 ફિલ્મો બનાવી છે જેમાં ‘RRR’, ‘બાહુબલી’ સિરીઝ અને ‘મગધીરા’ જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.