વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં મંગળવારથી વિવિધ ડેની ઉજવણી શરૃ થાય તે પહેલા જ એક બેનરને લઇને વિવાદ ઉભો થતાં વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા હતા. આખરે મોરચો ફેકલ્ટી ડીન પાસે પહોંચ્યો હતો અને ઉગ્ર રજૂઆતો બાદ મામલો થાડે પડયો હતો.
આર્ટસ ફેકલ્ટીમાં મંગળવારથી વિવિધ પ્રકારના ડે ની ઉજવણી શરૃ થશે આ માટે ડીન દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે એટલે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમા ઉત્સાહનો માહોલ છે. આ વખતે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે એવુ પણ નક્કી થયુ હતુ કે કોઇ પણ ગૃપ પોતાના બેનર નહી લગાવે દરમિયાન આજે ભારતીય વિદ્યાર્થી મંચ (બીવીએમ)નામના સંગઠને પોતાનું બેનર લગાવતા વિવાદ શરૃ થયો હતો.
આ વાતનો વિરોધ અન્ય વિદ્યાર્થી સંગઠનોએ કહેતા બીવીએમના આગેવાનોએ કહ્યું હતું કે જો અમારુ બેનર હટાવવામાં આવશે તો યુનિવર્સિટીના તમામ કાર્યક્રમોનો વિરોધ અમે કરીશું. વિવિધ પ્રકારના ડેની ઉજવણી મંગળવારથી શરૃ થવાની છે એટલે બેનર નહી લગાવવાનો નિયમ મંગળવારથી લાગુ પડે છે અમે આજે બેનર લગાવ્યુ છે. મામલો ઉગ્ર બનતા ડિપાર્ટમેન્ટ હેડ વિદ્યાર્થીઓને સમજાવવા માટે આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ રહેતા ડીને દખલગીરી કરવી પડી હતી.