2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ
.
ગુજરાતમાં ફરીથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે જ ઠંડક લાગી રહી છે. જ્યારે બપોરે તો મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયાં છે, પરંતુ એની અસર ગુજરાતમાં નહીં થાય, જેથી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે અને શિયાળામાં માવઠાની આફત ટળી છે.
પ્રથમવાર ફાયર ટેક્સ વસૂલવા સૂચન
રાજકોટ મનપામાં નાણાકીય વર્ષ 2025-26નું લીવેબલ થીમ સાથેનું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં પ્રથમ વખત મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયુ છે… મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરાયા જયારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કર્યું છે. ત્યારે હવે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતા પર કરબોજ વાળું બજેટ રજૂ કરશે કે કરબોજ વગરનું બજેટ રજૂ કરશે તે જોવું મહત્વનું રહેશે.
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસનું મેગા સર્ચ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં આવેલા 42 ટાપુઓમાંથી પીરોટન સહિત સાત ટાપુ પર થોડા દિવસો પહેલા તંત્રએ મેગાડીમોલીશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ફરી ત્યાં કોઈ દબાણ થયા છે કે નહીં તપાસવા સ્થાનિક પોલીસે આજે મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઇને તપાસ કરવામાં આવી હતી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહિવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જો કે આજે ચેકીંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકીંગ હાથ ધરવામાં આવશે.
ગિરીશ કોટેચાના મહેશગિરિ પર આકરા પ્રહારો
જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાધુ-સંતો વચ્ચે ગાદી વિવાદ ચાલી રહ્યો છે. ભૂતનાથ મંદિરના મહંત મહેશગિરિ અને જૂના અખાડાના સંરક્ષક હરિગિરિ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહેશગિરિએ ગઈકાલે રાણેશ્વર ખાતે પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી અને ગયા વર્ષે શિવરાત્રિના મેળામાં મુજરાઓ થયા હોવાના આક્ષેપ કરી વીડિયો જાહેર કર્યો હતો. તેમજ ગિરીશ કોટેચાને આડેહાથ લીધા હતા અને કહ્યું હતું કે, મારા ધરમ કરમની વાત કરવા લાગ્યો, તેનું આખું ઘર ટિકિટ માગવા ગયું છે, ત્યારે હવે આ મામલે ગિરીશ કોટેચાએ મહેશગિરિ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે, ‘અમે સાત ટર્મથી ચૂંટાઈએ છીએ, પ્રજાનો પ્રેમ હશે તો જ મત મળતા હશે ને, તને એક ટર્મ પણ કોઈ રાખી શક્યું નથી’.
રાજકોટમાં ફરી એકવાર ક્રિકેટ ફીવર છવાશે
રાજકોટમાં ફરી એક વાર ક્રિકેટ ફીવર છવાશે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ પર આગામી 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ટી-20 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, અને વેસ્ટ ઈન્ડિઝના નિવૃત થયેલા અલગ અલગ 6 દેશોના ખેલાડીઓ ભાગ લેવા માટે રાજકોટ આવશે.આ લીગમાં ભારત વતી ગોડ ઓફ ક્રિકેટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ, અને યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓ રમશે. ભારતની મેચ 1 અને 5 માર્ચના રોજ દક્ષિણ આફ્રિકા તેમજ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચ રાજકોટ ઉપરાંત મુંબઈ અને રાયપુર-છતીશગઢ ખાતે પણ રમાશે.
દુષ્કર્મ ગુજારવા રૂમ આપનાર મિત્રને 10 વર્ષની સજા
રાજકોટ શહેરમાં રહેતી 16 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પે. પોકસો કોર્ટ દ્વારા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ છે, જયારે દુષ્કર્મ આચરવા માટે રૂમ આપી મદદગારી કરનાર મુખ્ય આરોપીના મિત્ર સહઆરોપીને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને સરકારની સ્કીમ મુજબ 7 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
ગુજરાતમાં અલગ-અલગ 5 અકસ્માતમાં 2ના મોત
ગુજરાતમાં આજે 5 અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જ્યારે કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. હાલોલ-વડોદરા રોડ પર સર્વોત્તમ હોટેલ નજીક બસે મોટરસાયકલને અડફેટે લેતા એકનું મોત થયું છે. તો બીજા બનાવમાં અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં કોસંબા ઓવરબ્રિજ નજીક NH-48 પર કારે ટેમ્પાને ટક્કર મારતાં ટેમ્પો ઈકો કાર સાથે અથડાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં પાંચ લોકોને નાની-મોટી ઘજાઓ થઇ હતી. ચોથા બનાવમાં ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ નજીક સ્કૂલવાન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાતા સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. સ્કૂલવાન પલટી મારતાં વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. પાંચમાં બનાવમાં એક ટ્રક, એક્ટિવા અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે વ્યક્તિઓ અને એક બાળક ઘાયલ થયા છે.