અમદાવાદ,સોમવાર
સરખેજ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પીએસઆઇ એમ એ ચૌહાણ અને તેમના સ્ટાફના પોલીસ કોસ્ટેબલ મિતેશભાઇ અશોકભાઇ અને મહાવીરદાનને માહિતી મળી હતી કે બાઇકની ચોરી કરીને તેનો ઉપયોગ ચેઇન સ્નેચીંગના ગુના આચરતા બે યુવકો સરખેજ ફતેવાડી પાસેથી પસાર થવાના છે. જે બાતમીને આધારે વોચ ગોઠવીને બાઇક પર જતા સલાઉદ્દીન સૈયદ (ઉ.વ.45) (રહે.નાઝ કોમ્પ્લેક્સ, શાહપુર) અને મઝહર વોરા (ઉ.વ.45) ને ઝડપીને તેની પાસેથી સોનાની તુટેલી ચેઇન જપ્ત કરી હતી. બંનેની આકરી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું તેમણે વેજલપુરમાંથી બાઇકની ચોરી કરીને બોપલ અને ઘાટલોડિયામાંથી સોનાની ચેઇનની લૂંટ કરી હતી.
આ ઉપરાંત, જાણવા મળ્યું હતું કે મઝહર વોરા વિરૂદ્ધ સેટેલાઇટ, સોલા હાઇકોર્ટ, પાલડી, વસ્ત્રાપુર, એલિસબ્રીજ, વાડજ, આનંદનગર, ઓઢવ, કલોલ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં 26 જેટલા ગુના નોંધાયા હતા. જ્યારે સલાઉદ્દીન સૈયદ વિરુદ્ધ શાહપુર, સેટેલાઇટ, ઘાટલોડિયા, કલોલ, વસ્ત્રાપુર, રાણીપ, સોલા અને પાલડી પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુના નોંધાયેલા છે. જે અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે બંનેને જણા ડ્રગ્સના બંધાણી હોવાથી મોજશોખ કરવા માટે ચેઇન સ્નેચીંગ સહિતના ગુના આચરતા હતા.