અમદાવાદ, સોમવાર
વિદેશ જવાની ઘેલછામાં વસ્ત્રાલમાં આઠ લોકોએ રૃા. ૯૪ લાખ ગુમાવ્યા હતા. જેમાં યુવાનોને વર્ક પરમીટ અને સ્ટુન્ડન્ટ વિઝા અપાવીને વિદેશ મોકલવાની વાત કરીને આઠ લોકો પાસેથી કુલ ૯૪ લાખ પડાવ્યા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાલમાં વિદેશના વિઝાની લાલચ આપીને રૃપિયા પડાવીને વર્ષ સુધી ધક્કા ખવડાવીને મોબાઇલ સ્વીચ ઓફ કરી ઓફિસે તાળા મારીને નાસી ગયા ઃ રામોલ પોલીસે ઠગ ટોળકી સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી
ઓઢવમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલ ખાતે રહેતા નિરવભાઇ તથા મયંકભાઇ અને વિષ્ણુંભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને યુ.કે. વર્ક પરમિટ વિઝા મેળવી ધંધા માટે જવાનું નક્કી કર્યું હતું. જેથી તેમને વસ્ત્રાલમાં આવેલ આર્કસ વર્લ્ડ વાઇડ કંપનીમાં ઉપરોક્ત ત્રણેય આરોપી મળ્યા હતા. તેઆએ યુ.કેના વર્ક પરમિટ વિઝા અપાવી આપવાના બહાને ફરિયાદી પાસેથી રૃા. ૧૦ લાખ પડાવી લીધા હતા અને ત્રણેયે બનાવટી સ્પોન્સર લેટર પણ મોકલી આપ્યા હતા અને પગાર ૨૫ પાઉન્ડ અને રહેવા જમવાનું મફત મળશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ ત્રણેયે ફોન ઉપાડવાનું બંધ કરીને ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયા હતા તપાસ કરતા ત્રણેયે આઠ યુવાનો પાસેથી કુલ ૯૪ લાખ પડાવ્યા હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે રામોલ પોલીસે ઠગ ત્રિપુટી સામે ગુનો નોધીને બે જણાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા છેલ્લા છ વર્ષથી વિદેશમાં વર્ક પરમીટ અપવવાનું કામકાજ કરતા હતા. યુ.કે અને ઇંગ્લેન્ડના વિઝા આપવાના બહાને યુવાનો પાસેથી લાખો રૃપિયા પડાવીને બનાવટી સ્પોન્સર લેટર ઈશ્યુ કરીને વોટસએપ ઉપર મોકલીને રૃપિયા પડાવતા હતા.