16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં એક મહાનગરપાલિકા સહિત તાલુકા પંચાયત તથા નગરપાલિકાની યોજાનારી ચૂંટણીને લઈને આજે 25 જાન્યુઆરી શનિવારના રોજ બપોરે 12 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની પોલિટિકલ અફર્સની મિટિંગ મળવાની છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો
.
ગુજરાતમાં આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સમાન્ય ચૂંટણી યોજાવાની છે. તેની સાથે બોટાદ અને વાંકાનેરની નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી મહાનગરપાલિકાની 3 બેઠકો તેમજ નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 9 અને તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટાચૂંટણી યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગત તા. 21 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક મળશે 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા બોટાદ વાંકાનેર નગરપાલિકાની મળી કુલ 68 બેઠકોની ચૂંટણી યોજાશે. આમ આ બેઠકોની ચૂંટણીને લઈને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતિમાં 25 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં જીપીસીસીના પૂર્વ પ્રમુખ તેમજ એઆઇસીસીના ગુજરાતના સિનિયર લિડરો ભાગ લેશે. આ બેઠકમાં આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ચર્ચા થશે.
આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તેની ચર્ચા થશે સામાન્ય રીતે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી સ્થાનિક કક્ષાએથી થશે. એટલું જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાની બનનારી સંકલન સમિતિ જ ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે. આ પસંદગીમાં પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાગીરીની દરમિયાનગીરી નહીં રહે. આ દિશામાં જ નિર્ણય કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં આપ સાથે ગઠબંધન કરવું કે નહીં તેની પણ ચર્ચા થશે. તેમાં બધાંના મત લેવામાં આવશે. ત્યાર બાદ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે કે પછી આપ સાથે ચૂંટણી લડશે તે અંગેનો પણ નિર્ણય કરવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાત સંગઠનના પ્રભારી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી તથા ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનીકજી આજે તા. 25 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યાંથી સીધાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ઓફિસ રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. ત્યાં બપોરે 12 વાગ્યે પોલિટિકલ અફર્સની મિટિંગમાં હાજરી આપશે.