પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં આજે તા.3 એપ્રિલ 2025ના રોજ ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે બાલમંદિરથી ધોરણ-8 સુધીના તમામ વિદ્યાર્થીઓને તિથી ભોજનમાં ચણા-ભાત, પૂરી અને છાશનું ભોજન કરાવવામાં આવ્યું હતું.
.
વિદાય સમારંભમાં ધોરણ-8ના વિદ્યાર્થીઓએ પોતાના શાળાકીય અનુભવો વર્ણવ્યા હતા. તેમણે શાળા તરફથી મળેલા ઉત્તમ શિક્ષણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એક વિદ્યાર્થીએ શાળામાં ધોરણ-12 સુધીનું શિક્ષણ શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું.

કાર્યક્રમમાં વિશેષ ઉપલબ્ધિ તરીકે કલાકુંભમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર 16 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો સાથે દરેકને રૂ.1000ની પ્રોત્સાહન રાશિ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળા પરિવારનો આભાર માન્યો હતો. શાળા પરિવારે વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં જરૂર પડે ત્યારે મદદ કરવાની ખાતરી આપી હતી. અંતમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ ભોજન દાતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.