12 કલાક પેહલા
- કૉપી લિંક
1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જી લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મમાં રાની મુખર્જીના રોલ માટે રવીના ટંડન નિર્માતાઓની પહેલી પસંદ હતી.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવિનાએ જણાવ્યું કે તેને આ ફિલ્મમાં રાની મુખર્જીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. તેમણે આ રોલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તે કહે છે કે તે દિવસોમાં મારી કરિયર ટોચ પર હતી. હું આટલો નાનો રોલ કરવા નહોતી માગતી. ત્યાંથી જ રાની મુખર્જીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે રોલ તેના માટે સારો સાબિત થયો. કારણ કે તે ઈન્ડસ્ટ્રીમાં નવી હતી.

ANI સાથે વાત કરતા એક્ટ્રેસે કહ્યું કે, કરન જોહર આ બાબતને લઈને ઘણા સમય સુધી મારાથી નારાજ રહ્યા હતા.
પોતાની વાતને આગળ વધારતા અભિનેત્રીએ કહ્યું કે તે પોતાની અલગ ઓળખ બનાવવા માગતી હતી. તે બિલકુલ ઇચ્છતી ન હતી કે લોકો તેને 3-4 ગીતો અને કેટલાક સીન માટે યાદ કરે. તે પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવવા માગતી હતી.

કરન જોહર ફિલ્મના કાસ્ટિંગને લઈને ચિંતિત હતો
કરન જોહરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના કાસ્ટિંગને લઈને ખૂબ જ ચિંતિત હતો. આ રોલ માટે તેણે જે પણ એક્ટ્રેસ સાથે વાત કરી. બધાએ તેને ના પાડી. તેમણે કહ્યું- મારી હાલત પાગલ જેવી થઈ ગઈ હતી. છેલ્લે જ્યારે રાની મુખર્જીને આ રોલ માટે પૂછ્યું તો તેણે હા પાડી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મે 25 વર્ષ પૂરા કર્યા છે. ધર્મા પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું નિર્દેશન કરન જોહરે કર્યું હતું. આ તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ હતી, જે 16 ઓક્ટોબર 1998ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, રાની મુખર્જી લીડ રોલમાં હતા.