(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રોકડનો ઉપાડ કરવા માટેના એટીએમ- ઓટો ટેલરિંગ મશીનમાંથી નાણાંનો ઉપાડ કરવાનો ચાર્જ ટ્રાન્ઝેક્શન દીઠ રૃ. ૨૧ને બદલે રૃ. ૨૨નો ચાર્જ લેવાની ભલામણ કરી છે. કસ્ટમર્સને અત્યારે મહિને પાંચ ટ્રાન્ઝેક્શન કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના કરવાની છૂટ આપવામાં આવી રહી છે. મહિને પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન કરે તેના માટેની આ ફી લેવા માટેની ભલામણ કરવામાં આવી છે. પોતાની બેન્કના એટીએમ સિવાયની બેન્કના એટીએમમાં જઈને વહેવાર કરવા માટે લેવાતી ફી એટલે કે ઇન્ટરચેન્જ ફી પણ રૃ. ૧૭થી વધારીને રૃ. ૧૯ કરવા દેવાની માગણી બેન્કોએ કરી છે.
રોકડના વહેવાર સિવાયના વહેવારો માટે ખાતેદારો પાસે લેવાતી રોકડના વહેવારો માટે એટીએમ ઇન્ટરફેસ ફી રૃ. ૧૭થી વધારીને રૃ. ૧૯ કરવાની પણ ભલામણ કરી છે અને નોન ટ્રાન્ઝેક્શન માટેની ફી રૃ. ૬થી વધારીને રૃ. ૭ કરવાની ભલામણ કરી છે. એટીએમના વહેવારોની સુવિધા આપતી તમામ બેન્કો સાથે ચર્ચા વિચારણાં કર્યા પછી એનપીએએ પ્રસ્તુત ભલામણ કરી છે. એક બેન્કના કાર્ડનો બીજી બેન્કના એટીએમમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે પહેલી બેન્ક પાસેથી બીજી બેન્ક ચાર્જ વસૂલે છે. પહેલી બેન્કે બીજી બેન્કને ચાર્જ ચૂકવવો પડે છે. ટ્રાન્ઝેક્શન દીઠ રૃ. ૨૧ ચાર્જ અને નાણાંકીય વહેવાર સિવાયના બેન્ક બેલેન્સ જોવા સહિતના વહેવારો માટે રૃ. ૭ ચૂકવવાની ભલામણ કરવામાં આવી છે.
જોકે બેન્કિંગ સેક્ટરમાંથી ઊભી થયેલી આ માગણી અંગે બેન્કિંગ સર્કલમાં ચર્ચા છે. પરંતુ એપીસીઆઈ કે પછી રિઝર્વ બેન્ક હાલને તબક્કે આ અંગે ફોડ પાડવાનું ટાળી રહ્યાં છે. અત્યારે મેટ્રોશહેરમાં રોકડના પાંચથી વધુ ટ્રાન્ઝેક્શન થાય તેના પર ટ્રાન્ઝેક્શન દીઠ રૃ. ૨૧નો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. જ્યારે નોન મેટ્રો શહેરમાં ત્રણથી વધુ ટ્રાન્ઝેક્શન મહિને થાય તો તેના પર ચાર્જ લેવામાં આવે છે.
આ અંગે ચર્ચાવિચારણાં કરીને નિર્ણય પર આવવા માટે ઇન્ડિયન બેન્ક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરના વડપણ હેઠળ બીજી એક કમિટીની રચના કરવામાં આવી છે. તેમાં સ્ટેટ બેન્ક અને એચડીએફસી બેન્કના સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ કમિટી મેટ્રો, નોન મેટ્રો, અર્ધશહેરી વિસ્તારોમાં ચાર્જ કઈ રીતે લેવા તે અંગેની ભલામણ કરશે. એનપીસીઆઈની ભલામણ મે ૨૦૨૪માં અને એટીએમ ઇન્ટરચેન્જ કમિટીની ભલામણ સપ્ટેમ્બર ૨૦૨૪માં આવી ગઈ છે. હવે નિર્ણય લેવાનો રિઝર્વ બેન્કના હાથમાં છે. નાના શહેરોમાં એટીએમ ઓપરેટ કરવાનો ચાર્જ ખાસ્સો વધી ગયો છે. રોકડ મશીનમાં મૂકવા, ટ્રાન્સપોર્ટથી ચલણી નોટ્સ મોકલવા માટેનો ખર્ચ વધી રહ્યો છે.