અમદાવાદ,રવિવાર
શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા અને સહકારી બેંકમાં ફરજ બજાવતા યુવકને શેરબજારમાં રોકાણની સામે ફાયદો અપાવવાનું કહીને આદિત્ય બિરલા ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરીને વિશ્વાસમાં લીધા બાદ ૫૯ લાખનું રોકાણ કરાવીને છેતરપિંડી કરવાના મામલે સાયબર ક્રાઇમે ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓને ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. પોલીસ તપાસમાં પોલીસે આંબાવાડી સ્થિત સેફ્રોન ટાવરમાં આવેલી ઓફિસમાં દરોડો પાડીને ૩૭ લાખની રોકડ, મોટી સંખ્યા વિવિધ બેંકોની પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સહિતનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના સાયન્સ સીટી વિસ્તારમાં રહેતા ઉત્પલ પટેલને આશરે ત્રણ મહિના પહેલા કોઇએ આદિત્ય બિરલા એક્સચેંજ ગુ્રપમાં એડ કર્યા હતા. જેમાં શેરબજારમાં રોકાણ સંબધિત માહિતી અપાતી હતી. જેથી તેમણે ગુ્રપના એડમીન સાથે વાત કરતા તેમને રોકાણની સામે નફાની ખાતરી આપવામાં આવી હતી અને કમિશન પેટે નફાના ૨૦ ટકા રકમ હોવાનું કહ્યું હતું. જેથી આદિત્ય બિરલા કંપનીના નામે વિશ્વાસમાં આવીને તેમણે રોકાણ માટે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું. જેમાં તેમણે ૧૩ દિવસમાં ૫૯ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે અનેક ગણો નફો એપ્લીકેશનમાં હતો. તે નફો મેળવવા માટે ટેક્સ ભરવાનું કહેતા ઉત્પલભાઇને છેતરપિંડી થયાની જાણ થઇ હતી અને આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ હાથ ધરીને પ્રકાશ પરમાર (ભુદરપુરા, આંબેડકરનગર,આંબાવાડી) , પ્રિયંક ઠક્કર (પુષ્ટી હાઇટ્સ, ગુરૂકુળ રોડ, મેમનગર) અને કેવલ ગઢવી ( સિલ્ક સરલ એપાર્ટમેન્ટ, બોપલ)ને ઝડપી લીધા હતા. આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે પ્રકાશ પરમાર મુળ મોરબી રોહીદાસપરાનો વતની છે. છેતરપિંડીના નાણાં લેવા માટે તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. તેણે પ્રિયંકની મદદથી તેના ખાતામાં આવેલા ૨૮ લાખ રૂપિયા ચેક લખીને ઉપાડી લીધા બાદ ગોવિંદ નામના વ્યક્તિને આપ્યા હતા. જ્યારે પ્રિંયક છેતરપિંડીના નાણાં જમા કરાવવા માટે બેંક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાં ચાઇનીઝ ગેંગ સુધી પહોંચે તે નેટવર્કમાં મોકલતો હતો. જ્યારે કેવલ ગઢવી અંગે ટેકનીકલ તપાસ કરતા સમગ્ર કૌભાંડનું સંચાલન આંબાવાડી સ્થિત સેફ્રોન ટાવરમાં આવેલી ઓફિસમાં થતું હતું. આ બાતમીને આધારે પોલીસે સેફ્રોન ટાવરમાં દરોડો પાડીને તપાસ કરતા ત્યાંથી ૩૭.૧૧ લાખની રોકડ, વિવિધ બેંકોની ૪૬ ચેક બુક, ૩૩ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ૧૭ પાસબુક, ૩૭ સીમ કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીઓના ઘરેથી ૧૧૨ ચેકબુક, ૪૮ પાસબુક, ૧૨ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જપ્ત કરાયા હતા.
આ ઉપરાંત, વિવિધ યુનિવર્સિટીઓની બનાવટી માર્કશીટ, સર્ટીફિકેટ અને લેટર પેડ તેમજ સ્ટેમ્પ મળી આવ્યા હતા. આમ, આ કૌભાંડમાં પોલીસને અમદાવાદથી ચાલતા ઓનલાઇન છેતરપિંડી કૌભાંડની વિગતો મળી હતી. જે તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.