1 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઈને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે તે જેલમાં હતી ત્યારે તેના મિત્રો તેના માતા-પિતા સાથે દરરોજ દારૂ પીતા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ જ્યારે તેને આ વાતની ખબર પડી તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. અભિનેત્રીએ વાતચીતમાં એમ પણ કહ્યું કે જેલમાં ગયા પછી તેને ખ્યાલ આવ્યો કે તેના સાચા મિત્રો કોણ છે.
તાજેતરમાં, હ્યુમન્સ ઑફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, રિયા ચક્રવર્તીએ તેના ખરાબ સમયમાં તેના મિત્રો તરફથી મળેલી મદદ વિશે વાત કરી. અભિનેત્રીએ કહ્યું, ‘મારા ખરાબ સમયમાં મારા મિત્રોએ શાનદાર ભૂમિકા ભજવી છે. જ્યારે હું જેલમાં હતી ત્યારે તેમણે મારા માતા-પિતાનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. મારા મિત્રો, જેઓ કપલ હતા, તેઓ દરરોજ મારા ઘરે જતા અને મારા માતા-પિતા સાથે ભોજન અને દારૂ પીતા’
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, જ્યારે હું જેલમાંથી બહાર આવી ત્યારે મેં તેમને જોતા જ પૂછ્યું કે તમારું આટલું વજન કેવી રીતે વધી ગયું? મેં તેમને કહ્યું હતું, કે નકામાઓ, હું ત્યાં જેલમાં છું અને તમે લોકો અહીં જ્યાફત માણો છો અને વજન વધારી રહ્યા છો. તો તે જવાબ આપતા કે અમે કાકા-કાકી સાથે જમતા-પીતા તેમને ખવડાવતા. જેથી તેઓ પોતાનું દુખ ભૂલી શકે અને સામાન્ય અનુભવ કરી શકે.’
રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બર 2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
જેલમાંથી છૂટવાના અનુભવ પર બોલતા તેણે કહ્યું – તે ખૂબ જ વિચિત્ર દિવસ હતો
અભિનેત્રીએ વાતચીતમાં જેલમાંથી બહાર આવવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. તેણે કહ્યું છે કે, ‘તે ખૂબ જ વિચિત્ર દિવસ હતો. અમે ખુશ હતા, પણ દિલ તૂટી ગયું હતું. અમે પહેલા જેવા ન હતા. અમારી અંદર ડર હતો. મારો ભાઈ જેલમાં ગયો ત્યારે તે માત્ર 24 વર્ષનો હતો. તેણે CATમાં 96% મેળવ્યા. તેને આઈઆઈએમમાં એડમિશન મળી ગયું, પરંતુ તે જ વર્ષે તેને જેલમાં જવું પડ્યું. આ તેમની જીવનયાત્રા બનવાની હતી. ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ તે ઘરે આવ્યો હતો. આ ખૂબ જ અલગ હતું. પરંતુ અમે છતાં પણ આશા રાખવાની હિંમત કરી હતી અમે હજી પણ માનતા હતા કે,અમે એક દિવસ સામાન્ય થઈ જઈશું.
નોંધનીય છે કે, 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતે તેના બાંદ્રા ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંત રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં હતો, જે તેના મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેનો ફ્લેટ છોડીને ચાલી ગઈ હતી. તપાસમાં રિયા ચક્રવર્તીનું નામ પણ સામેલ હતું. ડ્રગ્સ પેડલર્સ સાથેના સંપર્કને કારણે રિયાને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું.