અમદાવાદ,રવિવાર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટની ટિકીટને બે થી ત્રણ ગણી કિંમતે વેંચી કાળાબજારી કરતા યુવકને ચાંદખેડા પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા ૨૫૦૦ અને ૪૫૦૦ના દરની છ ટિકીટો જપ્ત કરી હતી. પોલીસે પ્રાથમિક પુછપરછ કરતા યુવકે કબુલ્યુ હતું કે તેણે ઓનલાઇન અનેક ટિકીટો ગેરકાયદે વેચાણ કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ એન જી સોલંકીને બાતમી મળી હતી કે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી ૨૫ અને ૨૬મી જાન્યુઆરીના રોજ યોજાનારા કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટ ની ટિકીટોની કાળાબજારી કરવામાં આવી રહી છે. જેમાં એક યુવક ફોર ડી મોલ પાસે તેની પાસે રહેલી ટિકીટોનું વેેચાણ કરે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને અક્ષય પટેલ ( સોલીટેર સ્કેવર, નિકોલ)ને ઝડપીને તેની પાસેથી રૂપિયા ૨૫૦૦ની કિંમતની ચાર અને રૂપિયા ૪૫૦૦ની કિંમતની બે ટિકીટ મળી આવી હતી. અટકાયત કરીને તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે ઓનલાઇન ટિકીટો ખરીદી હતી. જેમાં ૨૫૦૦ રૂપિયાની ટિકીટ ૧૦ હજારમાં અને ૪૫૦૦ રૂપિયાની ટિકીટ ૧૫ હજાર રૂપિયામાં આપતો હતો. તેણે અગાઉ અનેક ટિકિટોની કાળાબજારી કરી હોવાની માહિતી પણ પોેલીસને જાણવા મળી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.