અમદાવાદ,મંગળવાર,29
ઓકટોબર,2024
અમદાવાદના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનાં
રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણ માટે સપ્ટેમબર મહીનામાં હરાજી
કરવામાં આવી હતી. આ પૈકી ચાર પ્લોટના વેચાણથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા ૨૩૫
કરોડની આવક થશે. બોડકદેવના પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૩.૭ લાખ સુધીની ઓફર
આવતા આ પ્લોટના વેચાણથી રુપિયા ૧૪૩ કરોડની આવક તંત્રને મળશે. આ તમામ પ્લોટના વેચાણ
દસ્તાવેજ કરવા મ્યુનિ.કમિશનરને સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તા અપાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા
રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટના વેચાણ માટે કરવામાં આવેલાં ઈ-ઓકશનમાં બોડકદેવના
પ્લોટ ઉપરાંત નિકોલ વિસ્તારમાં આવેલા પ્લોટના વેચાણ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા
૮૬ હજારના ભાવની ઓફર આવતા આ પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને રુપિયા ૪૯.૩૭ કરોડની
આવક થશે.મોટેરા ખાતે આવેલા પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૧.૫૭ લાખની ઓફર આવતા આ પ્લોટના વેચાણથી રુપિયા
૧૫.૧૧ કરોડની આવક થશે.મકરબા ખાતે આવેલા અલગ અલગ ત્રણ પ્લોટ માટે રુપિયા ૭૫ હજાર
પ્રતિ ચોરસ મીટરની ઓફર આવતા તંત્રને રુપિયા ૨૮.૪૯ કરોડ આવક થશે. આ વર્ષે ફેબુ્રઆરી
મહીનામાં મંજૂર કરવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રમાં
શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મ્યુનિ.હસ્તકના રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટના
વેચાણથી રુપિયા ૫૦૦ કરોડની આવક મેળવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ચાર પ્લોટના
વેચાણથી પચાસ ટકા આવક તંત્રને થઈ છે.
કયા પ્લોટથી મ્યુનિ.ને કેટલી આવક થશે?
પ્લોટ ક્ષેત્રફળ(ચો.મી.) આવક(કરોડમાં)
બોડકદેવ ૪૬૫૮ ૧૪૩
નિકોલ ૫૭૪૧ ૪૯.૩૭
મોટેરા ૯૬૩ ૧૫.૧૧
મકરબા ૭૫૮૩ ૨૮.૪૯