સુરતની ડોનેટ લાઇફ સંસ્થાએ અંગદાન ક્ષેત્રે 20 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે. આ નિમિત્તે સંસ્થા દ્વારા ‘ઉમ્મીદ – The Journey of Humanity’ નામક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
કાર્યક્રમ પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે RSS નાગપુરના વરિષ્ઠ પ્રચારક પ્રો. રવિન્દ્ર ભુસારી, ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપક નીલેશ માંડલેવાળાએ તમામ અંગદાતા પરિવારો, તબીબો, હોસ્પિટલો અને વિવિધ સંસ્થાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં વર્ષ 2006થી થયેલા અંગદાનની માહિતી આપતું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. સુફી સિંગર ભાવિન શાસ્ત્રીએ અંગદાન વિષયક ગીતો રજૂ કર્યા હતા.
માંડલેવાળાએ જણાવ્યું કે, 1997માં તેમના પિતાની કિડની નિષ્ફળ થવાથી તેમને અંગદાનની પ્રવૃત્તિ તરફ પ્રેરણા મળી. 2004થી તેમના પિતાને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ અનુભવે તેમને અન્ય દર્દીઓની વ્યથા સમજવામાં મદદ કરી અને તેઓ અંગદાનની પ્રવૃત્તિમાં જોડાયા.
ડોનેટ લાઈફ સંસ્થા અને તેમની ટીમના પ્રયાસોથી શહેર, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક નોંધપાત્ર અંગદાન થયા છે. સંસ્થા છેલ્લા બે દાયકાથી માનવતાની સેવામાં કાર્યરત છે.