વડોદરા,તા.6 સાવલી તાલુકાના ભાદરવા ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠાના બે માલિકો પૈકી એક ભાઇએ ભઠ્ઠા પર કામ કરતી પરિણીતાને બે મહિનાથી છેડછાડ કરી હતી જ્યારે બીજા ભાઇએ ભઠ્ઠાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.
ભાદરવા ગામની સીમમાં કબીર બ્રિક્સ નામના ઇંટોના ભઠ્ઠા પર કામ કરતી મહિલાએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભઠ્ઠાના માલિક બે ભાઇઓ પૈકી કાળુ શરમતુલ્લા પઠાણ (રહે.ચિસ્તીયાનગર, નવાયાર્ડ, વડોદરા) છેલ્લા બે માસથી મારી શારીરિક છેડછાડ કરતો હતો. હું કુદરતી હાજતે જઉ ત્યારે મારો પીછો કરી સંબંધ બાંધવાની માંગણી કરતો હતો.
તા.૨૫ ક્રિસમસની રાત્રે કાળુના ભાઇ એનુલહસને મને કામનું બહાનું કરી ઓફિસમાં બોલાવી હતી અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. એનુલહસને જો આ વાત કોઇને કહીશ તો મને તેમજ મારા પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે દુષ્કર્મ ગુજારનાર તેમજ છેડતી કરનાર બંને અમારા શેઠ હોવાથી જે તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી પરંતુ મારા પતિને વાત કર્યા બાદ તેમની હિંમતના કારણે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.