13 કલાક પેહલાલેખક: આકાશ ખરે
- કૉપી લિંક
આજે વરુણ ધવનનો 37મો જન્મદિવસ છે. પ્રખ્યાત ફિલ્મ-નિર્દેશક ડેવિડ ધવનના પુત્ર વરુણે તેના કરિયરનાં પ્રથમ 6 વર્ષમાં સતત 11 હિટ ફિલ્મ આપી હતી. તે રાજેશ ખન્નાનો સતત 17 હિટ ફિલ્મોનો રેકોર્ડ તોડી શક્યો હોત, પરંતુ ફિલ્મ ‘કલંક’ પછી તેના કરિયર બેક સીટ પર ચાલી ગયું હતું.
ફિલ્મ-નિર્માતા કરન જોહર ઇન્ડસ્ટ્રીમાં વરુણના ગોડફાધર રહ્યા છે અને એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી શરૂ થયેલા બોયકોટ નેપોકિડ્સ અભિયાનની પણ વરુણના કરિયર પર અસર પડી હતી.
એક સમયે સતત 11 હિટ ફિલ્મ આપનાર વરુણની છેલ્લી છ પૈકી ચાર ફિલ્મ ફ્લોપ રહી છે. જાણો અભિનેતાના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો.
બાળપણની આ તસવીરમાં વરુણ મોટા ભાઈ રોહિત ધવન સાથે.
વરુણ રેસલર બનવા માગતો હતો, ગોવિંદા-સલમાન ફેવરિટ હતા
24 એપ્રિલ, 1987ના રોજ પ્રખ્યાત ફિલ્મ-નિર્દેશક ડેવિડ ધવનના ઘરે જન્મેલા વરુણ ધવન ભલે આજે બોલિવૂડના સફળ એક્ટર પૈકી એક છે, પરંતુ બાળપણમાં વરુણ કુસ્તીબાજ બનવા માગતો હતો. તેને કુસ્તીનો શોખ હતો. જોકે ઘરમાં ફિલ્મી વાતાવરણ હતું અને સ્ટાર્સ આવતા-જતા રહેતા હતા.
તે ગોવિંદા અને સલમાન ખાનનો પણ મોટો ફેન હતો. તેના પિતાએ તેમના કરિયરમાં ગોવિંદા સાથે લગભગ 18 ફિલ્મ અને સલમાન સાથે 8 ફિલ્મમાં કામ કર્યું હતું. આવી સ્થિતિમાં વરુણે પણ બાળપણમાં ગોવિંદા અને સલમાન સાથે ઘણો સમય વિતાવ્યો છે.
કોલેજ પૂરી કર્યા બાદ વરુણ દેશ પરત ફર્યો અને ફિલ્મોમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.
વરુણ નોટિંગહામ યુનિવર્સિટીમાંથી બિઝનેસ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટ છે
મુંબઈથી પ્રાથમિક અભ્યાસ પૂરો કર્યા પછી વરુણે નોટિંગહામ યુનિવર્સિટીમાંથી બિઝનેસ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યું હતું . આ પછી જ્યારે તે ભારત પરત ફર્યો તો તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું વિચાર્યું હતું.
આટલા મોટા દિગ્દર્શકનો પુત્ર હોવા છતાં વરુણે તેના પિતાની કોઈ મદદ લીધી ન હતી. તેઓ પોતે પણ ફિલ્મ-નિર્માણની બારીકીઓ શીખીને આગળ વધવા માગતો હતો.
વરુણે શાહરુખ અભિનિત ‘માય નેમ ઈઝ ખાન’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
કરન જોહર એક મેન્ટર છે, દર 3 વર્ષે તેની એક ફિલ્મ કરે છે
વરુણ ધવનને ફિલ્મમેકર કરન જોહર સાથે ગાઢ સંબંધ છે. કરણ વરુણનો મેન્ટર રહ્યો છે. વરુણે 2010માં રિલીઝ થયેલી કરન જોહરની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ પછી 2012માં કરને વરુણને તેની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે લૉન્ચ કર્યો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને ત્યારથી વરુણે તેના કરિયરમાં કરન સાથે 5 ફિલ્મ કરી છે. તે દર 3 વર્ષે કરન જોહરની ફિલ્મમાં કામ કરે છે.
વરુણે અત્યારસુધી કરણ સાથે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયાં’, ‘કલંક’ અને ‘જુગજુગ જિયો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
સતત 11 હિટ ફિલ્મ આપીને શાહરુખના રેકોર્ડની બરાબરી કરી
વરુણે 2012થી 2018 સુધીની કારકિર્દીનાં પ્રથમ 6 વર્ષમાં સતત 11 હિટ ફિલ્મ આપી. એક સમય એવો હતો જ્યારે તેની સરખામણી રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર સાથે કરવામાં આવતી હતી, જેમણે પોતાની કારકિર્દીમાં સતત 17 હિટ ફિલ્મ આપી હતી.
વરુણ તેનો રેકોર્ડ તોડી શકે એ પહેલાં જ તેનું કરિયર કરન જોહરની ફિલ્મ ‘કલંક’થી બેક સીટ પર આવી ગયું. વરુણ ભલે રાજેશ ખન્નાનો રેકોર્ડ તોડી ન શક્યો, પરંતુ શાહરુખ ખાનના સતત 11 હિટ ફિલ્મોના રેકોર્ડની બરાબરી કરી લીધી.
‘કલંક’ પહેલી ફ્લોપ ફિલ્મ બની, બોયકોટનો પણ સામનો કરવો પડ્યો
2019માં રિલીઝ થયેલી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’ વરુણના કરિયરની પ્રથમ ફ્લોપ ફિલ્મ બની હતી. આ પછી વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ઇન્ડસ્ટ્રીમાં વરુણના ગોડફાધર રહેલા કરન જોહર પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો. બોયકોટ નેપો કિડ્સ ઝુંબેશ જે-તે સમયગાળા દરમિયાન ચાલી હતી એની પણ વરુણના કરિયર પર નકારાત્મક અસર પડી હતી.
મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’માં વરુણ ઉપરાંત સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા જેવાં કલાકારો પણ જોવા મળ્યાં હતાં
12 વર્ષમાં 17 ફિલ્મ, જેમાંથી 13 હિટ રહી
વરુણના કરિયરની છેલ્લી 6 ફિલ્મમાંથી ચાર ફિલ્મ ફ્લોપ રહી છે. એકંદરે વરુણે તેના 12 વર્ષના કારકિર્દીમાં 17 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાંથી 13 હિટ રહી છે. દરમિયાન અભિનેતાની બે ફિલ્મ ‘કૂલી નંબર 1’ અને ‘બબાલ’ OTT પર રિલીઝ થઈ હતી અને બંને ફ્લોપ રહી હતી.
પિતાએ 17 રિમેક ફિલ્મ બનાવી, વરુણ ચોથી રિમેક પર કામ કરી રહ્યો છે
આ દિવસોમાં વરુણ એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બેબી જોન’ પર કામ કરી રહ્યો છે. તે વિજય સ્ટારર સાઉથની ફિલ્મ ‘થેરી’ની રિમેક છે. આ પહેલાં વરુણે પોતાના કરિયરમાં 3 રિમેક ફિલ્મ કરી છે, જેમાંથી 2 ફિલ્મ ‘મેં તેરા હીરો’ અને ‘જુડવા 2’ હિટ રહી હતી.
- 2012માં રિલીઝ થયેલી ‘મેં તેરા હીરો’ તેલુગુ ફિલ્મ ‘કંદીરિગા’ની રિમેક હતી.
- 2017માં રિલીઝ થયેલી ‘જુડવા 2’ 1997માં રિલીઝ થયેલી સલમાન ખાનની ‘જુડવા’ની રિમેક હતી.
- 2020માં રિલીઝ થયેલી વરુણની ફિલ્મ ‘કૂલી નંબર 1’ પણ 1995માં રિલીઝ થયેલી આ જ નામની ગોવિંદાની હિટ ફિલ્મની રિમેક હતી.
જોકે વરુણના પિતા ડેવિડ ધવન આ મામલે ઘણા આગળ છે. તેણે પોતાના કરિયરમાં લગભગ 44 ફિલ્મ કરી, જેમાંથી 17 ફિલ્મ સાઉથ કે હોલિવૂડની ફિલ્મોની રિમેક હતી. 12 ફિલ્મ એવી હતી, જેની વાર્તાઓ અન્ય ફિલ્મોથી પ્રેરિત હતી.
પિતા ડેવિડ ધવન સાથે વરુણ. બંનેએ ‘મેં તેરા હીરો’, ‘જુડવા 2’ અને ‘કૂલી નંબર 1’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ત્રણેય રિમેક હતી.
ઘણાં નોમિનેશન મળ્યાં, પણ કોઈ મોટો એવોર્ડ નથી
વરુણ તેના કરિયરમાં અત્યારસુધી 5 ફિલ્મફેર નોમિનેશન મેળવી ચૂક્યો છે. 2012માં ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ માટે શ્રેષ્ઠ પુરુષ ડેબ્યૂ નોમિનેશન મેળવ્યું. 2015માં ‘બદલાપુર’ અને 2017માં ‘બદ્રીનાથ કી દુલ્હનિયાં’ માટે બેસ્ટ એક્ટરનું નોમિનેશન મેળવ્યું. આ સિવાય તેને 2018માં ‘ઓક્ટોબર’ અને 2022માં ‘ભેડિયા’ માટે બેસ્ટ એક્ટર ક્રિટિક્સ નોમિનેશન પણ મળ્યું છે. જોકે તેને ક્યારેય કોઈ મોટો એવોર્ડ મળ્યો નથી.
પરિવારમાં ભાઈ દિગ્દર્શક છે અને કાકા એક્ટર
પિતા ડેવિડ ધવન સિવાય વરુણનો ભાઈ રોહિત ધવન અને કાકા અનિલ ધવન પણ બોલિવૂડ સાથે જોડાયેલા છે. રોહિત ‘દેશી બોયઝ’, ‘ઢીશૂમ’ અને ‘શહેજાદા’ જેવી ફિલ્મોના નિર્દેશક રહી ચૂક્યા છે.
અનિલ ધવન ભૂતકાળના પ્રખ્યાત અભિનેતા રહ્યા છે. તેમણે પોતાના કરિયરમાં ‘પિયા કા ઘર’, ‘ચેતના’ અને ‘અંધાધૂન’ જેવી હિટ ફિલ્મો આપી છે.
વરુણ અને નતાશા બાળપણના મિત્રો હતાં. નતાશાએ વરુણના પ્રપોઝને 4 વખત નકારી કાઢ્યું હતું.
4 વખત રિજેક્ટ થયા બાદ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા
અંગત જીવનમાં વરુણે 24 જાન્યુઆરી, 2021ના રોજ તેની બાળપણની મિત્ર અને લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા. વરુણ અને નતાશા બાળપણથી જ ક્લાસમેટ હતાં. વરુણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 12મા ધોરણમાં બાસ્કેટબોલ રમતી વખતે તેને નતાશા માટે સૌપ્રથમ પ્રેમનો અનુભવ થયો હતો.
તેણે નતાશાને ચાર વખત પ્રપોઝ કર્યું, પરંતુ દરેક વખતે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દેવામાં આવ્યો. જોકે વરુણનો સાચો પ્રેમ અને પ્રયત્નો જોઈને નતાશા રાજી થઈ ગઈ. બંનેએ 2021માં લગ્ન કર્યાં હતાં. બંને જલદી માતા-પિતા બનવાનાં છે.
વરુણ અને નતાશાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં આ ફોટો શેર કરીને જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બનવાનાં છે. તાજેતરમાં જ કપલે તેમના ઘરે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું