છોટા ઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ છોટા ઉદેપુર સેવા સદન ખાતે ડે.કલેક્ટરને આવેદનપત્ર આપી વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કરાયો છે તે કેન્સલ કરવા તેમજ ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
.
હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે આવી ગરમીમાં વીજળી ઘણી વખત ડૂલ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. થોડા દિવસો પહેલાં જ વીજ કંપની દ્વારા કેટલીક ઠેકાણે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, જેને લઇને સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે છોટા ઉદેપુર ડે.કલેક્ટરને આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત આપવાની રજૂઆત કરાઈ છે.
આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના માધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટર મરણતોલ ઘા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટ ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજેસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉધોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે. ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેતા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8.58 રૂપિયામાં પડે છે. આ અસહ્ય છે. ઉપરાંત સ્માર્ટ મીટર અને પ્રિપેઇડ મીટર મરણતોલ ઘા છે.