આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા
.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત આસપાસના જિલ્લાઓમાં પણ આજે ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 130.81 મીટરે પહોંચી છે, જે માત્ર 7.87 મીટર બાકી છે. અંદાજિત બે ત્રણ દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદામાં 28,464 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે. હાલ ડેમની જળ સપાટી 130.81 મીટર પહોંચતાં હવે ડેમ 8 મીટર જ ખાલી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં સરદાર સરોવર નર્મદા નિગમનું આખું તંત્ર એલર્ટ થઇ ગયું છે. નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીને કારણે કાંઠાના ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે.
CM અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે
આજે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રાજકોટથી રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ શહેરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવી ગુજરાતમાં કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવશે.રાજ્યની અંદર રાષ્ટ્રીય તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાઓ યોજાશે. નડ્ડા રાજકોટની તિરંગા યાત્રામાં ભાગ લેશે. જેમાં ભાજપના કાર્યકરો સહિત આશરે 50,000 લોકો ભાગ લે તેવી ધારણા છે. આજે નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટમાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે એટલે કે 11 મી ઓગસ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પક્ષના વડા સી.આર.પાટીલ સાથે સુરતમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરશે, જેમાં 1 લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.
સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં
સુરતની સ્મિમેર હોસ્પિટલ ફરી વધુ એક વિવાદમાં સપડાઈ છે. ખાનગી મેડિકલ સ્ટોર અને જન ઔષધિ કેન્દ્રને લઈને સ્મિમેર હોસ્પિટલ વિવાદમાં આવી છે. બંને મેડિકલ એક જ સ્ટોરમાં ચાલે છે. ખાનગી મેડિકલ સંચાલકે તો સ્ટોર બહાર ટેબલ મૂકી દીધું છે. જે લોકોને જન ઔષધિ કેન્દ્રમાં સસ્તી મળતી દવા અંગે જાણ નથી તેઓ સીધા જ ખાનગી મેડિકલ પર પહોંચી જાય છે, જેથી દર્દીઓને વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ મામલે જન ઔષધિ કેન્દ્રને નોટિસ પણ પાઠવવામાં આવી છે. જ્યારે હોસ્પિટલ સમિતિના સભ્ય દ્વારા બંને સ્ટોરને અલગ કરવા પણ પાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
અમદાવાદના વસ્ત્રાપુર લેકની ડિઝાઇન બદલાશે
અમદાવાદના સૌથી જાણીતા એવા વસ્ત્રાપુર તળાવ-ગાર્ડનમાં હવે ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. વસ્ત્રાપુર તળાવમાં આવેલા એમ્ફી થિયેટરની જગ્યામાં ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. વર્ષોથી એમ્ફી થિયેટરનો ઉપયોગ થયો ન હોવાથી આ જગ્યા પર ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. એમાં 55 જેટલા ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે. ટેન્ડરપ્રક્રિયા કરી ફૂડ સ્ટોલ ભાડે આપવામાં આવશે. અપર અને લોઅર વોક-વે પર કાચના પડમાં વધારો, આરસીસી દીવાલ અને તળાવમાં જ્યાં ઢાળ આવેલો છે એમાં મજબૂત આરસીસી બીમ ગ્રિડ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. તળાવના રિડેવલપમેન્ટની ડિઝાઇનમાં ફેરફાર અને ફૂડ કોર્ટ એમ મળી કુલ સાત કરોડ રૂપિયાનો વધુ ખર્ચ કરવામાં આવશે.
કાર-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત
પંચમહાલ જિલ્લામાં શુક્રવારનો દિવસ ગોઝારો બન્યો હતો. ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો ગાડી અને ટૅન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ અને બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. 108ને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. બે લોકોની હાલત નાજુક હોવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈકો કારમાં કુલ 7 લોકો સવાર હતા.
ફોરેસ્ટની એફિડેવિટ જોઈ હાઇકોર્ટ ગુસ્સે
સિંહોના અકાળે થતાં મોત અંગે સુઓમોટો રિટ પર આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી…રેલ્વે અને ફોરેસ્ટ વિભાગે સિંહોના અપમૃત્યુ રોકવા માટે ચોક્ક્સ માર્ગદર્શિકા-નીતિ બનાવી છત્તાં એક સિંહ, એક સિંહણ અને બે સિંહબાળના મોત થતાં હાઈકોર્ટની ખંડપીઠ ગુસ્સે ભરાઈ અને સવાલ કર્યો કે, ચોક્ક્સ માર્ગદર્શિકા-નીતિ બન્યા બાદ પણ અકસ્માત કેવી રીતે બન્યો?…જણાવી દઈએ કે, 25મી જુલાઈએ અકસ્માતમાં સિંહ પરિવારનું મોત નિપજ્યું…આ બાદ આ અંગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું…જે સોગંદનામામાં સિંહ, સિંહણ અને સિંહબાળ વિશેના મૃત્યુની માહિતી ન હોવાથી કોર્ટ ગુસ્સે ભરાઈ હતી. કોર્ટે આ અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે તેમજ વધુ સુનાવણી 31 ઓગસ્ટે રાખી છે.