રાજ્યનાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓની ગાંધીનગરમાં ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ગઈકાલે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અચાનક આંદોલન કરનાર કર્મચારીઓને આગામી ચાર દિવસ માટે ગાંધીનગર છોડી દેવાની સૂચના આપી આંદોલન ચાલુ જ હોવાની હૈયા
.
રાજ્યભરના પંચાયત સેવા આરોગ્ય કર્મચારીઓ પડતર માંગને લઈ 17 માર્ચથી હડતાળ ઉપર છે. એક તરફ કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ બાદ જ હડતાળ પરત ખેંચવા માટે અડગ છે. તો બીજી તરફ સરકારે હડતાળ પૂર્ણ કર્યા બાદ જ ચર્ચા કરવાની વાત કરી છે. આ બધા વચ્ચે આરોગ્યની સેવાઓને અસર થતાં એસ્મા લાગુ કરીને હડતાળ ઉપર ઉતરેલાં કર્મચારીઓ સામે આકરાં પગલાં લેવાય રહ્યાં છે. જે અન્વયે આંદોલનકારી કર્મચારીઓને છૂટા કરી દેવાના પણ આદેશો જારી કરી દેવાયા છે.
આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીત સિંહ મોરીની આગેવાનીમાં કર્મચારીઓ પોતાની માંગને લઈને અળગ રહી ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે. જો કે ગઈકાલે પ્રમુખ મોરીએ એકાએક આરોગ્ય કર્મચારીઓને આગામી ચાર દિવસ આંદોલન પડતું મૂકીને ગાંધીનગર છોડી દેવાની સૂચના અપાઈ હતી. અને વળી પાછું આંદોલન ચાલુ હોવાનો દાવો કરીને સોમવારે પાછા ગાંધીનગર આવી જવા માટે પણ કહેવાયું હતું. આમ કોઈપણ એજન્ડા વિના એકાએક પ્રમુખ તરફથી ગાંધીનગર છોડી દેવાની સૂચના આપવામાં આવતા કર્મચારીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે.
આરોગ્ય કર્મચારીઓમા ગણગણાટ શરૂ થયો છે કે કોંગ્રેસનું અધિવેશન મળવા જઈ રહ્યું છે. જેમાં રાહુલ ગાંધીથી લઈ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવવા છે. આવા સમયે ગાંધીનગરમાં આંદોલન થાય એ સરકારને પોષાય એમ નથી. વળી સરકાર તરફથી છૂટા કરેલા આરોગ્ય કર્મચારીઓને આજે ફરજ પર હાજર થઈ જવાની છેલ્લી તક આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે હાલમાં તો કર્મચારીઓ અવઢવમાં મુકાઈ ગયા છે. કેમકે આટલા દિવસોથી ગાંધીનગરમાં ધામા નાખી થાળી વગાડી, આરતી કરી, સહી ઝુંબેશ કરી, અટકાયત વહોરી, ધોમધખતા તાપમાં બેસી રહ્યાં અને છેલ્લે પ્રમુખ તરફથી કોઇપણ નિર્ણય વિના આંદોલન મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવતા કર્મચારીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે.