મોટાપાયે ચાલતા વિઝા-પાસપોર્ટ કૌભાંડ અંગે ઉંડાણપૂર્વક તપાસ
પોલીસે ૩૭ પાસપોર્ટ, પાસપોર્ટની નકલો, માર્કશીટ અને નોટરીના સિક્કા જપ્ત કર્યાઃ ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાશે
Updated: Dec 16th, 2023
અમદાવાદ,શનિવાર
ગુજરાતમાં બનાવટી દસ્તાવેજો અને પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજોને
આધારે ચાલતા વિઝા કૌભાંડને લઇને સીઆઇડી ક્રાઇમ
દ્વારા ગુજરાતમાં સૌથી પ્રથમવાર સામુહિક દરોડાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં
૧૬ જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહીમાં મોટાપ્રમાણમાં પાસપોર્ટ, પાસપોર્ટની નકલો , માર્કશીટ અને અન્ય
ગેઝેટ્સ મળી આવ્યા હતા. પોલીસે જપ્ત કરેલા
દસ્તાવેજોની તપાસને આધારે મહત્વના ખુલાસા થવાની
શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ સાથે સીઆઇડી
ક્રાઇમ દ્વારા દરોડાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.ગુજરાતમાં વિઝા પીઆર
અને પાસપોર્ટના બનાવટી દસ્તાવેજોને આધારે યુ.કે , કેનેડા અને
અમેરિકા જેવા દેશોમાં સ્ટુડન્ટ વીઝા, વર્ક પરમીટ વીઝા અને પીઆર
અપાવવાનું કહીને જુદા જુદા એજન્ટો દ્વારા નાગરિકોને ફસાવીને લાખો રૂપિયા પડાવીને
મોટાપાયે કૌભાંડ ચલાવવામાં આવતા હોવાના અનેક
કિસ્સાના સામે આવ્યા હતા. જે બાબતને ગંભીરતાથી લઇને સીઆઇડી ક્રાઇમના એડીશનલ ડીજીપી
ડૉ. રાજકુમાર પાંડિયન દ્વારા એક એસપી, સાત ડીવાયએસપી અને
અન્ય અધિકારીઓની ૧૭ જેટલી ટીમ બનાવીને શુક્રવારે સાંજથી રાજ્યના ગાંધીનગર, અમદાવાદ અને વડોદરાના
૧૫ જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પોલીસને ંતમામ સ્થળો પરથી તપાસ દરમિયાન ૩૭ પાસપોર્ટ, ૧૮૨ જેટલી પાસપોર્ટની
નકલો, ૫૩ જેટલા
ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સ, ૭૯ માર્કશીટ, નોટરીના રબર સ્ટેમ્પ
અને સાડા પાંચ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ફોરેન્સીક, ઇમીગ્રેશન એક્સપર્ટ
અને સીઆઇડી ક્રાઇમની વિશેષ ટીમ દ્વારા ડોક્યુમેન્ટસ, ગેટેઝ્સ અને અન્ય ડોક્યુમેન્ટની ચકાસણી બાદ રિપોર્ટ તૈયાર કરવામાં
આવશે. જે બાદ પુરાવાને આધારે વડોદરા,
ગાંધીનગર અને અમદાવાદની સીઆઇડી ક્રાઇમની
ઝોનલ ઓફિસમાં ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.